ભુજ, તા.૧૧
કચ્છમાં ચાલુ વર્ષે વરસદ ખેંચાઇ જવાના કારણે જનજીવનની સાથે સાથે પશુ-પક્ષીઓ પર પણ માઠી અસર પડી રહી છે. સામાન્ય રીતે જુન માસનાં મધ્યભાગમાં વરસાદ પડી જતો હોય છે પરંતુ ચાલુ વર્ષે ઓગષ્ટ માસ શરૃ થઇ ગયો તેમ છાં વરસાદ ન પડતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
- વરસાદ ન હોવાથી ખોરાક મેળવવામાં મુશ્કેલી સર્જાઇ
પ્રકૃતિ તેમજ પશુ-પંખીઓનો અભ્યાસ કરતાં સુમરાસર(શેખ)ના ભજનસિંહ ધિલોને જણાવ્યું હતું કે ,બુઢારા રખાલમાં પક્ષીઓની ખુબ વસતી છે.પક્ષીઓને દરરોજ ચણ નાખવામાં આવે છે.અગાઉ કરતાં છેલ્લા કેટલાક દિવસોથી પક્ષીઓમાં શારીરિક તેમજ માનસિક નબળાઇ આવી ગઇ હોય તેવું લાગી રહ્યું
છે.દુષઅકાળનાં વાગતા ભણકારાની તેમના જીવન પર માઠી અસર જોવા મળી રહી છે. ચાલુ વર્ષે દોઢ માસ જેવો વરસાદ ખેંચાઇ ગયો છે જેની સીધી અસર પશુ-પક્ષીઓ પર દેખાવા લાગી છે.વન-વગડો ખાલી પડયો છે. જેથી તેમને પૂરતો ખોરાક મળતો નથી. અહીં મોર,કાબર, ઢેલ, હોલા, પોપટ, ચકલી, કબૂતર, કોયલ જેવા પક્ષીઓ સમગ્ર દિવસ દરમિયાન ખોરાકની શોધમાં આમ તેમ ભટકતા જોવા મળે છે.વરસાદ પડે ત્યારે સૌ પક્ષીઓ કિલ્લોલ કરતાં હોય છે પરંતુ આ વર્ષે જાણે કુદરતે તેમની મસ્તી છીનવી લીધી હોય તેમ લાગી રહ્યું છે. પક્ષીઓ વરસાદ વિના જાણે બેબાકળા બની ગયા છે. આગામી ટુંક સમયમાં જ વરસાદ વરસે તો જનજીવનની સાથે કિલ્લોલ કરતાં પક્ષીઓને પણ નવજીવન મળી શકે તેવું તેમણે જણાવ્યું હતું.