Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 10:42:20 AM IST
 

કવિતા બનવું એટલે શું ?

Aug 10, 2012 Supplements > Stree
 
comment     E-Mail     Print    
 
Viewed: 1366
Rate: 0
Rating:
Bookmark The Article

તંત્રી સ્થાનેથી

જો તમે કવિ ન બની શકો તો કવિતા બની જાઓ ! અમેરિકાના એક અદાકાર ડેવિડ કેરડાઈને આવી એક મજાની વાત કરી છે.

કવિ એટલે કે સર્જક બનવું એટલું સહેલું નથી તો નવસર્જન પણ મુશ્કેલ કામ છે. કવિની જેમ કશુંક પણ નવું સર્જન કરનાર કલાકારનું કામ એનો ભાવક માની લે એટલું સરળ હોતું નથી. નવસર્જનનો અખતરો કરનારને જે ઘડીએ સમજાઈ જાય કે કવિતા કે કલાકૃતિ રચવાની એની શક્તિ નથી તે ઘડીએ એણે નિરાશ કે હતાશ થયા વિના વાતનો બીજી રીતે સામે છેડેથી વિચાર કરવો જોઈએ.

ડેવિડે કહ્યું છે તેમ કવિ ન બન્યા તો કવિતા બની રહેવાનો પ્રયાસ આરંભવો જોઈએ. આવો સંકલ્પ કરતાંની સાથે પહેલો પ્રશ્ન એ ઊઠવાનો કે કવિતા બનવું એટલે શું ? કવિતા બનીને કરવાનું શું ? કવિતા બનાય કેવી રીતે ?

કવિ બનવા જેટલું જ કવિતા બનવાનું કામ પણ કપરું છે. કવિતા વાંચનારના મનને આનંદિત કરે છે. એની ખિન્નતા-ઉદ્વિગ્નતાને દૂર કરે છે. કોઈક નવી દિશા ચીંધી માણસના મનને નવા ઉત્સાહથી ભરી દે છે. કવિ નહીં બની શકેલો માણસ પોતે કવિતા બનીને આ બધું થઈ શકે છે. પોતાની સાથે અકસ્માતે કે ઋણાનુબંધ સંપર્કમાં આવતાં માનવીઓની પીડાને એ હરી લઈ ના શકે તો હળવી જરૂર કરી શકે છે. નવી ક્ષિતિજો તરફ આંગળી ચીંધી સામાને ઉત્સાહ અને ઉમંગથી ભરી દઈ શકે છે.

આ પણ એક રીતે નવસર્જન જ છે. વ્યક્તિ કે પરિસ્થિતિમાં આવતું પરિવર્તન પોતે એક રીતનું નવસર્જન છે. આવું પરિવર્તન પહેલાં પોતાની જાતમાં આણી, એક મનહર-મનભર કવિતાની જેમ પોતાની જાતને નિખારી શણગારીને સમજદાર માણસ એક ઊંચી ઉમદા કવિતાની જેમ જીવી શકે છે.

ઉત્તમ કલાકૃતિ ન સર્જી શકાય તો એનો અફસોસ મૂકી દઈ, ઉત્તમ કલાકૃતિ જેવું પોતાનું જીવન બનાવવા મથનાર માનવી પણ સમાજજીવન પર ઘણો મોટો ઉપકાર કરે છે. એક ઘટાદાર ઘેઘૂર વૃક્ષની જેમ કવિતા કે કલાકૃતિ બની રહેવા તત્પર માનવી અનેકોને માટે બે ઘડી નિરાંતનો શાતાદાયી વિસામો બની શકે છે. ડેવિડના સૂચનમાં રહેલા આશાવાદનો અંશ ઝીલી લઈ જીવનારને પોતાના જીવતરની સાર્થકતાનો ઊંડો અને આનંદદાયી અનુભવ અચૂક થાય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com