અમદાવાદ, તા. ૯
એરલાઇન્સ કંપનીઓને પૂરતી સંખ્યામાં પ્રવાસીઓ મળતાં ન હોવાથી અમદાવાદને સાંકળતી ચાર ડેઇલી ફ્લાઇટ્સ હાલ પૂરતી બંધ કરી દેવા નિર્ણય લેવાયો છે.
- પેસેન્જરોના અભાવે આવકને મોટો ફટકો પડતાં એરલાઈન્સ કંપનીઓનો નિર્ણય
- સ્પાઇસ જેટની મુંબઈ, દિલ્હી, પૂણે, જયપુરની ચાર ફલાઇટ બંધ : ગો એરની મુંબઈની ફલાઇટ પણ બંધ થશે
મુંબઇ, દિલ્હી, પૂણે અને જયપુરની આ ચારેય ફ્લાઇટ્સ સ્પાઇસજેટ એરલાઇન્સની છે, ઉપરાંત, 'ગો એર'ની મુંબઇની ફ્લાઇટ પણ બંધ કરી દેવા હિલચાલ છે. ઉલ્લેખનીય છે, આર્થિક કટોકટીમાં સપડાયેલી કિંગફિશર એરલાઇન્સને ઘણી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટ્સ બંધ કરી દેવી પડી છે, જેમાં અમદાવાદ એરપોર્ટ પરથી તમામ ફલાઇટો બંધ કરી દેવાની ફરજ પડી છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નવા રૂટ પર ફલાઇટ્સ શરૂ કરવા પ્રયત્ન કરી રહી છે પણ વાસ્તવિકતા એ છે કે ડોમેસ્ટિક એરલાઇન્સ કંપનીઓને પૂરતી સંખ્યામાં પેસેન્જર ટ્રાફિક જ મળતો નથી. આ મુખ્ય કારણે તેમની આવકને મોટો ફટકો પડી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્પાઇસ જેટે અમદાવાદથી ઓપરેટ થતી તેની ૧૩ ફલાઇટ્સ પૈકી ડેઇલી ચાર ફલાઇટ બંધ કરી દીધી છે, તેમાં મુંબઇ, દિલ્હી, પૂણે, જયપુરના ચાર સેક્ટરનો સમાવેશ થાય છે, હવે અહીંથી તેની માત્ર ૯ ફલાઇટ્સ ઓપરેટ થઇ રહી છે.
આ ચારેય સેક્ટર પૈકી તેના દર એરક્રાફ્ટમાં ૧૯૩ પેસેન્જર સમાવવાની ક્ષમતા હતી એટલે કે ચાર એરક્રાફ્ટમાં અંદાજે ૭૭૨ સીટો ઓછી થઇ ગઇ છે, આમ, બંને તરફના પેસેન્જર ટ્રાફિકની ૧૫૪૪ સીટનો ઘટાડો થયો છે. ગો એર એરલાઇન્સ પણ અમદાવાદ-મુંબઇની રાત્રે ૧૦ વાગ્યે ટેકઓફ થતી ડેઇલી ફલાઇટ બંધ કરવા હિલચાલ કરી રહી છે. નોંધનીય છે કે એરપોર્ટ પરથી પ્રતિદિન ૧૨૦ જેટલી ફલાઇટોની અવરજવર હતી પરંતુ કિંગફિશરની તમામ અને સ્પાઇસજેટની કેટલીક ફલાઇટો બંધ થતાં હવે તેમાં ઘટાડો થયો છે.
કઈ ચાર ફલાઇટ્સ બંધ
|
સેક્ટર
|
ડિપાર્ચર ટાઇમ
|
|
અમદાવાદ-મુંબઈ
|
૯:૩૦ (સવારે)
|
|
અમદાવાદ- દિલ્હી
|
૭:૪૫ (રાત્રે)
|
|
અમદાવાદ- પૂણે
|
૬:૩૦ (સાંજે)
|
|
અમદાવાદ- જયપુર
|
૯:૩૦ (સવારે)
|
ભાડાં વધુ હોવાથી કથળતી સ્થિતિ
ડોમેસ્ટિક સેક્ટરમાં એટીએફમાં વારંવાર વધારો થતો હોવાથી કંપનીઓને ભાડાં વધારવાં પડે છે, હાલમાં અમદાવાદથી મુંબઇનું વન-વે રૂ. ૨,૫૦૦ અને દિલ્હીનું રૂ. ૫,૦૦૦ ભાડું છે. મોટાભાગનાં લોકો મુંબઇ, દિલ્હી જવા રેલવે એસી કલાસ વધારે પસંદ કરે છે, કેમ કે મુંબઇ જવા એસી કલાસમાં રૂ. ૭૦૦ અને દિલ્હી માટે રૂ. ૧,૫૦૦ જેટલું જ ભાડું છે.
સિઝન નહીં હોવાથી ફલાઇટો બંધ કરાઈ
'હાલમાં મંદીની સિઝન હોવાથી પેસેન્જર ટ્રાફિક મળતો નથી. આ સ્થિતિ આગામી સપ્ટેબર સુધી રહેશે જેના કારણે હાલમાં અમે ડેઇલી ચાર ફલાઇટો બંધ કરી છે. હાલમાં હજનો પેસેન્જર ટ્રાફિક વધુ હોવાથી આ ચારેય ફલાઇટોને તે સેક્ટર માટે ઉપયોગ કરવામાં આવશે ત્યારબાદ નવેમ્બરથી શરૂ થતાં વિન્ટર શિડયુઅલમાં આ ચારેય ફલાઇટો રિ-શિડયુઅલ કરાશે.'
- દિગ્વિજય વાળા (સ્પાઇસજેટના એરપોર્ટ મેનેજર)