ચેન્નાઈ, તા. ૮
લીવર ટ્રાન્સપ્લાન્ટ અંગે નિર્ણય સ્વાસ્થ્યમાં સુધારા બાદ લેવાશે
ચેન્નાઇની એક હોસ્પિટલમાં લીવરની ગંભીર બીમારીની સારવાર લઇ રહેલા કેન્દ્રીય પ્રધાન વિલાસરાવ દેશમુખની હાલત સ્થિર હોવાનું આજે હોસ્પિટલના એક ટોપ એક્ઝિક્યુટિવે જણાવ્યું છે.
ગ્લોબલ હોસ્પિટલ્સમાં સોમવારે દાખલ કરાયેલા ૬૭ વર્ષીય દેશમુખના સ્વાસ્થ્ય અંગે સંક્ષિપ્ત નિવેદનમાં હોસ્પિટલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કે. રવીન્દ્રનાથે કહ્યું હતું કે, "હા, તેમની તબિયત સ્થિર છે."
દેશમુખને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડશે કે કેમ? તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, "પહેલાં તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો થવા દો પછી અમે તે અંગે વિચારીશું."
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દેશમુખનાં સ્વાસ્થ્ય અંગે હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી આ પહેલી વાર કોઇ જાહેર નિવેદન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી તેઓ એમ જ કહી રહ્યા હતા કે દેશમુખના પરિવારે તેમની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરી છે અને દેશમુખનાં સ્વાસ્થ્ય અંગે પરિવારજનો સોશિયલ મીડિયા પર માહિતી આપશે.
દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર તથા અન્ય કેટલાક મંત્રીઓએ આજે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દેશમુખની તબિયત અંગે તેમના પરિવારજનો સાથે પૃચ્છા કરી હતી.