શિલોંગ, તા. ૧૧
બટાલિયનના ઇન્સ્ટ્રક્ટર પ્રદીપ બોરાહને ફરજમુક્ત કરાયા
મેઘાલય પોલીસના એક બટાલિયન ઇન્સ્ટ્રક્ટરે પોલીસ ટ્રેનિંગ દરમિયાન બે રિક્રુટ કોન્સ્ટેબલ્સને સાથી ટ્રેઇનીઓનું મૂત્ર પીવાની ફરજ પાડતાં ઇન્સ્ટ્રક્ટરને ફરજમુક્ત કરાયા છે.
રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા મુજબ, બટાલિયન ઇન્સ્ટ્રક્ટર કસૂરવાર સાબિત થશે તો તેમની સામે વધુ આકરાં પગલાં લેવાશે. મેઘાલયના ગૃહપ્રધાન એચડીઆર લિંગ્ડોહે કહ્યું હતું કે, "પોલીસદળમાં કે બીજે ક્યાંય પણ આ પ્રકારની અમાનવીય સજા સાંખી લેવાય નહીં."
વેસ્ટ ગારો હિલ્સ જિલ્લાના ગોએરાગ્રે ખાતે મેઘાલય પોલીસની સેકન્ડ બટાલિયનના ઇન્સ્ટ્રક્ટર પ્રદીપ બોરાહે કોમ્યુનિટી કિચનમાં બપોરનાં ભોજન દરમિયાન અન્ય એક રિક્રુટ સાથે ઝઘડો કરનારા બે રિક્રુટ કોન્સ્ટેબલ્સને સાથી ટ્રેઇનીઓનું મૂત્ર પીવાની ફરજ પાડી હતી. બોરાહે નાઇટ રોલ કોલ દરમિયાન ૬૦૦ કોન્સ્ટેબલ્સની ઉપસ્થિતિમાં ત્રણ રિક્રુટ્સને બોટલમાં પેશાબ કરવા જણાવ્યું હતું અને તેમનું મૂત્ર પીવાની બે રિક્રુટ્સને ફરજ પાડી હતી.
ગોએરાગ્રે મેઘાલયના પાટનગર શિલોંગથી ૩૦૦ કિ.મી.ના અંતરે આવેલું છે. લિંગ્ડોહે ઉમેર્યું હતું કે, "બટાલિયન કમાન્ડન્ટે આ બનાવ પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે, જો ઇન્સ્ટ્રક્ટર કસૂરવાર જણાશે તો તેમની સામે અમે કડક પગલાં લઇશું."
આ ઘટનાને પગલે મેઘાલય પોલીસના સત્તાવાળાઓએ બોરાહને ફરજમુક્ત કર્યા છે અને તેમની પાસેથી ખુલાસો માગ્યો છે. સેકન્ડ બટાલિયનના કમાન્ડન્ટ એન. રાજામાર્તન્ડને જણાવ્યું હતું કે આ પ્રકારની સજા અસ્વીકાર્ય છે. બોરાહ બન્ને રિક્રુટ્સને એક્સ્ટ્રા ડ્રિલની સજા કરી શક્યા હોત.
મેઘાલયના ડીજીપી એન. રામચંદ્રને પણ આ ઘટના સાચી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું જણાવતાં કહ્યું હતું કે બોરાહ સામેની ખાતાકીય તપાસ પેન્ડિંગ રાખીને તેમને સસ્પેન્ડ કરાયા છે. તમામ પાંચેય કોન્સ્ટેબલ્સના નિવેદનો લેવાયા છે અને સંપૂર્ણ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે, જે આવી ગયા પછી ઇન્સ્ટ્રક્ટર સામે વધુ પગલાં લેવાઇ શકે છે.