વડોદરા, તા. ૧૧
શહેરના તાંદલજામાં યમન્ત પાર્ક સોસાયટીમાં આવેલી એક દુકાને પહોંચી ગયેલા ગઠિયાએ નવી તરકીબ અપનાવી વેપારીના ગલ્લામાંથી રૂ. ૩૪ હજારની ચોરી કરી હતી.
તાંદલજાના નૂરજહાં પાર્કમાં રહેતા સાહીદ સિદ્દીકભાઈ સોલંકી ઘરની નજીક યમન્ત પાર્ક સોસાયટીમાં એ કંપનીની જગ્યામાં દુકાન ધરાવે છે. આજે સવારે સાડા અગિયાર વાગે તેઓ પોતાની દુકાનમાં હાજર હતા. આ સમયે ૧૫ વર્ષનો ગઠિયો દુકાને આવ્યો હતો. ગઠિયાએ સાહીદભાઈને કહ્યું કે, 'અંકલ તમારી બ્રેડ પેલો છોકરો ચોરી કરી લઈ જાય છે'. તેથી સાહીદભાઈ દુકાન ખુલ્લી રાખી બ્રેડની ચોરી કરીને ભાગતા કિશોરનો પીછો કર્યા હતો. આ તકનો લાભ લઈ ગઠિયાએ દુકાનના ખુલ્લા કાઉન્ટરમાંથી રૂ. ૩૪ હજારની ચોરી કરી હતી.