નવી દિલ્હી, 8 ઓગસ્ટ
એર હોસ્ટેસ ગીતિકા શર્માની આત્મહત્યાનાં કેસમાં કાંડાની કંપનીમાં કામ કરનાર મનદીપની પોલીસે અટકાયત કરી છે. મનદીપનાં નામથી પોલીસને 3 સીમકાર્ડ મળ્યાં છે. પોલીસનાં જણાવ્યાં અનુસાર આ કાર્ડનો મંત્રી કાંડા ઉપયોગ કરી રહ્યાં હતાં.
દિલ્હી પોલીસે ગોપાલ કાંડાને પૂછપરછ માટેની નોટિસ મોકલી આપી છે, જેમાં મંત્રીએ ત્રણ દિવસનો સમય માંગ્યો છે, પરંતુ પોલીસે સમય આપવાની ના પાડી દીધી છે. દિલ્હી પોલીસે ગીતિકાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ કાંડા સામે દાખલ કર્યો છે.
ગોપાલ કાંડાની થશે પૂછપરછ
પૂર્વ એરહોસ્ટેસ ગીતિકા શર્મા આત્મહત્યા મામલે દિલ્હી પોલીસ આજે હરિયાણાનાં પૂર્વ મંત્રી ગોપાલ કાંડાની પૂછપરછ કરશે. તેની પહેલાં મંગળવારે પોલીસે કાંડાને પૂછપરછ માટેની નોટિસ મોકલી આપી હતી. ગીતિકાનાં લેપટોપમાંથી મળેલાં ડેટાનાં આધાર પર કાંડાની પૂછપરછ કરવામાં આવશે. કાંડાની હાલમાં બંધ હાલતમાં એવી એરલાયન્સ કંપનીમાં કામ કરતી પૂર્વ એરહોસ્ટેસ ગીતિકા શર્માએ રવિવારે આત્મહત્યા કરી લીધી હતી. દિલ્હીનાં અશોક વિહારમાં આવેલાં તેનાં ઘરમાંથી તેની લાશ મળી આવી હતી. તેની પાસેથી મળી આવેલી સુસાઈડ નોટમાં મંત્રી ગોપાલ કાંડા અને એમડીએલઆરનાં મેનેજર અરુણ ચઢ્ઢાનું નામ લખવામાં આવ્યું હતું.
ગીતિકાનાં પરિવારે પણ આ મામલે સીબીઆઈની તપાસની માંગણી કરી છે. પોલીસે કાંડાની સાથે અરુણ ચઢ્ઢા અને અંકિત આહલૂવાલિયાને પૂછપરછ માટે પણ નોટિસ મોકલી આપી છે. આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગનાં એક દળને પણ તપાસ સોંપવામાં આવી છે. પોલીસ ગોપાલ કાંડાનાં ઘર તેમજ ફાર્મ હાઉસ પર રેડ પાડી હતી. તપાસ દરમિયાન પોલીસને કેટલાંક કાગળો, લેપટોપ અને સીડી મળી આવી હતી.
દિલ્હી પોલીસે સિવિલ લાયન્સ સ્થિત કાંડાની ઘરે છાપો માર્યો હતો, પરંતુ એક લેડીઝ કોન્સ્ટેબલે કોઈપણ પ્રકારની ટિપ્પણી આપવાની ના પાડી હતી, તો બીજી તરફ કાંડાનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે પોલીસ માત્ર નોટિસ આપવા માટે આવી હતી. ગોપાલ કાંડા પ્રોપર્ટી ડિલરમાંથી નેતા બન્યાં છે અને તેમને ઈન્ડિયન નેશનલ લોકદળનાં નેતા ઓમપ્રકાશ ચૌટાલાનાં ખાસ માણસ તરીકે ઓળખવામાં આવે છે.