નવી દિલ્હી, તા.૯
વ્યાજદરમાં ઘટાડો નહિ થતાં ઓટો ક્ષેત્રનો વિકાસ રિવર્સ ગિયરમાં ધકેલાવાની વકી
પ્રવર્તમાન કપરા સમયમાં દેશમાં ઓટો વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. જો કે, ગત વર્ષના આ જ ગાળામાં નીચા પાયાની અસરને પગલે આ વર્ષે વેચાણ વધ્યું હોવાનું અનુમાન છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સે જાહેર કરેલા આંકડા મુજબ ચાલુ વર્ષે જુલાઈમાં સ્થાનિક બજારમાં ગાડીઓનું વેચાણ ૬.૭૧ ટકા વધીને ૧,૪૩,૪૯૬ એકમ નોંધાયું હતું. જે ગત વર્ષના આ જ ગાળામાં ૧,૩૪,૪૭૩ એકમ થયું હતું. સીઆમના ડીરેક્ટર જનરલ વિષ્ણુ માથુરે જણાવ્યું હતું કે, મોટાભાગે ડીઝલ ગાડીઓની માગ વધતાં કારના વેચાણમાં વધારો થયો છે. જો કે, ડીઝલમાં પણ એકાદ બે મોડલ સુધી માગ સિમિત છે. તેમજ ગત વર્ષે મારુતિ સુઝુકીમાં હડતાળને પગલે નીચા પાયાની અસરથી ચાલુ વર્ષે વેચાણમાં વૃદ્ધિ થઈ હોવાનું જણાય છે. મારુતિના માનેસર પ્લાન્ટમાં તાજેતરમાં બનેલી ઘટનાનો પડઘો આગામી મહિનાના વેચાણના આંકડામાં પડશે. આર્િથક પ્રતિકુળતા વચ્ચે પેટ્રોલના ભાવમાં સામાન્ય ઘટાડો પોઝિટીવ ફેક્ટર રહ્યું હતું. જ્યારે વ્યાજદરમાં કોઈ બદલાવ નહિ કરાતાં ઉંચા વ્યાજને પગલે ગ્રાહકોનો વિશ્વાસ તળિયે રહ્યો છે. વ્યાજદર નહિ ઘટતાં આગામી સમયમાં ઓટો ક્ષેત્રે વિકાસ રીવર્સ ગીઅરમાં ધકેલાવાની વકી છે. માથુરે વધુમાં જણાવ્યું કે, નવા નાણાપ્રધાન વિકાસ માટે આવશ્યક પગલાં ભરે તેવી અપેક્ષા છે. તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવની અસમાનતા ઓછી થવાથી માગ ફરી વધવાની વકી છે.
દરમિયાન જુલાઈમાં પેસેન્જર કાર સેગમેન્ટમાં મારુતિ સુઝુકીનું વેચાણ ૮.૩૨ ટકા વધીને ૫૬,૮૫૧ યુનિટ રહ્યું હતું. તેમજ હ્યુન્ડાઈ મોટર્સનું વેચાણ ૭.૮૪ ટકા વધીને ૨૭,૫૦૦ એકમ, તાતા મોટર્સનું ૫૧.૧૩ ટકા વધીને ૨૧,૧૫૩ એકમ વેચાણ રહ્યું હતું. સીઆમના મતે જુલાઈમાં તમામ શ્રેણીમાં વાહનોનું વેચાણ ૭.૫૩ ટકા વધીને ૧૪,૪૬,૯૫૯ એકમ હતું. જે અગાઉના વર્ષના આ જ ગાળામાં ૧૩,૪૫,૬૪૪ એકમ નોંધાયું હતું. જે પૈકી દ્વિ-ચક્રી વાહોનોનું વેચાણ ૭.૪૫ ટકાની વૃદ્ધિ સાથે ૧૧,૩૨,૬૯૬ યુનિટ થયું હતું. સમીક્ષક ગાળામાં મોટરસાયકલનું વેચાણ ૪.૯૮ ટકા વધીને ૮,૨૧,૮૨૧ યુનિટ થયું હતું. જ્યારે જુલાઈ ૨૦૧૧માં મોટરસાયકલનું વેચાણ ૭,૮૨,૮૫૨ એકમ હતું. સીઆમના આંકડા મુજબ જુલાઈમાં સ્કુટરનું વેચાણ ૨૦.૩૯ ટકા વધીને ૨,૪૭,૨૧૩ યુનિટ નોંધાયું હતું. કર્મિશયલ વાહોનોનું વેચાણ ૧.૨૦ ટકાની વૃદ્ધિ સાથે ૬૫,૦૦૮ એકમ થયું હતું. આર્િથક અનિશ્ચિતિતાના માહોલમાં ભારે અને મધ્યમ શ્રેણીના વ્યવસાયિર વાહોનાના વેચાણમાં ઘટાડો થયો છે જે ચિંતાનું કારણ છે.
જુલાઈમાં વાહનોનાં વેચાણના આંકડા
શ્રેણી વેચાણ (એકમ)
પેસેન્જર કાર ૧,૪૩,૪૯૬
મોટરસાયકલ ૮,૨૧,૮૨૧
સ્કુટર ૨,૪૭,૨૧૩
કર્મિશયલ ૬૫,૦૦૮
થ્રી વ્હિલર ૪૪,૨૮૬