મુંબઈ, તા. 11
સલમાન-કેટરિના સ્ટારર 'એક થા ટાઇગર' ફિલ્મ રજૂ થવા આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે કેટરિનાએ નવાં રહેઠાણની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, કેટરિના સલમાનનાં ઘરની નજીક મકાન શોધી રહી છે. અલબત્ત, મકાનની શોધ કરવાની જવાબદારી તેણે તેના મેનેજરને સોંપી છે.
કેટરિના દરિયાકિનારે મકાન લેવા ઇચ્છે છે. મુંબઇના સૌથી પોશ વિસ્તારોમાં સ્થાન ધરાવતા બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાં સ્થાયી થવાની તે લાંબા સમયથી યોજના ધરાવે છે. આ વિસ્તારમાં રહેતા બોલિવૂડ કલાકારોમાં સલમાન ઉપરાંત શાહરૃખખાન, રેખા, જેકી શ્રોફ અને ફરહાન અખ્તરનો પણ સમાવેશ થાય છે, હવે કેટરિના કૈફ પણ આ વિસ્તારમાં રહેતા કલાકારોની યાદીમાં જોડાઇ જાય તેવી શક્યતા છે. કેટરિના હાલમાં બોલિવૂડની ટોચની અભિનેત્રી તરીકે ઊભરી આવી છે.