નવી દિલ્હી, તા. ૮
મોંઘવારી અને ભાવવધારો અંકુશમાં રાખવા લેવાયેલાં પગલાં
રૂપિયાનું મૂલ્ય ઘટવાને કારણે અર્થતંત્ર પર ફુગાવાજન્ય દબાણો વધ્યાં છે. સરકાર ભાવવધારો અને મોંઘવારીને અંકુશમાં રાખવાના સક્રિય પ્રયાસો કરી રહી છે તેમ કેન્દ્રના નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું.
લોકસભામાં લેખિત પ્રશ્નના જવાબમાં ચિદમ્બરમે કહ્યું હતું કે રૂપિયાના વિનિમય દરમાં ઘટાડો થવાથી આયાતો વધારે મોંઘી બની છે, આવા સંજોગોમાં જો વધારાના ખર્ચનો બોજો ગ્રાહકો પર લાદવામાં આવે તો તેનાથી ફુગાવાજન્ય દબાણો સર્જાશે અને સામાન્ય કિંમતોમાં વધારો થશે.
૨૨ જૂનના રોજ રૂપિયાનું મૂલ્ય ૫૭.૩૨ની વિક્રમજનક સપાટીએ પહોંચ્યું હતું. હાલ તે ડૉલર સામે ૫૫નાં સ્તરની આસપાસ છે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે સરકાર દ્વારા અનેક નાણાકીય અને વહીવટી પગલાંઓ લેવામાં આવ્યાં છે, જેને પરિણામે ફુગાવો તાજેતરમાં સહેજ ઘટીને ૭થી ૭.૫ ટકાની આસપાસ રહ્યો છે.
જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો મે મહિનામાં ૭.૫૫ ટકા હતો જે જૂનમાં ઘટીને ૭.૨૫ ટકા નોંધાયો હતો. દેશનાં ફોરેક્સ માર્કેટમાં માગ અને પુરવઠાનાં અસંતુલનને કારણે રૂપિયાનાં મૂલ્યમાં ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર મજબૂત થવાથી અને યૂરો ક્રાઇસિસ વધવાને લીધે પોર્ટફોલિયો રોકાણનો પ્રવાહ ઘટવાથી વેપારખાધ વધવાને કારણે તેમજ ચાલુ ખાતાંની ખાધ વધવાથી રૂપિયામાં ઘટાડો થયો હતો.
ચિદમ્બરમે કહ્યું હતું કે રૂપિયો ગગડવાથી દેશની નિકાસમાં વધારો થયો છે, તો બીજી તરફ આયાતો મોંઘી બની છે, આવા સંજોગોમાં વિનિમય દરમાં ઘટાડો ભારતીય કંપનીઓની કામગીરી પર માઠી અસર કરશે, દેશમાં તેમજ વિદેશનાં બજારોમાં માગમાં ઘટાડો પણ કંપનીઓનાં વેચાણના આંકડાને નબળા પાડશે.
દેશમાં મૂડીરોકાણને આકર્ષવા તેમજ નિકાસને વેગ આપવા માટે સરકાર અને રિઝર્વ બેન્ક દ્વારા શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. રૂપિયાને ગગડતો રોકવા વિદેશી હૂંડિયામણનો પ્રવાહ વધારવામાં આવી રહ્યો છે.
ડેટ સિક્યોરિટિઝમાં એફઆઈઆઈની રોકાણમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ઈસીબીની મર્યાદામાં વધારો કરાયો છે. મેન્યુફેકચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ માટે વિદેશમાંથી લોન મેળવવાની મર્યાદા વધારવામાં આવી છે. નિકાસને વેગ આપનારાં પ્રોત્સાહનો જાહેર કરાયાં છે.