એકસ્ટ્રા કોમેન્ટ - અપૂર્વ દવે
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રહી ચૂકેલા હાલના કેન્દ્રીય વિજ્ઞાન-તંત્રજ્ઞાન પ્રધાન વિલાસરાવ દેશમુખ અત્યારે વિજ્ઞાનની જ કસોટી કરી રહ્યા છે. હિપેટોસેલ્યુલર કેન્સરને કારણે લીવર અને તેની અસરરૂપે કિડની ફેઈલ થવાને કારણે તેમને હાલ ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ નાજુક છે. તેમને બીજા કોઈનું લીવર કે કિડની આપી શકાય નહીં એટલી હદે તેમની તબિયત નાદુરસ્ત છે. સૌથી પહેલાં તો તેમને થયેલા લોહીના ઈન્ફેક્શનની સારવાર કરવામાં આવી રહી છે અને પછી લીવર કે કિડનીના પ્રત્યારોપણ વિશે વિચાર કરી શકાશે.
કોઈ પણ તેમને ટી.વી. પર કે સમક્ષ જુએ તો તેમના નખમાં પણ રોગ હશે એવી કલ્પના સુદ્ધાં ન આવે એવું તેમનું વ્યક્તિત્વ રહ્યું છે. તેઓ ૬૭ વર્ષના છે એવું કોઈને કહીએ તો પણ નવાઈ લાગે, પણ એ હકીકત છે. ફિલ્મ અભિનેતા રિતેશના પિતા વિલાસરાવ મરાઠા નેતા તરીકે ઘણું રાજકીય પીઠબળ ધરાવે છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં તેઓ સરપંચપદેથી આગળ વધતાં વધતાં કેન્દ્રના પ્રધાનપદ સુધી પહોંચ્યા છે. જો કે, અહીં આપણને એ જ વિચાર આવે કે, આવા તરવરિયા યુવાન જેવા દેખાતા આ માણસને થયેલી તકલીફ શું છે. તેમને સાતમી ઓગસ્ટે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાંથી ચેન્નઈની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડાયા તેની પહેલાં સાત દિવસ સુધી તેઓ બ્રીચકેન્ડીમાં સારવાર હેઠળ હતા. ચેન્નઈની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કદાચ લીવર કે કિડની પ્રત્યારોપણની વધુ સારી રીતે વ્યવસ્થા કરી શકાય એ જ હેતુસર તેમને ત્યાં લઈ જવાયા હશે. અન્યથા મુંબઈ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરનું તબીબી કેન્દ્ર છે અને બ્રીચેકન્ડી તો મહાનુભાવોની હોસ્પિટલ તરીકે નામાંકિત છે. આપણા જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીને પણ આ જ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા અને અમિતાભ બચ્ચન પણ ત્યાં સારવાર કરાવી ચૂક્યા છે.
વિલાસરાવને થયેલ હિપેટોસેલ્યુલ કેન્સરનાં કારણોમાં દારૂનું સેવન (જે અમેરિકામાં સૌથી મોટું કારણ છે), લીવરની ઓટોઈમ્યુન બીમારીઓ, હેપેટાઈટિસ બી અથવા સી વાઈરસનું ઈન્ફેક્શન, શરીરમાં આયર્નનું વધી જવાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે પચાસ વર્ષથી વધારે વયની વ્યક્તિઓમાં આફ્રિકા તથા એશિયામાં આ બીમારી વધારે જોવા મળે છે.
પેટમાં દુખાવો થતો હોય, પેટ મોટું થઈ ગયું હોય, ત્વચા પીળી પડી ગઈ હોય એવાં લક્ષણો ધરાવતા દર્દીઓના પેટનો સિટી સ્કેન, પેટની સોનોગ્રાફી, લીવરની બાયોપ્સી, લીવર ફંક્શન ટેસ્ટ અને લીવર એમઆરઆઈ કરાવીને નિદાન કરવામાં આવતું હોય છે.
દુઃખદ બાબત એ છે કે, આ પ્રકારના કેન્સરમાં વહેલું નિદાન થતું નથી. બીમારી ગંભીર બન્યા પછી તેનો ઇલાજ કરવા માટે શસ્ત્રક્રિયા અથવા તો લીવર પ્રત્યારોપણ એ જ વિકલ્પ હોય છે. લીવર ફેઈલ થઈ જતું હોવાને લીધે તેની કિમોથેરપી કે રેડિયેશન કરવાનું પણ મુશ્કેલ બની જાય છે. હાલમાં જેમ ઘણા પ્રકારનાં કેન્સરમાં કરવામાં આવે છે તેમ નવી નવી દવાઓના પ્રયોગ કરી શકાય છે. ગંભીર હિપેટોસેલ્યુલર કાર્સિનોમા ધરાવતા દર્દીઓને સોરાફેનીબ ટોસીલેટ નામની દવા આપવામાં આવે છે, પણ તેનાથી સારું થઈ જ જશે એવી ગેરંટી હોતી નથી, કારણ કે આવી દવાઓ હજી પ્રારંભિક તબક્કામાં છે.
આપણે જોયું તેમ આ કેન્સરમાં ફક્ત ૧૦થી ૨૦ ટકા દર્દીઓની શસ્ત્રક્રિયા કરીને કેન્સરની ગાંઠને દૂર કરી શકાય છે. સંપૂર્ણપણે તેને દૂર કરવાનું મુશ્કેલ છે અને તેથી જ તેની ગંભીરતા વધારે છે.
અત્રે નોંધવું ઘટે કે, લીવરની આવી ગંભીર બીમારીઓ માટે દારૂ એ સૌથી મોટું દૂષણ અને કારણ હોય છે અને દુઃખની વાત એ છે કે, ભારતમાં તો જાણે દારૂ પીવાનો જ રોગચાળો ફાટયો છે. હેપેટાઈટિસ બી અને સીના વાઈરસ પણ આ બીમારી લાવે છે, પણ તે વાઈરસનો ચેપ લાગવાનાં કારણો પણ સામાન્ય ઈન્ફેક્શન જેવાં નથી. હેપેટાઈટિસ બી અને એચઆઈવી એ બંનેનો ચેપ લાગવાનાં કારણો લગભગ સરખાં જ છે. ઘણી વાર હેપેટાઈટિસ બીની રસી આપવાના કેમ્પ લાગે છે, પરંતુ જેઓ જોખમી જીવન જીવતા નથી તેમના માટે એ રસી નકામી છે. કોઈનું ચેપી લોહી ચડાવવાના બનાવો હવે ભાગ્યે જ બને છે, કારણ કે લોહીની ચકાસણી માટેના માપદંડ કડક બનાવવામાં આવ્યા છે. હેપેટાઈટિસ બી અને સીનું ઇન્ફેક્શન લાંબુ ચાલે ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ લીવરના કોષો પર હુમલો કરવા લાગે છે. તેમાંના કેટલાક કોષોને વાઈરસે અસર કરી હોવાથી શરીરની આ આંતરિક પ્રતિક્રિયા કોષો પર હુમલો કરે છે અને તેમ કરવા જતાં ઓટો ઇમ્યુન સમસ્યા સર્જાય છે.
અત્રે નોંધવું ઘટે કે, હિપેટોસેલ્યુલ કાર્સિનોમા ટાઈપ ટુ ડાયાબિટીસના દર્દીઓને પણ થવાનું જોખમ હોય છે. પોતાના શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ નિયંત્રણમાં રાખનારા ડાયાબિટીકને આ કેન્સર થવાનું જોખમ હોય છે. ઇન્સ્યુલિનને ચયાપચય સાથે સંબંધ હોવાથી તેનું વધુ પ્રમાણ લીવરને અસર કરે છે.
અહીં ખાસ નોંધવાનું કે, લીવરનાં બધાં જ ઈન્ફેક્શન અને લીવરની બધી બીમારીઓને આપણે ભારતીયો સમાન જ ગણીએ છીએ. આંખ પીળી પડે, પેશાબ પીળો આવે કે ત્વચા પીળી પડે એટલે લીવરની બીમારી થઈ એટલી સમજ દરેકમાં છે, પણ તેના માટેનાં કારણો અલગ અલગ હોઈ શકે છે અને તેથી ઈલાજ પણ અલગ અલગ પ્રકારના હોય છે એ બાબત દરેકના ગળે ઊતરતી નથી. દેશમાં સૌથી વધારે પ્રમાણમાં થતું લીવરનું ઈન્ફેક્શન એટલે હેપેટાઈટિસ એ. ચેપ લાગેલો ખોરાક અને પાણીને કારણે આ ઈન્ફેક્શન લાગે છે અને સંપૂર્ણ આરામ કરવાથી તથા હોજરી પર વધારે બોજ આવે નહીં એવો ખોરાક લેવાથી તે ઈન્ફેક્શન જાતે નિયંત્રણમાં આવી જાય છે. તેના જેવું જ કારણ હેપેટાઈટિસ ઈનું પણ છે. હેપેટાઈટિસ એ માટે તો હવે રસી પણ ઉપલબ્ધ છે. તેનાથી વિપરીત હેપેટાઈટિસ બી અને સીના ઈન્ફેક્શનને ખોરાક-પાણી સાથે કોઈ જ સંબંધ નથી. તેનો સંબંધ લોહીના ચેપ સાથે છે. હેપેટાઈટિસ સીને દારૂ સાથે સીધો સંબંધ છે. તેમાં લીવર સિરોસીસ થઈ જાય છે અને આખરે તેને લીધે હિપેટોસેલ્યુલર કાર્સિનોમા પણ થઈ શકે છે.
આ બીમારીમાં લીવર પ્રત્યારોપણ એક અસરકારક ઉપાય છે. રિતેશ દેશમુખના લીવરના ટીસ્યુનું મેચિંગ થયું હોત તો દીકરો પિતાનો જીવ બચાવવા માટે પોતાના લીવરનો એક ભાગ આપી શક્યો હોત. વાચકોને ખાસ જણાવવાનું કે, ભારતમાં લીવર પ્રત્યારોપણ માટે નિકટના લોહીના સંબંધી અથવા તો મગજ બંધ પડીને મૃત્યુ પામેલી વ્યક્તિ (બ્રેઈન ડેડ) એ બંનેમાંથી કોઈના પણ લીવરનો એક ભાગ લઈ શકાય છે. આપણે આપણા લીવરનો ફક્ત ૩૦ ટકા હિસ્સો ઉપયોગમાં લઈએ છીએ. બાકીનો ભાગ વધારાનો એટલે કે રિઝર્વ હોય છે. તે બીજી વ્યક્તિને આપવાથી કોઈ નુકસાન થતું નથી. લીવર પ્રત્યારોપણ કરાવનાર દર્દી જીવંત રહેવાની શક્યતા વધી જાય છે. જો કે, તેના માટે પણ એ જોવું પડે છે કે દર્દીના લીવરમાં કેટલા ટકા નુકસાન થયેલું છે.
દેશમુખના લીવર ફેઈલ્યોરનું નિદાન એક વર્ષ કરતાં વધારે સમયથી થયું હતું. તેમને ચેન્નઈ લઈ જવાયા ત્યારથી તેઓ વેન્ટિલેટર પર જ છે અને ડોક્ટરો હવે તેમના ઈન્ફેક્શનને નિયંત્રણમાં લેવા પર ધ્યાન આપી રહ્યા છે. દેશમુખના પ્રકરણ પરથી લીવરની બીમારીઓ વિશેની જાગરુકતા ફેલાવવાના શક્ય તેટલા વધારે પ્રયાસ કરવાની જરૂર છે.