વિવિધ સંસ્કૃતિ - હસમુખ ગજ્જર
|
સત્તાવાર નામ
|
|
ન્યૂઝિલેન્ડ
|
|
રાજધાની
|
|
વેલિંગ્ટન
|
|
વસ્તી
|
|
૪૪,૩૦,૪૦૦
|
|
કુલ વિસ્તાર
|
|
૨,૬૮,૦૨૧ ચો.કિમી.
|
|
સત્તાવાર ભાષા
|
|
અંગ્રેજી, મઓરી
|
|
ધર્મ
|
|
ખ્રિસ્તી
|
|
મોટાં શહેરો
|
|
ઓકલેન્ડ, ક્રાઇસ્ટ ચર્ચ,
|
|
હેમિલ્ટન, નેપિયર
|
ઓસ્ટ્રેલિયા પાસે આવેલો ન્યૂઝિલેન્ડ દેશ પ્રશાંત મહાસાગરમાં બે મોટા ટાપુઓથી બનેલો છે. ન્યૂઝિલેન્ડના ટાપુઓની ગણના વિશ્વના મોટા ટાપુઓમાં થાય છે. ન્યૂઝિલેન્ડ પશુપાલન, ખેતી પર નભતો વિકસિત દેશ છે. ૯૯ ટકા લોકો ભણેલાં ગણેલાં છે. મૂળ નિવાસી મઓરી જાતિનાં યુદ્ધ ગીતો દુનિયામાં વિખ્યાત છે. રાષ્ટ્રીય પક્ષી કિવી (જે ઊડી શકતું નથી)ને લીધે આ દેશના લોકોને કિવી તરીકે પણ સંબોધવામાં આવે છે. આ રમણીય દેશ પ્રવાસન તથા ફિલ્મોનાં શૂટિંગ માટે પણ જાણીતો છે. ન્યૂઝિલેન્ડમાં યુરોપિયન, પેસિફિક આઇલેન્ડ, એશિયન અને આફ્રિકન એમ વિવિધ સંસ્કૃતિઓ રહે છે.
ઇતિહાસ
એક હજાર વર્ષ પહેલાં ઈ.સ. ૯૧૦ આસપાસ વણખેડાયેલા આ અજાણ્યા ટાપુઓ પર મઓરી નામની આદિજાતિના લોકો સ્થળાંતર કરીને રહેવા આવ્યા હતા. આ વાત ઈ.સ. ૧૬૪૨માં હોલેન્ડના આબેલ જેન્સઝુને ન્યૂઝિલેન્ડની ધરતી પર પગ મૂક્યો ત્યારે દુનિયાને જાણવા મળી. મઓરી જાતિ અને આગંતુકો વચ્ચે લોહિયાળ અથડામણ થતાં મઓરીઓએ હોલેન્ડના આબેલને તગડી મૂક્યો. આ ઘટના ઘટયાના એક સદી ઉપરાંતના સમય પછી ઈ.સ. ૧૭૬૯માં બ્રિટનના જેમ્સ કુક નામના સાહસિક સંશોધકે ન્યૂઝિલેન્ડની ધરતી પર પગ મૂક્યો. કુક સાથે ફ્રાંસના વેપારી જહાજનો કમાન્ડર પણ હતો. ૧૭૯૦માં બીજા કેટલાક વહાણવટિયાઓ ન્યૂઝિલેન્ડના ઉત્તરીય કાંઠા પર રહેવા આવ્યા. મૂળ નિવાસી મઓરી જાતિમાં નાગાપુસી અને નાગાતીવાટુઆ નામના બે જૂથ વચ્ચે દુશ્મનાવટ ચાલતી હતી. ૧૮૦૧થી ૧૮૪૦ની વચ્ચે અંદરોઅંદર લડાઈમાં મઓરી જાતિના ૩૦ હજાર લોકો માર્યા ગયા. સંઘર્ષના મૂળમાં બટાટા, ફળ વગેરે ખેતપેદાશોનો વેપાર હોવાનું મનાય છે. ધીમે ધીમે યુરોપમાંથી ખ્રિસ્તી મિશનરીઓનું આગમન શરૂ થતાં લોકોને ખ્રિસ્તી ધર્મમાં રસ જાગ્યો. ૧૮૪૦માં બ્રિટિશ તાજ અને મઓરીના આગેવાનો વચ્ચે સંધિ મુજબ બ્રિટિશ સરકારનો વહીવટ શરૂ થયો. ૧૯૦૭માં કરારખતના આધારે બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી દેશ આઝાદ થયો. જોકે આજે પણ ન્યૂઝિલેન્ડનાં મહારાણી તરીકે બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ (બીજા) બિરાજમાન છે.
અર્થતંત્ર
ન્યૂઝિલેન્ડનું અર્થતંત્ર મજબૂત છે. ગરીબી રેખાની વ્યાખ્યામાં એક પણ નાગરિક આવતો નથી. ફુગાવો ૪.૫ ટકા આસપાસ રહે છે. ખેતી અને પશુપાલન તથા માંસ ઉત્પાદન સારા એવા પ્રમાણમાં છે. ડેરી પ્રોડક્ટ, માંસ, લાકડું, લાકડાંની વસ્તુઓ, માછલી અને મશીનરીની નિકાસ કરે છે. ટૂરિઝમ પણ ન્યૂઝિલેન્ડની આવકનો સારો સ્રોત છે.
લોકજીવન
કિવીઝ એકબીજાને નામ(ફર્સ્ટનેમ)થી જ બોલાવે છે. ન્યૂઝિલેન્ડમાં વિવિધ દેશોમાંથી આવેલા લોકો હળીમળીને રહે છે. લડાઈ-ઝગડા, ગુના-અપરાધનું પ્રમાણ નહિવત્ છે. લોકો શાંત, મહેનતુ અને પ્રામાણિક છે. આ દેશમાં વેલ્થ કે સોશિયલ સ્ટેટસનું કોઈ જ મહત્ત્વ નથી. તેઓ વ્યક્તિગત કંઈક સિદ્ધિ મેળવે એનાથી જ ખુશ રહે છે. વિકસવાની તકો બધાને મળવી જોઈએ એવી ભલમનસાઈ સૌ ધરાવે છે. અભિનંદન આપવા હાથ મિલાવવા અને સ્મિત કરવું એ સહજ છે. ફ્લાવર, ચોકલેટ અને બુક્સ એ જાણીતી ભેટો છે. ગિફ્ટ હંમેશાં ખોલીને જ આપવામાં આવે છે. લોકો મિટિંગ કે મેળાવડામાં આપેલા સમય કરતાં બે મિનિટ વહેલા પહોંચી જવાની શિસ્ત પાળે છે. કોઈ ખાસ ગંભીર વિષય સિવાય લોકો હળવા મૂડમાં રહે છે. લોકો વ્યાવસાયિક મુલાકાતોમાં ટૂંકી વાત અને જરૂરી બ્રિફ કરવાનો જ ખાસ આગ્રહ રાખે છે. વ્યવસાયમાં ઇમોશન અને ફીલિંગને કોઈ જ સ્થાન નથી. આઈ કોન્ટેક્ટ જાળવી રાખીને થોડાક ફૂટ દૂર ઊભા રહીને વાત કરવી એ સંસ્કાર ગણાય છે. મઓરી જાતિનું સાંસ્કૃતિક-સામાજિક જીવન વિશિષ્ટ ઓળખ ધરાવે છે. આ જાતિનાં પરંપરાગત ગીતો, ડાન્સ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રજૂ કરવામાં આવે છે. નાતાલ તથા નવા વર્ષની ધામધૂમથી ઉજવણી થાય છે. દરેકને પોતાના ધર્મ-રિવાજ પ્રમાણેના ઉત્સવો નાગરિક કાયદાઓનું પાલન કરીને ઊજવવાની છૂટ મળે છે. નોકરીઓમાં કોઈ અસહજ વર્તન કરે તેની ગંભીર નોંધ લેવાય છે. અંગ્રેજી અને મઓરી ભાષાઓ એકબીજામાં એવી ભળી ગઈ હોવાથી શબ્દભંડોળમાં અરસપરસના શબ્દો આવે છે. લોકો ઓછાબોલાં, કંઈક અંશે અંતર્મુખી અને ભળી જાઓ એ પછી મળતાવડા લાગે છે. રગ્બી, નેટબોલ, ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ લોકપ્રિય રમતો છે. સાઇકલિંગ, ફિશિંગ, સ્વિમિંગ, હંટિંગ અને સ્નો સ્પોર્ટ્સમાં પણ લોકો ખૂબ રસ ધરાવે છે.
ખાણીપીણી
ન્યૂઝિલેન્ડની ખાણીપીણી ઓસ્ટ્રેલિયાને મળતી આવે છે. આ ઉપરાંત બ્રિટિશ, પેસિફિક વિસ્તાર, અમેરિકન, સાઉથ વેસ્ટ એશિયન, પૂર્વ એશિયા અને ભારતની પણ અસર વર્તાય છે. ન્યૂઝિલેન્ડમાં સાંજનું વાળુ એ મુખ્ય ભોજન ગણાય છે. બપોરનાં ખાણાંના સમયને સોલાર ટાઇમ કહે છે. સી ફૂડ, ચિકન, પોર્ક, મટન, ઈંડાં, ડેરી પેદાશો, દૂધ, માખણ તથા ચીઝનો કોઈ ને કોઈ સ્વરૂપે ઉપયોગ થાય છે. 'હોકી પોકી' આઇસક્રીમ તથા ફળોમાંથી બનેલાં પીણાં તથા વાઇન (લાલ - સફેદ) પીવાય છે. માછલી, બ્રેડ પણ સહજ છે. ગાજર, બટાટા, શક્કરિયાં, કોબીજ તથા લીલી ભાજી મુખ્ય છે. શક્કરિયાંમાંથી 'કુમારા' નામની વાનગી તૈયાર કરવામાં આવે છે. મઓરી જાતિના મૂળ નિવાસીઓની પરંપરાગત ભોજન રાંધવાની પદ્ધતિને 'હાંગી' કહે છે. ખાસ પ્રસંગે આ પદ્ધતિથી રાંધવામાં આવે છે. મઓરીઓ જ્યાં સુધી વડીલો 'ખાવાનું ઠંડું થઈ જાય છે' એમ ન કહે ત્યાં સુધી ખાતા નથી. લોકો ખાવાપીવા બાબતે શુદ્ધતા, ગુણવત્તા અને ચોખ્ખાઈના આગ્રહી છે.
hasmukh108@gmail.com