ભાવનગર, તા.૧૧
ભાવનગર શહેરમાં ગઈકાલે જન્માષ્ટમીની ભાવભેર રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જુદા જુદા મંદિરોમાં ભગવાન કૃષ્ણના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તો જન્માષ્ટમીના પર્વે બોરતળાવ ખાતે લોકમેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. આ ઉપરાંત ઠેર-ઠેર શોભાયાત્રા અને મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
- જગતના તાતના આગમનને વધાવવા ગોહિલવાડ ગુલતાન
- ગીતા ચોક, હલુરીયા ચોક, નિર્મળનગરના કાર્યક્રમોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું
- બોરતળાવ અને રૂવાપરી મંદિરે લોક મેળા ભરાયો
મોંધવારીની માર અને મેઘરાજાના રીસામણા વચ્ચે પણ ઉત્સવપ્રિય જનતાએ જન્માષ્ટમી પર્વની ધામેધુમે ઉજવણી કરી હતી. આખા દિવસ જાણે કે ભાવનગર શહેર સહિત સમગ્ર ગોહિલવાડ કાનમય બની ગયુ હોય તેમ શહેરમાં ખેલૈયાઓએ 'ગોવિંદા આલા રે' ની રંગત જમાવી હતી. અને મોડી રાત સુધી ઠાકર દ્વારા મંદિર, દેવાલયો અને જાહેર આયોજનોમાં લોકોની મોટી સંખ્યા જોવા મળી હતી.
શ્રાવણ વદ આઠમ અને જન્માષ્ટમી એટલે કાળિયા ઠાકર ભગવાન કૃષ્ણનો જન્મદિવસ. ઈકાલે ગોહિલવાડમાં ભક્તિભાવ સાથે જન્માષ્ટમી ઉજવાઈ હતી. વહેલી સવારથી જ લોકોની મોટી ભીડ મંદિરોમાં દર્શનાર્થે ઉમટી પડી હતી. શહેરના રૂવાપરી મંદિર ખાતે ભાવિકો દ્વારા પાનના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સવારથી કૃષ્ણભક્તિના ગીતો, ભજનો અને રાસની રમઝટ વચ્ચે આખો દિવસ કૃષ્ણ વંદના કરવામાં આવી હતી. બપોર બાદ શહેરના બોરતળાવ અને રૂવાપરી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ લોક મેળો ભરાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. તો શહેરના કણીબીવાડ, કરચલીયા પરા, વડવા તલાવડી, ભરતનગર સહિતના વિસ્તારોમાં ગલી એ ગલી એ ગોકુળીયુ ગામ બનાવવામાં આવ્યુ હતું. જેમાં આ વર્ષે રાજ્યના પ્રથમ કેબલ સ્ટેઈડ પુલએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
નટખટીયા કાનાના જનમોત્સ્વની ઉજવણી અન્વયે શહેરના ગીતાચોક, સરદારનગર,હલુરીયાચોક(રાજયુગુરૂ ચોક) સહિતના વિસ્તારોમા વિશિષ્ટ કાર્યક્રમો યોજવામા આવ્યા હતા. મોઢ ચાતુર્વેદિય રાજ્યગોર સમવાય જ્ઞાતિ દ્વારા શહેરના હલુરીયા ચોક(રાજગુરૂ ચોક) ખાતે મટકી ફોડ, મશાલ રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમ, વેશભૂષા, ડાન્સીંગ સ્પર્ધા, સમૂહ દાંડીયારાસ તેમજ વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનાર જ્ઞાતિજનનોનું સન્માન કરવાનો કાર્યક્રમની સાથે વ્યસનમુક્તિ શપથ વિધીનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જ્યારે ગીતા ચોકમાં જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા, ડીજે સાઉન્ડ સાથે ડાન્સીંગનો પ્રોગ્રામ સહિતના કાર્યક્રમો તેમજ નિમળનગર ખાતે પણ યોજાયેલા કાર્યક્રમોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. રાત્રીના બરોબર ૧ર-૦૦ના ટકોરે કાનાના પ્રાગટયની ક્ષણોને પોતાની આંખોમાં કેદ કરવા માટે ભાવિકોની જગદીશ મંદિર ખાતે લાંબી લાઈનો લગા હતી. અને 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી અને જય રણછોડ માખણચોરના જયઘોષ'ના ગગનભેદી નારા સાથે શ્રધ્ધાળુઓએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા લીધા હતા.