ઇસ્લામાબાદ, તા. ૮
ઝરદારી લાંચ કેસનો મામલો ફરી ગરમાગરમ બન્યો
પાકિસ્તાનના પ્રમુખ ઝરદારીના લાંચના કેસમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ફરી આક્રમક વલણ અપનાવ્યું છે અને પાક. પીએમ રજા પરવેઝ અશરફને ૨૭ ઓગસ્ટે કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું છે. પાક. પ્રમુખ ઝરદારી સામેનો લાંચ કેસ ફરી ખોલવામાં નિષ્ફળ જવા માટે તેમની સામે ક્ન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ થઈ શકે છે અને તેમના પુરોગામી ગિલાનીની જેમ તેઓ પણ વડાપ્રધાનપદે રહેવા માટે ગેરલાયક ઠરી શકે છે.
પાક.ની સુપ્રીમ દ્વારા અશરફને શૉકોઝ નોટિસ બજાવવામાં આવી છે ઝરદારી સામેનો લાંચનો કેસ ફરી ખોલવા તેમણે ઈનકાર કર્યા પછી શા માટે અશરફ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ ચલાવી ન શકાય તેનો ખુલાસો કરવા અને કોર્ટમાં વ્યક્તિગત હાજર રહેવા નોટિસમાં આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમના જસ્ટિસ આસિફ સઈદ ખોસાનાં વડપણ હેઠળની પાંચ જજ્ની બેન્ચ દ્વારા આ નોટિસ બજાવવામાં આવી છે. કોર્ટનું એવું તારણ છે કે વડાપ્રધાન અશરફે તેમને મોકલવામાં આવેલા કોર્ટના આદેશોનું પાલન કરવું જોઈએ અને ઝરદારી સામેનો લાંચનો કેસ ફરી ખોલવા માટે સ્વિસ સત્તાવાળાઓનો સંપર્ક સાધવો જોઈએ. જસ્ટિસ ખોસાએ ગંભીર નોંધ લીધી છે કે આ મામલે ૨૭ ઓગસ્ટે હાથ ધરાનાર સુનાવણી પહેલાં પ્રગતિ સધાય તો સારુંં છે અન્યથા તેમની સામે પણ કોર્ટ તેની જાતે કાનૂની પગલાં લેશે. ઝરદારી સામેનો કેસ ફરી ખોલવાના મામલે સરકાર ઈરાદાપૂર્વક કોર્ટના આદેશની અવગણના કરી રહી છે તેની બેન્ચે નોંધ લીધી હતી. અગાઉ ભૂતપૂર્વ વડાપ્રધાન યુસુફ રજા ગિલાનીએ પણ કોર્ટના આદેશનો ભંગ કર્યો હતો અને લાંચ કેસ મામલે સ્વિસ સત્તાવાળાઓનો સંપર્ક સાધ્યો નહોતો, આને કારણે તેમને વડાપ્રધાન તરીકે ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા, હવે નવા પીએમ અશરફ પણ આ જ માર્ગે ચાલી રહ્યા છે.