ખંભાળિયા,તા.૧૧
તાલુકાના મોટા માંઢા ગામની સીમ આસપાસ ગુરૂવારે દીપડો આવ્યો હોવાની વાત માંઢા આસપાસના ગામલોકોમાં પ્રસરી જતા ફફડાટની લાગણી વ્યાપી છે.
- વાછરડાનું મારણ કર્યું : જંગલ ખાતા દ્વારા પાંજરૂ મુકાયુ
જન્માષ્ટમીના દિવસે જ દીપડો આવ્યાની જાણ થતા ખંભાળિયાના પીએસઆઈ જાડેજા તાત્કાલીક સટાફ સાથે મોટા માંઢા ખાતે દોડી ગયા હતા અને વાડી વિસ્તારમાં નિરીક્ષણ કરી પગના નિશાન મેળવ્યા હતા.આ નિશાનની ખરાઈ અંગે જામસાહેબનો સંપર્ક કરતા આ નિશાન દીપડાના જ હોવાનો અભિપ્રાય આવ્યો હતો. બાદમાં આ અંગે જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી.
આ વિસ્તારની પાંચેક વીઘાની વાડીમાં શેરડીના પાક અને બાજુમાં મકાઈના પાકમાં દીપડો હોવાનું અનુમાન થઈ રહ્યું છે.દીપડાએ એક વાછરડાનું મારણ કર્યુ હોવાનું પણ જાણવા મળે છે. પીએસઆઈ જાડેજાએ જંગલ વિભાગને જાણ કરતા આ દીપડાને જબ્બે કરવા પાંજરૂ મુકાયું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન પણ કરી લેવાયો છે. દીપડો બરડા ડુંગરમાંથી આ વિસ્તારમાં આવી ચડયો હોવાનું અનુમાન થાય છે. જો કે શુક્રવારે સાંજથી ગોઠવાયેલા પાંજરામાં શનિવારે સાંજ સુધી ચાલાક દીપડો પુરાયો નથી.