ગાંધીનગર, શનિવાર
ડભોડા હનુમાનજી મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે દરવર્ષે લોકમેળો ભરાય છે. આ મેળામાં ગયેલી ચાર વ્યક્તિઓએ બટાકા પૌઆ ખાધા બાદ તેમને ખોરાકી ઝેરની અસર થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ચાર વ્યક્તિઓ પૈકી એક ૧૧ વર્ષનો કિશોર હોવાનું જાણવા મળ્યુ છે. પ્રાપ્ત વિગતો મુજબ, અસરગ્રસ્તો ડભોડાના કુંડી અને દંતાલી વાસમાં રહેતા હોવાનું જાણવા મળ્યુ છે. પ્રથમ તેઓને સ્થાનિક પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ સાંજે તેઓની તબીયત લથડતા તેઓને વધુ સારવાર માટે ૧૦૮ મારફત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઝાડા ઉલટીની ઝપટમાં આવેલા લોકોના ઘરે ક્લોરીનની ટીકડીઓ તથા ઓ.આર.એસનું વિતરણ કરવામાં આવ્યુ હતું.