ભુજ, તા. ૧૧
ભુજનાં હમીરસર તળાવના કિનારે નગરપાલિકા દ્વારા બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકમેળામાં શીતળા સાતમના દિવસે સવારથી જ લોકો મેળાની મોજ માણવા ઉમટી પડયા હતા. લોકમેળાના બીજા દિવસે સાંજથી જ મેળામાં હૈયે હૈયું દળાય તેટલો માનવ મહેરામણ ઉમટી પડતાં એક તબક્કે મહાદેવ ગેટ,ખેંગાર પાર્ક સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. ટાઢી સાતમ હોવાથી ગ્રામ્ય પ્રજા શીતળા માતાજીનું પૂજન કરી મેળો માણવા નીકળી પડી હતી.અમુક લોકોતો ઘરેથી ભોજન લઇ મેળામાં સવારથી જ આવી ગયા હતા. સવારના થોડી પાંખી હાજરી બાદ બપોરની શરૃઆત થતાં મેળામાં ભીડ જોવા મળી હતી અને સાંજે સાત વાગ્યાની આસપાસ લાખોની સંખ્યામાં લોકો મેળામાં જોવા મળ્યા હતા.
- ભુજ, માંડવી, અંજાર સહિતનાં શહેરોમાં મોડી સાંજથી ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા
એક તરફ મોંઘવારી અને બીજી તરફ વરસાદ ખેંચાતાં ઊભી થયેલી દુષ્કાળ અને અછત જેવી પરિસ્થિતિને ભૂલી સોૈ કોઇ લોકોએ ઉમંગ -ઉત્સાહથી મન ભરી મેળાની મોજ માણી હતી. બે દિવસ એટલે કે ગુરૃવાર અને શુક્રવાર એમ બે દિવસ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના દિવસે સૌથી વધારે લોકો લોકમેળામાં ઉમટી પડયા હતા.જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી મોડી રાત સુધી મેળામાં લોકોએ ચકડોળ તેમજ વિવિધ પ્રકારની યાંત્રિક રાઇડસમાં બેસીને આનંદ માણ્યો હતો.તો બીજી તરફ કચ્છનાં બિલેશ્વર ખાતે પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજ્જારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.આ ઉપરાંત માંડવી, અંજાર, દયાપર, ભચાઉ-રાપર, નખત્રાણા,વિથોણ સહિતનાં વિસ્તારોમાં યોજવામાં આવેલા લોકમેળાઓમાં પણ લોકોએ આનંદ માણ્યો હતો.
ગાંધીધામમાં રામલીલા મેદાન ખાતે સાતમ, આઠમ, નોમના લોકમેળામાં આદિપુર, ગાંધીધામ પંથકના ગુજરાતી-પરપ્રાંતિય નાગરીકો ઉમટી પડયા હતા. આ મેળામાં જન્માષ્ટમી નિમિત્તે એન્ટ્રી ફી હતી. નોમના દિવસે પણ મેળામાં એકધારી મેદની ઉમટી હતી. વિવિધ રાઈડ્ઝ, ખાણી-પીણીનો આનંદ લોકોએ લીધો હતો. બાળકોને રમકડાનાં સ્ટોલનું આકર્ષણ રહ્યું હતું.
મેળામાં પોલીસ બંદોબસ્ત અને ફાયર બ્રિગેડ તૈનાત કરાયા હતા. ગાંધીધામના ધારાસભ્ય હસ્તે મેળાનું ઉદ્દઘાટન યોજાયું હતું. જેમાં સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે મેળામાં જો કે, સાંસ્કૃતિક પ્રોગ્રામ થતા હતા. બાળકો છૂટા પડી ગયાના છૂટા છવાયા કિસ્સા થયા હતા. પરંતુ એનાઉન્સમેન્ટને કારણે બાળકો પરત મળી જતા હોવાનું જાણવા મળે છે.