મંદસૌર, 8 ઓગસ્ટ
રાજસ્થાનનાં કોટા જિલ્લાનાં નરપતખેડા ગામમાં રહેનાર 58 વર્ષીય ધન્નાલાલ ગુર્જર સ્થાનિક ગંજબજારમાં પોતાના ખેતરનાં લસણ લઈને આવ્યાં હતાં, ત્યારે સૌ કોઈ તેમની મૂછો જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. ખેતીવાડી કરતાં ધન્નાલાલ 15 વર્ષોથી પોતાની મૂછો વધે તેના માટેનાં પ્રયત્નો કરી રહ્યાં છે અને તેની સંભાળ પણ લઈ રહ્યાં છે.
હાલમાં તેમની મૂછો લગભગ સાડા 6 ફૂટ જેટલી લાંબી છે અને તેમની કમર સુધી પહોંચે છે. ધન્નાલાલને તેમની મૂછો પર ગર્વ છે અને તેના વિશે વાતો કરતાં પણ તેઓ થાકતા નથી. તેમને પોતાની મૂછોનાં કારણે પુરસ્કાર પણ પ્રાપ્ત થયાં છે. ગુર્જરને રાજસ્થાનમાં થનાર પુષ્કરનાં મેળામાં પોતાની લાંબી મૂછોનાં કારણે મેળા સમિતિ દ્વારા પુરસ્કાર પત્રની સાથે રોકડ રકમ આપવામાં આવી હતી.
ગુર્જરનાં પરિવારમાં છેલ્લાં ઘણાં સમયમાં એવા પણ પ્રસંગો આવ્યાં છે, જ્યારે ઘરનાં પુરુષોએ પોતાના વાળ અને મૂછો કપાવી પડી હતી, પરંતુ તેમણે પોતાની મૂછો કપાવી જ નથી અને તેમાં તેમનાં પરિવારે પણ તેમને સાથ આપ્યો છે. ધન્નાલાલ પોતાની મૂછો માટે દૂધનો આભાર માને છે, તેમનાં મતે તેઓ પોતાની મૂછો વધે તેના માટે રોજ સવારે એક ગ્લાસ તાજુ દૂધ પીવે છે. તેઓ પોતાની મૂછો પર સરસિયાના તેલની માલિશ પણ કરે છે.