અમદાવાદ,તા.૧૧
હવામાન ખાતાએ આજે આગાહી કરી છે કે, આગામી ૩૬ કલાકમાં રાજ્યભરના જુદા-જુદા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
ગુજરાતમાં ચોમાસુ ખેંચાતા દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મેઘરાજા બીજા રાઉન્ડમાં વરસે તો પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા પર આંશિક અંકુશ આવી શકે છે. થોડા દિવસોથી રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસુ પુનઃ સક્રિય થાય તેવી હવામાન ખાતાએ આગાહી કરી હતી. વડોદરા, વલસાડ, ડાંગ, આહવા સહીતના અમુક જિલ્લાઓમાં છેલ્લા થોડા દિવસોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આજે વડોદરા જિલ્લામાં વરસાદની મહેર થઇ હત અને દોઢથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાએ આગાહી કરી છે કે, આગામી ૩૬ કલાકમાં ગુજરાતના મોટાભાગના સ્થળો સહીત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. ઉપરાંત અમદાવાદ શહેર સહીત જિલ્લામાં આગામી ૩૬ કલાકમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે.