Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 03:23:08 PM IST
 

ભારત મંદીનાં વમળમાં ફસાયું, આર્થિક વિકાસદર ૬% રહેવાની ભીતિ

Aug 10, 2012 Business > Business News
 
Tags:   India Economics Planig Commision Recession comment     E-Mail     Print    
 
Viewed: 7360
Rate: 2.7
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, 9 ઓગસ્ટ
  • ૨૦૧૩માં આર્થિક વિકાસદર ૬% રહેવાની શક્યતાનબળું ચોમાસું -દિશાવિહીન નીતિઓ વિકાસને ફટકો પહોંચાડી શકશે
  • વેપાર ઉદ્યોગ જગતે તત્કાળ વ્યાજદર ઘટાડવાની માગ કરીવિકાસદરનો ઘટાડો રોકવા સરકાર પર તાત્કાલિક પગલાં લેવા દબાણ
  • ૮થી ૯ ટકા આર્થિક વિકાસદર હાંસલ કરવા રોકાણલક્ષી આયોજન જરૂરી આયોજન- પંચની ટ્રાન્સપોર્ટ કમિટીની ચેતવણી

 'પડે છે ત્યારે સઘળું પડે છે'... ભારત માટે આ ઉક્તિ હવે સાચી પડી રહી છે. યૂરોઝોનની વિકરાળ મંદીએ ભારતના આર્થિક વિકાસના પાયાને હચમચાવી દીધો છે. વિશ્વની અનેક ઇકોનોમીની જેમ ભારત પણ ઘેરી મંદીમાં સપડાયું છે. સરકારના અનેક પ્રયાસો છતાં કોઈ દિશામાંથી સારા સમાચાર મળતા નથી. ફુગાવો અને રાજકોષીય ખાધ મોં ફાડીને આર્થિક વિકાસનાં છોડિયાં ફાડી રહ્યા છે ત્યારે જૂનમાં ઔદ્યોગિક વિકાસદર ૧.૮ ટકા ઘટયો છે. મૂડીઝે ભારતનો ગ્રોથરેટ ઘટીને ૫.૫ ટકા રહેવાની આગાહી કરી છે. આયોજનપંચની સમિતિએ ચેતવણી ઉચ્ચારી છે કે જો સુધારા ત્વરિત હાથ નહીં ધરાય તો ગ્રોથરેટ ૬ ટકાથી પણ નીચો જઈ શકે છે. ભારત માટે આ બધા મોકાણના સમાચાર છે. સરકાર વહેલી નહીં જાગે તો ઈકોનોમી મંદીની ઊંડી ગર્તામાં ધકેલાઈ શકે છે.

મૂડીઝે આ વર્ષ માટે ભારતનો ગ્રોથરેટ ઘટાડીને ૫.૫% કર્યો

વૈશ્વિક અર્થતંત્રની ખોડંગાતી સ્થિતિ, સરકારની દિશાવિહીન આર્થિક નીતિઓ, નબળું ચોમાસું અને રોકાણકારોએ ગુમાવેલો વિશ્વાસ જેવાં પરિબળોને કારણે આ વર્ષે ભારતનો આર્થિક વિકાસદર ઘટીને ૫.૫ ટકા રહેશે તેમ મૂડીઝે જણાવ્યું હતું, જો કે ૨૦૧૩માં આર્થિક વિકાસદર ૬ ટકા રહેશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ મૂડીઝે ૬.૨ ટકાનો વિકાસદર અંદાજ્યો હતો. મૂડીઝના સિનિયર અર્થશાસ્ત્રી ગ્લેન લેવિને જણાવ્યું હતું કે ઊંચો આર્થિક વિકાસદર હાંસલ કરવા રિઝર્વ બેન્ક દ્વારા નીતિવિષયક પીઠબળ ઘણું ઓછું છે. સરકારની નીતિઓ દિશાવિહીન છે અને વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ છે, આવા સંજોગોમાં આર્થિક વિકાસદર ઝડપથી વધે તેવા કોઈ અણસાર દેખાતા નથી. જૂનથી સપ્ટેમ્બરમાં ભારતનું ચોમાસું પણ ધારણા કરતાં નબળું રહ્યું છે.

 
અનેક વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડયો છે, જે આર્થિક વિકાસની ગતિને ધીમી પાડશે તેમ મૂડીઝે કહ્યું હતું.

દેશમાં વરસાદ સામાન્ય કરતાં ૨૦ ટકા ઓછો પડયો છે, આને કારણે અનાજનાં ઉત્પાદનમાં ઘટાડો થશે અને ગ્રામીણ સ્તરે લોકોની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે, જેની સીધી અસર ચીજવસ્તુઓની માગ પર પડશે અને અનાજના ભાવમાં વધારો થશે. મૂડીઝે કહ્યું હતું કે ૨૦૧૩ની શરૂઆતમાં ઈકોનોમીમાં રિકવરીની શક્યતા છે. આ પછી ગ્રોથરેટમાં વધારો થઈ શકે છે.

ચાલુ નાણાકીય વર્ષમાં પહેલા ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ નવ વર્ષમાં નીચામાં નીચી સપાટીએ રહ્યો હતો. બીજા ક્વાર્ટરમાં પણ સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી છે. ડિસેમ્બર પછી સ્થિતિમાં સુધારો થશે તેવી ધારણા મૂડીઝે વ્યક્ત કરી હતી.

ચીજવસ્તુઓની નબળી માગને લીધે ભારતીય કંપનીઓનો વિશ્વાસ ડગમગી ગયો છે. વ્યાજદરમાં વધારો, ઊંચો ફુગાવો જેવા પ્રતિકૂળ પરિબળોને કારણે વિકાસની ગાડી આડા પાટે ચડી ગઈ છે, આવા સંજોગોમાં જો સરકાર અને વડાપ્રધાન ઈકોનોમીને વેગ આપવાનાં ઝડપી પગલાં નહીં લે તો સ્થિતિ સુધરતાં સમય લાગશે તેવું રેટિંગ એજન્સીનું માનવું છે.

વધતી જતી અનિશ્ચિતતા અને નબળી માગને કારણે કંપનીઓ દ્વારા તેમની પ્રોડક્ટસનાં ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. નવું મૂડીરોકાણ પણ સ્થગિત થઈ ગયું છે. ઉત્પાદનક્ષેેત્રની નબળી કામગીરી અને કેપિટલ ગુડ્સ ક્ષેત્રે મંદીને લીધે જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદન દર જૂનમાં ઘટીને માત્ર ૧.૮ ટકા રહ્યો હતો જે ઈકોનોમીમાં મંદી ઘેરી હોવાનો નિર્દેશ કરે છે.

જૂનમાં આઈઆઈપી વૃદ્ધિદર ૧.૮% ઘટ્યો, નીતિગત પગલાંની માગ

ઉત્પાદન અને કેપિટલ ગુડ્સ સેક્ટરની પ્રવૃત્તિઓમાં તીવ્ર ઘટાડો થવાને કારણે જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદન આંક ૧.૮ ટકા ઘટયો છે. મે-૨૦૧૨ના ૨.૫ ટકાની આઇઆઇપી વૃદ્ધિ હતી જ્યારે જૂન-૨૦૧૧માં ૯.૫ ટકાનો વૃદ્ધિદર હતો. છેલ્લા ચાર મહિનામાં ત્રણ મહીના દરમિયાન આર્થિક વૃદ્ધિ ઘટી છે. આયોજનપંચના ડેપ્યુટી ચેરમેન મોન્ટેકસિંહ અહલુવાલિયાએ આ આંકડા નિરાશાજનક ગણાવ્યા હતાં. દેશના અર્થશાસ્ત્રીઓએ પણ તાત્કાલિક નીતિગત પગલાંઓ લેવાની માગણી કરી છે. ઘટી રહેલા વિકાસદરના કારણે પી. ચિદમ્બરમ પર આ ઘટાડો રોકવા માટે તાત્કાલિક ઉપાયો કરવાનું દબાણ વધી રહ્યું છે. આજે આઇઆઇપી વૃદ્ધિદરના જાહેર થયેલા આંકડા પ્રમાણે જુનમાં આઇઆઇપી વૃદ્ધિ ૧.૮ ટકા ઘટી છે. એપ્રિલથી જૂન સુધીમાં આઇઆઇપી વૃદ્ધિ -૦.૧ ટકા રહી છે.

 

 જે આગલા વર્ષના સમાન ગાળામાં ૬.૯ ટકા હતી. કેપિટલ ગુડ્સ સેક્ટરમાં જુનમાં ૨૭.૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. અહલુવાલિયાએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક મહીનાથી ઔદ્યોગિક ક્ષેત્રના આંકડા પરેશાન કરનારા છે. મને આશા છે કે ચિંદમ્બર દ્વારા લેવાઇ રહેલા પગલાંથી આગામી છ માસમાં અર્થતંત્રને ગતિ મળશે. વેપાર ઉદ્યોગના અગ્રણીઓેએ પણ ઘટાડો રોકવા માટે તાત્કાલિક નીતિ વિષયક પગલાઓની માગણી કરી છે.

આઇઆઇપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો ૭૫ ટકા જેવો છે. ઉત્પાદન ક્ષેત્રમાં એપ્રિલથી જુન માસના ગાળા દરમિયાન ૦.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે જેની સામે આગલા વર્ષના આ જ સમયગાળા દરમિયાન ૭.૭ ટકાની વૃદ્ધિ હતી. કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ૧૯.૬ ટકાનો ઘટાડો થયો છે, જેમાં ૨૦૧૧ના એપ્રિલથી જુન દરમિયાન ૧૭ ટકાની વૃદ્ધિ હતી. ફિક્કીએ રોકાણને પ્રોત્સાહન આપવા માટે ધિરાણ પરના વ્યાજ દરમાં તાત્કાલિક ઘટાડો કરવાની માગ કરી છે. ફિક્કિના પ્રમુખ આર.વી. કનોરિયાએ જણાવ્યું કે, રિઝર્વ બેન્કે તાત્કાલિક રેટમાં અડધા ટકાનો ગટાડો કરવો જોઇએ, ચોમાસું નબળું રહેવાને કારણે અને વૈશ્વિક બજારમાં નિકાસ માગ ઘટવાને કારણે ભારતીય કોર્પોરેટ સેક્ટરની કામગીરી પર માઠી અસર થઇ છે.

ઉત્પાદન ક્ષેત્રના ૨૨ ઉદ્યોગ ગ્રુપમાંથી ૧૪એ જૂનમાં વૃદ્ધિ દર્શાવી છે. દરમિયાન મે-૨૦૧૨માં ઔદ્યોગિક વૃદ્ધિનો અંદાજ ૨.૪થી વધારીને ૨.૫૩ કરાયો હતો. મે મહીનામાં આઇઆઇપી ૨.૫ ટકા રહ્યો હતો. આરબીઆઇએ જીડીપી વૃદ્ધિનો અંદાજ ૭.૩ ટકાથી ઘટાડીને ૬.૫ ટક કર્યો છે.

સાલ દર સાલના આધાર પર જુનમાં વીજ ક્ષેત્રની વૃદ્ધિ ૮.૮ ટકા રહી છે, જે જૂન ૨૦૧૧માં ૮ ટકા હતી. કેપિટલ ગુડ્સ સેક્ટરમાં સખત માર પડયો છે. કન્ઝ્યુમર ડયુરેબલ્સના ગ્રોથમાં વૃદ્ધિ થઇ છે. જૂન-૨૦૧૨માં આ ક્ષેત્રની વૃદ્ધિ ૩.૫ ટકા રહી છે, જે આગલા જૂનમાં ૯.૧ ટકા હતી. બેઝિક ગુડ્સ સેક્ટરમાં વૃદ્ધિ ૭.૮ ટકાતી ઘટીને ૪.૧ ટકા થઇ છે. ઇન્ટરમિડિયેટ ગુડસ સેક્ટરમાં કોઇ ફેરફાર નોંધાયો નથી. જૂનમાં નોન કન્ઝયુમર ડયુરોબલ્સની વૃદ્ધિ એક ટકા ઘટી છે, જેમાં ગયા વર્ષે ૪.૩ ટકાની વૃદ્ધિ હતી. માઇનિંગ સેક્ટરે એપ્રિલથી જુન-૧૨ સુધીમાં ૧.૧ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. જ્યારે આગલા વર્ષના સમાનગાળામાં અડધા ટકાની વૃદ્ધિ હતી.

સુધારા વિના જીડીપી ગ્રોથ ૬ ટકાથી નીચો રહેવાની ચેતવણી

સરકાર દ્વારા જો ઝડપથી આર્થિક સુધારા હાથ ધરવામાં નહીં આવે તો જીડીપી ગ્રોથરેટ ૬ ટકાથી પણ નીચો રહી શકે છે તેવી ચેતવણી આયોજનપંચની સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. પંચની નેશનલ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ પોલિસી કમિટીનાં ર્વિંકગ ગ્રૂપ દ્વારા આવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. કમિટીએ કહ્યું છે કે સરકારે રોકાણલક્ષી આયોજન, પ્રોત્સાહનો અને નિયમનકારોને વધુ મજબૂત બનાવવાની દિશામાં સુધારાઓ આગળ ધપાવવાની તાતી જરૂર છે, તો જ ૮થી ૯ ટકા આર્થિક વિકાસદર હાંસલ કરી શકાશે. નાસ્કોમના ચીફ ઈકોનોમિસ્ટ અનુપમ ખન્નાનાં વડપણ હેઠળનાં ગ્રૂપે કહ્યું હતું કે જો સરકાર આ મામલે ઉદાસીનતા દાખવશે તો જાહેર અને ખાનગી ક્ષેત્રે અસ્કયામતોનું ધોવાણ થવાની અને નાણાકીય સમસ્યાઓ સર્જાવાની શક્યતા છે.

વીજળીના પુરવઠાની અછત વર્તાઈ રહી છે ત્યારે સસ્તી વીજળી ઉત્પન્ન કરવાની તેમજ પુનઃ પ્રાપ્ય ઊર્જા પર વિશેષ ભાર મૂકવાની જરૂર છે.

થોડા દિવસ પહેલાં આયોજનપંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ અહલુવાલિયાએ કહ્યું હતું કે નબળું ચોમાસું અને ઓછા વરસાદને કારણે આર્થિક વિકાસદર ૬.૫ ટકાથી ઘટીને ૬ ટકા થઈ શકે છે. વૈશ્વિક સંસ્થાઓ આઈએમએફએ જીડીપી ૬.૧ ટકા, વર્લ્ડ બેન્કે ૬.૯ ટકા અને એડીબીએ ૬.૫ ટકા ગ્રોથરેટનો અંદાજ મૂક્યો છે.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com