લંડન, 8 ઓગસ્ટ
હોલિવૂડના સેલિબ્રિટી કપલ ક્રિસ્ટન સ્ટીવર્ટ અને રોબર્ટ પેટિન્સન વચ્ચેના સંબંધ તૂટી ચૂક્યા છે પરંતુ માહિતગાર સૂત્રોનું કહેવું છે કે આ બંને લગ્ન માટે ઇચ્છુક હતાં અને લગ્નની યોજના પણ બનાવી ચૂક્યાં હતાં. ૨૨ વર્ષીય ક્રિસ્ટેન અને ૨૬ વર્ષીય પેટિન્સન એકબીજા સાથે લગ્નનાં બંધનમાં બંધાવા માટે સજ્જ હતાં પરંતુ પહેલાંથી જ પરિણીત નિર્દેશક રૃપર્ટ સેન્ડર્સ સાથેના ક્રિસ્ટિનના સંબંધો સપાટી ઉપર આવ્યા બાદ ક્રિસ્ટિન-પેટિન્સનનાં લગ્નની તમામ અટકળો ઉપર પાણી ફરી વળ્યું છે.
બંને હવે અલગ થઈ ચૂક્યાં છે. બ્રિટનના અખબારી અહેવાલોમાં તો ત્યાં સુધી જણાવાયું છે કે 'ટ્વિલાઇટ' સિરીઝની ફિલ્મોનો અંત આવી ગયા બાદ બાળકની પણ તેમની યોજના હતી. ક્રિસ્ટિન પણ પેટિન્સનનાં સંતાનને જન્મ આપવા સંમત હતી, હવે તેણે સેન્ડર્સ સાથે સંબંધો મામલે માફી માગી છે પરંતુ પેટિન્સન તેને માફ કરવાના મૂડમાં નથી.