મુંબઈ, તા. ૧૧
- સરકારને અનૌરસ ગણાવતી અડવાણીની ટિપ્પણીને સાચી ગણાવી
- અડવાણીનાં મોઢેથી આખરે સત્ય બહાર નીકળી ગયું : ઠાકરે
- બાંગલાદેશીઓની ઘૂસણખોરી અંગે કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિનો આરોપ
શિવસેના પ્રમુખ બાલ ઠાકરે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તેના વિવાદાસ્પદ બ્લોગ મામલે ઝાટકણી કાઢયા બાદ હવે તેમનાં સમર્થનમાં આગળ આવ્યા છે. અડવાણીએ યુપીએ-૨ને અનૌરસ ગણાવ્યા સંબંધી ટિપ્પણીનું ઠાકરેએ સમર્થન કર્યું છે.
બાલ ઠાકરેએ તેમની પાર્ટીનાં મુખપત્ર સામનાના એડિટોરિયલમાં લખ્યું છે કે લોકશાહીમાં અમુક શબ્દોને અસંસદીય કહેવામાં આવે છે અને અડવાણીએ તેને પરત લેવા પડયા, પરંતુ તેનાં કારણે સત્યને દબાવી શકાતું નથી. ઠાકરેએ કહ્યું કે કદાચ અડવાણીજીની જીભ લપસી પડી હશે, પરંતુ અડવાણીનાં મોંઢેથી કડવું સત્ય બહાર આવી ગયું.
ઠાકરેએ આસામ મામલે સંસદમાં અડવાણીએ કરેલાં સંબોધનનાં વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે વોટબેંકની રાજનીતિ માટે ગેરકાયદે ઘૂસણખોરીને પ્રોત્સાહન આપ્યું અને આસામમાં થયેલી હિંસા માટે કોંગ્રેસ જ જવાબદાર છે. ઠાકરેએ યુપીએ-૨ સરકારને અનૌરસ ગણાવતાં કહ્યું હતું કે તે સીબીઆઈનો ખોટો ઉપયોગ કરી રહી છે.
ગત ૮ ઓગસ્ટના રોજ સંસદનાં ચોમાસં સત્રના પહેલા દિવસે અડવાણીએ આસામમાં બાંગલાદેશીઓની હિંસાનું મૂળ કારણ જણાવતાં સરકારને તેને રોકવામાં નિષ્ફળ ગણાવી હતી. કેન્દ્ર સરકારની નિષ્ફળતાનો ઉલ્લેખ કરતાં અડવાણીએ સાંસદોની ખરીદીનો હવાલો આપીને યુપીએ-૨ સરકારને અનૌરસ ગણાવી હતી.
આ સપ્તાહની શરૂઆતમાં ઠાકરેએ અડવાણીના એ બ્લોગની ટીકા કરી હતી, જેમાં તેમણે ૨૦૧૪ના પરિણામો પર તેમનું મંતવ્ય જણાવ્યું હતું. બ્લોગમાં અડવાણીએ લખ્યું હતું કે આગામી ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ બાદ ભારતના વડાપ્રધાનપદે ભાજપ કે કોંગ્રેસ બંને પાર્ટીઓના ઉમેદવાર સિવાયનો ઉમેદવાર હશે. ઠાકરેએ આ મામલે અડવાણીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ બાબત એવી છે કે આર્મીના કોઈ જનરલ યુદ્ધ પહેલાં જ કહી દે કે તેનાં પરિણામની કોઈ ગેરંટી નથી.