ગાંધીનગર, તા.૧૧
જન્માષ્ટમી અને નોમની જાહેર રજાઓ દરમિયાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અછતગ્રસ્ત બનાસકાંઠા, પાટણ, કચ્છ અને ભાવનગર જિલ્લામાં સમીક્ષા બેઠકો યોજી હતી. અગાઉના દુષ્કાળો કરતા આ વર્ષના દુષ્કાળમાં જમીન- આસમાનનો તફાવત હોવાનું માર્ગદર્શન આપતા મોદીએ આ ચારેય જિલ્લાઓ સહિત અછતગ્રસ્ત જાહેર કરાયેલા ૧૫૭ તાલુકાઓમાં જનભાગીદારીથી આપત્તિને અવસરમાં પલટાવવા આહ્વાન કર્યું છે. પશુઓને પુરતો ઘાસચારો મળી રહે તે હેતુસર નર્મદા કેનાલની બંન્ને તરફની સરકારી જમીનના વિશાળ પટ્ટા લીઝ પર આપીને ઘાસચારો ઉગાડવામાં આવશે. એટલુ જ નહિ, દુષ્કાળમાં લોકો કુપોષણથી પીડાય નહિ તે માટે ગણેશ ચતુર્થીથી લોકભાગીદારીમાં જ સુખડી બનાવીને તેનુ વિતરણ કરવામાં આવશે.
- કેનાલ આસપાસની જમીનો લીઝથી મળશે
- અન્યત્ર સુખડીનું વિતરણ કરાશે
આ વખતનો દુષ્કાળ અગાઉના દુષ્કાળથી અલગ હોવાનુ જણાવતાં મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યુ હતુ કે નર્મદાના પાણી ઉપલબ્ધ છે. તેનુ જળ વ્યવસ્થાપન કરીને અછતના સંકટનો મુકાબલો કરવાનો છે. કુપોષણથી મુક્તિ માટે સુખડી વિતરણનુ સામાજિક આંદોલન ઉપાડવા ભાર મૂકતા તેમણે ઉમેર્યું હતુ કે, ભાવનગર જિલ્લા સહિત દરિયાકાંઠાના જિલ્લાઓમાં અછતના સમયે રોજગારનુ સર્જન કરવા મનરેગાથી દરિયાઈ શેવાળની ખેતી કરવાનુ આયોજન કરવુ જોઈએ. શહેરોની આસપાસ ખેતીમાં શાકભાજીના વાવેતર માટે શહેરના વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ મેનેજમેન્ટનુ મોડલ અપનાવવા, ડુંગરાળ વિસ્તારમાં ટેરેસ તલાવડી, વૃક્ષારોપણ જેવા કામો થકી કાયમી અસ્કયામતો નારેગાથી સર્જવા તેમણે અધિકારીઓને તાકિદ કરી હતી. અછતટાણે વહિવટીતંત્રને પ્રોએક્ટીવ થઈને કામે લાગવા હાકલ કરતા મોદીએ બનાસકાંઠા જિલ્લામાં ૮૫ કિલોમીટરના નર્મદા કેનાલ નેટવર્કની બંન્ને તરફની જમીનો પાંજરોપોળ, ગૌશાળા સંસ્થાઓને એક વર્ષ માટે લીઝ ઉપર આપીને પશુઓ માટે ઘાસચારો ઉગાડવાનુ આયોજન કરવા કહ્યુ હતુ. જેમાં નારેગાના ફંડનો મહત્તમ ઉપયોગ કરવાથી લઈને જળ સંરક્ષણના કાયમી ઉત્પાદકીય કામો અને વિશેષ કરીને ચેકડેમોને ડીસીલટીંગ કરવાનુ વ્યાપક અભિયાન ઉપાડવા માર્ગદર્શન આપ્યુ હતું. ડાર્કઝોન હેઠળના જિલ્લાઓમાં તત્કાળ ખેત જોડાણ આપવા અધિકારીઓને આદેશો કર્યા છે. સાથે જ ખેડૂતો વધુને વધુ ટપક સિંચાઈ પધ્ધતીથી ખેતી કરે તે માટે અભિયાન ઉપાડવા કહ્યુ છે. ચાર જિલ્લાની મુલાકાતોમાં મોદીની સાથે સરકારના મંત્રીઓ, અધિકારીઓ પણ જોડાયા હતા.