મુંબઈ,
તા. ૧૧
- ૧૫૦ જેટલા પેરાગ્લાઇડર્સને તાલીમ આપી હતી
- કરાચીના 'જમ્બો જેટ રૂમ'માં કાવતરું ઘડાતું હતું
મુંબઈ પર ૨૦૦૮માં હુમલો કરવામાં સંડોવાયેલા અને મુંબઈ પોલીસના કબજામાં રહેલા પાકિસ્તાનના ત્રાસવાદી અબુ જુંડાલે મુંબઈ હુમલા અંગે કેટલોક ચોંકાવનારો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ખાતેનું ત્રાસવાદી ગ્રૂપ લશ્કર-એ-તોયબાએ ભારતનાં શહેરો પર હવાઈ હુમલા કરવા કાવતરું ઘડયું હતું. આ માટે ૧૫૦ જેટલા પેરાગ્લાઇડર્સને તાલીમ આપવામાં આવી હતી.
જુંડાલે જ્યારે ૨૦૧૦માં કરાચીમાં આવેલા 'જમ્બો જેટ રૂમ'ની મુલાકાત લીધી ત્યારે તેને આ કાવતરાંનો ખ્યાલ આવ્યો હતો. કરાચીનાં એક વિશાળ બંગલામાં લશ્કરના ટોચના કમાન્ડરો ભેગા મળીને ભારત પર હવાઈ હુમલા અને દરિયાઈ હુમલા કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ હુમલાઓ પર યાકુબ નામના શખ્સે દેખરેખ રાખવાની હતી. યાકુબ તોયબાના હિસાબો પણ સંભાળતો હતો.
જુંડાલે જ્યારે 'જમ્બો જેટ રૂમ'ની મુલાકાત લીધી ત્યારે કેટલાક બોક્સમાં તેણે ૧૫૦ જેટલા પેરાશુટ્સ પડેલાં જોયાં હતાં, આ અંગે પૂછવામાં આવતાં યાકુબે તેને ભારતનાં શહેરો પર હવાઈ હુમલા કરવાની યોજના બતાવી હતી. યાકુબ ડેવિડ હેડલીનો મેન્ટર મનાતો હતો. જુંડાલ એક વખત'જમ્બો જેટ રૂમ'માં હેડલીને મળ્યો હતો જ્યાં યાકુબે તેની ઓળખાણ વિદેશી મિત્ર તરીકે આપી હતી. જુંડાલના જણાવ્યા મુજબ 'જમ્બો જેટ રૂમ' પહેલાં પીઓકેમાં મુઝફરાબાદ ખાતે હતો. મુંબઈ હુમલા પછી તેને કરાચી ખાતે ખસેડાયો હતો. મુઝફરાબાદમાં કરાચી હાઉસ અને કાશ્મીર હાઉસ બનાવવામાં આવ્યાં હતાં. કરાચી હાઉસમાં ભારતનાં શહેરો પર હુમલાના અને કાશ્મીર હાઉસમાં ફક્ત કાશ્મીરમાં હુમલાનાં કાવતરાં ઘડવામાં આવતાં હતાં. મુબઈ હુમલામાં જીવતા પકડાયેલા ત્રાસવાદી અજમલ કસાબ સહિત તમામ ત્રાસવાદીઓને કરાચી હાઉસ ખાતે તાલીમ અપાઈ હતી.
મુંબઈ હુમલામાં ત્રણ ભારતીયોની સંડોવણી
મુંબઈ પર કરાયેલો હુમલો કે જેમાં ૧૬૬ નિર્દોષોનાં મોત થયાં હતાં તેનું કાવતરું ઘડવામાં ત્રણ ભારતીયો સંડોવાયા હોવાનું જુંડાલે કહ્યું હતું, જેમાં મહારાષ્ટ્રના બીડના ફૈયાઝ કાગઝી, બીડના જ મસૂદ શેખ અને મુંબઈના રાહીસ શેખનો સમાવેશ થતો હતો. કાગઝીએ મુંબઈ પર હુમલો કરનારાઓને હિન્દી શીખવ્યું હતું. કાગઝી સાઉદી અરેબિયામાં પકડાઈ ગયો છે અને તેને ભારત લાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. કાગઝીએ કરાચીમાં ૨૬/ ૧૧ માટેના ક્ન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી, જો કે હુમલા વખતે તે ત્યાં હાજર ન હતો.
કસાબ-જુંડાલને આમનેસામને લવાયા
મુંબઈ પોલીસે મુંબઈ હુમલા દરમિયાન જીવતા પકડાયેલા અજમલ કસાબ અને અબુ જુંડાલનો ભેટો કરાવ્યો હતો. બંનેને આર્થર રોડ જેલમાં આમનેસામને લાવવામાં આવ્યા હતા. આ વખતે કસાબે જુંડાલને મુંબઈ હુમલાના કાવતરાખોર તરીકે ઓળખી બતાવ્યો હતો. ૧૦ લોકોએ મુબઈ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું જેમાં હાફિઝ સઈદ, ઝકી ઉર રહેમાનનો પણ સમાવેશ થાય છે.