વડોદરા,તા. ૧૧
સમયની સાથે ગુનાઓ કરવાની પધ્ધતિમાં પણ બદલાવ આવી રહ્યો છે. અન્ય ગુનાઓની સરખામણીમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઈમનું ચલણ વધ્યું છે. ઈન્ટરનેટના માધ્યમથી ગુનાઓ આચરતા સાયબર ગુનેગારોએ એચ.ડી.એફ.સી. બેંકની ફેક વેબસાઈટ ઓપન કરીને માત્ર ૩ મિનિટના ટૂંકા ગાળામાં એક ખાતેદારના એકાઉન્ટમાંથી રૂ.૯.૨૯ લાખનું ટ્રાન્જેકશન કરી નાંખ્યુ હતું. જે ખાતામાં આ નાણાં ટ્રાન્સફર થયા હતા.તેવા ૯ ખાતેદારો વિરુધ્ધમાં ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તલસ્પર્શી તપાસ આરંભી છે.
- મથુરા આઈઓસીનો કર્મચારી ભોગ બન્યો, વડોદરામાં પત્નીએ ફરિયાદ નોંધાવી
આ કિસ્સામાં ભોગ બનનાર દશરથદાસ મંગળદાસ મૂળ વડોદરાના છે પરંતુ મથુરા આઈ.ઓ.સી.માં નોકરી કરે છે. તેમની પત્ની લલીતાદાસ પુત્રી સાથે શહેરના ગોરવા અરુણાચલ રોડ, કુમકુમ ડુપ્લેક્સમાં રહે છે. અલકાપુરી એચ.ડી.એફ.સી બેંકમાં દશરથ દાસનું એકાઉન્ટ આવેલું છે.
મથુરા બેઠા બેઠા તેઓ ઈન્ટરનેટમાં સર્ચ કરતા હતા. સર્ચ દરમિયાન એચ.ડી.એફ.સી. બેંક જેવી જ એક ફેક સાઈટ ઓપન થઈ હતી. આ સાઈટનું ફર્સ્ટ પેજ એચ.ડી.એફ.સી. બેંક જેવું જ હતું. જેમાં દર્શાવેલી બેંક એકાઉન્ટને લગતી વિગતો ભરી હતી. આ વિગતો ભર્યાના માત્ર ૩ મિનિટના ગાળામાં તેમના એકાઉન્ટમાંથી રૂ. ૯.૨૯ લાખ મહંમદ હુસેન આલમ, નારાયણ, જીતેન્દ્ર યાદવ,અમિત તિવારી, સુરેશ તિવારી, આદર્શ દુબે નામના ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. જેની પાછળથી ભોગ બનનારને જાણ થઈ હતી. આ બનાવ અંગે સાયબર ક્રાઈમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.