Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 03:53:18 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

'અમદાવાદ એરપોર્ટ પર પ્લેન હાઇજેક, હવાઈ હુમલો થઈ શકે'

Aug 12, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 3058
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૧૧

૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પર્વ દરમિયાન વિમાનનું અપહરણ કે હવાઈ હુમલો કરવાનું કાવતરું સીમી અને લશ્કર-એ- તોયબાના આતંકવાદી સંગઠન દ્વારા ઘડાઇ રહ્યું હોવાના અહેવાલ કેન્દ્રીય ગુપ્તચર વિભાગને મળ્યા છે. એરપોર્ટ ઓથોરિટી, એટીએસ, ક્રાઇમ બ્રાન્ચને મળેલા આઇ.બી.ના આ અહેવાલ પ્રમાણે દેશનાં પાંચ એરપોર્ટ પૈકી અમદાવાદ એરપોર્ટ પરથી પણ મુસાફરના સ્વાંગમાં આતંકવાદીઓ ઘૂસી શકે છે. એટલું જ નહીં ગુપ્તચર એજ્ન્સીને જે સાત આતંકવાદીના નામ મળ્યાં છે, તેમાં બે દંપતી અમદાવાદનાં છે. એક આતંકીએ વિશાખાપટ્ટનમમાંથી પાઇલટની ટ્રેનિંગ લીધી છે અને તે હાલ રાજસ્થાનમાં છે. અન્ય એક આંતરરાષ્ટ્રીય પાઇલટ છે અને તે મૂળ યમનનો છે. આ આતંકીઓએ જયપુર, લુધિયાણા, શ્રીનગરના એરપોર્ટ પર રેકી પણ કરી છે જેને પગલે અમદાવાદ એરપોર્ટ કિલ્લેબંધીમાં ફેરવાઇ ગયું છે. હાલમાં એરપોર્ટ ઓથોરિટી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠકનો દોર શરૂ થઇ ગયો છે.

  • ૭ આતંકી પૈકી બે અમદાવાદનાં દંપતી : એક આતંકી પાઇલટની ટ્રેનિંગ લઈ હાલ રાજસ્થાનમાં છે, બીજો આતંકી આંતરરાષ્ટ્રીય પાઇલટ જયપુર, લુધિયાણા અને શ્રીનગર એરપોર્ટની રેકી કરી હોવાની શંકા : તમામ મુસાફરોનું બે- બે વખત સઘન ચેકિંગ, શંકાસ્પદોની પૂછપરછ

રાજ્યમાં છેલ્લા કેટલાક વખતથી આતંકવાદીઓ ગમે ત્યારે ઘૂસી શકે તેવા અહેવાલ કેન્દ્રીય ગુપ્તચર વિભાગને મળ્યા હોવાથી એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. બીજી તરફ, સ્વાતંત્ર્યદિન દરમિયાન ગમે ત્યારે દેશના અતિ વ્યસ્ત, અતિ સંવેદનશીલ ગણાતા મુંબઇ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઇ કે અમદાવાદ એરપોર્ટ પરથી પરથી પ્લેન હાઇજેક થઇ શકે અથવા હવાઇ હુમલો થઇ શકે તેવા સીમી, લશ્કર- એ- તોયબાના ઉલ્લેખવાળા ધમકીભર્યા પત્ર સેન્ટ્રલ આઇ.બી.ને મળ્યાના ઇનપુટ્સથી ગુજરાત પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ સત્તાધીશોમાં દોડધામ મચી છે. હાલમાં અમદાવાદ એરપોર્ટ કિલ્લેબંધીમાં ફેરવાઇ ગયું છે. એરપોર્ટના ડિપાર્ચર અને અરાઇવલમાં મુસાફરોનું સઘન ચેકિંગ થઇ રહ્યું છે. શંકાસ્પદ મુસાફરોની પૂછપરછ થઇ રહી છે. આઇબીને સાત આતંકવાદીઓનાં નામ મળ્યાં હોવાથી એરપોર્ટ પર આ આતંકવાદીઓના ભળતાં નામથી અવરજવર કરતાં મુસાફરો પર સઘન વોચ રખાઇ રહી છે. જેની જાણ જે તે એરલાઇન કંપનીઓને પણ કરી દેવાઇ છે.

ડોગ સ્કવોડ તૈનાત

ર્ટિમનલની બહાર બિનવારસી બેગ કે કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ દેખાય તો તેને તાત્કાલિક અજ્ઞાત (સુરક્ષિત) સ્થળ પર લઇ જવા અથવા સીઆઇએસએફના જવાનો કે ર્ટિમનલ મેનેજરને જાણ કરવાના આદેશો જારી કર્યા છે. એરપોર્ટની ડોગ સ્કવોડને પણ તૈનાત કરાઇ છે. ડોગ સ્કવોડ દ્વારા પેસેન્જરોનાં લગેજ સહિત ર્ટિમનલમાં ખૂણેખૂણે તપાસ થઇ રહી છે.

સીઆઈએસએફના જવાનો વધારાયા

એરપોર્ટ પર સતત વોચ રાખવા સીઆઇએસએફના જવાનોની સંખ્યા હાલ પૂરતી વધારી દેવામાં આવી છે. રૂટિન દિવસોમાં ૧૦૦ જવાનો ફરજ બજાવે છે. હાલમાં ૧૫૦ જવાનો તૈનાત છે. કેટલાક જવાનોને ડબલ ડયૂટી સોંપાઇ છે. એટલું જ નહીં ખુદ એરલાઇન્સ કંપનીઓના પાયલટની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.

પેસેન્જરોનું લેડર પોઇન્ટ પર ચેકિંગ

મુસાફરોના લગેજ ચેકિંગ, એક્સ- રે સ્ક્રિનિંગ ઉપરાંત હેન્ડ લગેજ લઇને ફ્લાઇટમાં ચડતાં પેસેન્જરોનું લેડર પોઇન્ટ પર સેકન્ડરી ચેકિંગ થઇ રહ્યું છે. વિમાનની સીડી ચડતાં પૂર્વે એરલાઇન્સ કંપની દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે. મુસાફરોને ત્રણ કલાક પહેલાં એરપોર્ટ પર બોલાવી લેવા તમામ એરલાઇન કંપનીઓને સૂચના અપાઇ છે.

બ્યૂરો ઓફ સિવિલ એવિએશને એલર્ટ રહેવાની સૂચના આપતાં અમે લાગતાંવળગતાં તમામ ડિપાર્ટમેન્ટને જાણ કરી દીધી છે. એરપોર્ટથી પ્રવેશતાં અને ર્ટિમનલની બહાર વાહનોનું સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે. આ ઉપરાંત પાર્કિંગ સાઇડે તેમજ એર સાઇડ એટલે કે રન- વેની આસપાસ અને એટીસી ટાવર પરથી સઘન વોચ રાખવા સુરક્ષા એજન્સીઓને આદેશો આપી દીધા છે.     

- આર. કે. સીંઘ, એરપોર્ટ ડિરેક્ટર 

વેસ્ટર્ન સાઇડના એરપોર્ટ પર પ્લેન હાઇજેકિંગ કરવાની ધમકી મળી છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ સીઆઇએસએફના તાબા હેઠળ આવે છે તેમ છતાં અમે સ્થાનિક પોલીસના જવાનો તૈનાત કરી દીધા છે એટલું જ નહીં આ ઝોનમાં આવતા ડીસીપી નીરજ બડગુર્જરને એરપોર્ટની ડેઇલી વિઝિટ કરી તેનો મંથલી ડાયરીમાં નોટ કરી સીધો રિપોર્ટ સબમિટ કરવા આદેશ કરાયો છે.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે 'સુરત, ભાવનગર, રાજકોટ, વડોદરા સહિતનાં મોટાભાગનાં એરપોર્ટ સ્થાનિક પોલીસના તાબા હેઠળ આવતાં હોવાથી ત્યાં પણ વધુ પોલીસ જવાનોને સતત વોચ રાખવા ફરજ પર મૂકી દેવાયા છે.

ચિતરંજન સિંઘ, ડીજીપી, ગુજરાત

અબ્દુલ મૂર મુલ્લાહ, યામિન અલ બશીર કોણ છે

સ્પેસિફિક ડિટેઇલ સાથેના ઇનપુટ મળ્યા હોઈ ગુપ્તચર એજન્સીઓની ઊંઘ હરામ થઇ છે. આતંકી અબ્દુલ મુર મુલ્લાહે વિશાખાપટ્ટનમમાંથી પાઇલટની ટ્રેનિંગ લીધી છે. હાલ તે રાજસ્થાનમાં છે. યામીન અલ બશીર આંતરરાષ્ટ્રીય પાઇલટ છે. તે મુસાફરના સ્વાંગમાં આવી પ્લેન હાઇજેક કરી શકે છે.

આઈબીને મળેલા ૭ આતંકવાદીનાં નામ

મુરતુજા મહોંમદ અમીન અને તેની પત્ની રૂકશાના બાનુ (અમદાવાદના)

અબ્દુલ મુર મુલ્લાહ (વિશાખા પટ્ટનમમાંથી પાઇલટની ટ્રેનિંગ લીધા બાદ હાલ રાજસ્થાનમાં)

હમીદ ઉલ્લાહ અને તેની પત્ની સૂર્યા બેગમ (અમદાવાદના)

યામીન અલ બશીર (આંતરરાષ્ટ્રીય પાઇલટ મૂળ યમનનો)

સિદ્દીકઉલ્લાહ અંસારી

મુસાફરના સ્વાંગમાં આતંકીઓ ઘૂસી શકે છે : સેન્ટ્રલ આઈબી 

સીમી અને લશ્કર-એ-તોયબાના ધમકીભર્યા પત્રથી અમદાવાદ એરપોર્ટ કિલ્લેબંધીમાં ફેરવાયું

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com