લખનૌ, તા. ૮
- યુપીના હરદોઈ જિલ્લાના એસડીએમે ઇન્દ્રદેવને મોકલી નોટિસ
- નોટિસમાં વરસાદ કેમ નથી પડતો તે અંગે જવાબ માગવામાં આવ્યો
- ઇન્દ્રદેવને જવાબ આપવા ત્રણ દિવસનો સમય અપાયો
- નોટિસ નકલી, સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી
દેશના અનેક વિસ્તારોમાં વરસાદ ન પડવાથી દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે દેશના અનેક ભાગોમાં યજ્ઞા કરવામાં આવી રહ્યા છે, જો કે ઉત્તર પ્રદેશના હરદોઈમાં આથી તદ્દન વિપરીત નવાઈ પમાડે તેવી ઘટના સામે આવી છે. અહીં વરસાદ ન પડતાં ઇન્દ્રદેવને કોર્ટે નોટિસ ફટકારી છે અને વરસાદ ન પડવા અંગે જવાબ માગ્યો છે.
યુપીના હરદોઈમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે ઇન્દ્રદેવને નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. નોટિસમાં ઇન્દ્રને પૂછવામાં આવ્યું છે કે આખરે અહીં વરસાદ કેમ નથી થઈ રહ્યો તેમજ ઇન્દ્રદેવ પાસે સમય સીમાની અંદર જ આ અંગે જવાબ માગવામાં આવ્યો છે, જો કે આ કોઈ શખ્સની હેરાન કરવાના ઇરાદે કરવામાં આવેલી હરકત જ છે.
વરસાદ ન પડવાથી આ નોટિસ હરદોઈ જિલ્લાના સવ્યાજપુર તાલુકાના એસડીએમ સત્યપ્રકાશ શર્માએ જારી કરી છે અને તેને કાયદેસર સ્ટેમ્પ પેપર પર જારી કરવામાં આવી છે. આમાં ઇન્દ્રદેવ પાસેથી ત્રણ દિવસની અંદર જવાબ માગવામાં આવ્યો છે કે આખરે અહીં વરસાદ કેમ નથી પડતો.
આ નોટિસનાં કવર પર ઇન્દ્રનું સરનામું સ્વર્ગ લખવામાં આવ્યું છે. નવાઈ પમાડે તેવી વાત એ છે કે આ નોટિસ રેવન્યૂ ક્લાર્ક સ્વતંત્રકુમાર પાસે મોકલવામાં આવી છે અને તેને આરોપીને મોકલવાનું કહેવામાં આવ્યું છે. નોટિસ પર એસડીએમની સહી પણ છે, જોકે સત્તાવાળાઓનું કહેવું છે કે આ નોટિસ નકલી છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.