ભુજ, તા. ૧૧
પોતાના અંગત હિત સ્વાર્થ ખાતર સુચારૃ ઢબે ચાલી રહેલી ડ્રો પદ્ધતિ એકાએક બંધ કરી દેતાં અનેક નાના ટ્રક માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, ત્યારે લિગ્નાઈટ અને સિમેન્ટમાં ડ્રો પદ્ધતિ અને ઓવરલોડ મુદ્દે આક્ષેપ - પ્રતિ આક્ષેપ થતાં આખરે ખેતી અને પશુપાલન ઉદ્યોગ બાદ જે ઉદ્યોગ સ્થાન ધરાવે છે તે ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવાના પ્રયાસના ભાગરૃપે ૯ મહિના બાદ લિગ્નાઈટ અને સિમેન્ટ પરિવહનમાં ડ્રો પદ્ધતિ શરૃ કરવાનો નિર્ણય ભુજ ખાતે લેવાતાં અનેક ટ્રક માલિકોએ રાહતનો દમ લીધો હતો.
આજે શનિવારના કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની એડહોક સમિતિની મળેલી સામાન્ય બેઠકમાં રાજ્ય કક્ષાના મંત્રી અને અખિલ ગુજરાત ટ્રક એસો.ના અગ્રણી ઉપસ્થિત ટ્રક માલિકો તથા લિગ્નાઈટ તેમજ સિમેન્ટ સાથે સંકળાયેલા તમામ ટ્રાન્સપોર્ટરો સમક્ષ નિખાસલતા પૂર્વક સ્વીકાર કર્યો હતો કે, ટ્રાન્સપોર્ટ અગ્રણીઓમાં ઊભા થયેલા કુસંપને કારણે છેલ્લા ૯ મહિનાથી ડ્રો પદ્ધતિ બંધ થતાં ટ્રક માલિકોને દર મહિને માત્ર લિગ્નાઈટ પરિવહનમાં જ પાંચ કરોડના કમિશનની આર્થિક માર પડી છે, ત્યારે હવે ટ્રક માલિકોના હિતમાં તૂ તૂ મૈં મૈં કર્યા સિવાય સંગઠનને મજબૂત બનાવી અંગત સ્વાર્થને બાજુમાં હડસેલી ડ્રો પદ્ધતિ શરૃ કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રીએ ઓવરલોડ મુદ્દે તેમની સામે જાહેરમાં આક્ષેપોને નકારીને જણાવ્યું હતું કે, ઓવરલોડ બંધ કરાવવા છેક સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ કરી છે, તેમણે સિમેન્ટના ભાડા અને પરિવહન માટે કમિટીની રચના કરી સિમેન્ટ કંપની સાથે વાટાઘાટ કરવા જણાવ્યું હતું અને કચ્છમાં ઊભી થયેલી અછતની પરિસ્થિતિમાં ઘાસચારા માટે ટ્રક માલિકો સામાજિક દાયિત્વ નિભાવી જિલ્લા બહારથી જે ઘાસચારો આવે તેનું ભાડું જતું કરવા જણાવ્યું હતું. અબડાસાના ધારાસભ્ય ભાનુશાલીએ અબડાસા અને લખપતમાં ૩૦ હજાર જેટલી સિમેન્ટ કંપનીઓ ઉત્પાદન કરવા આવી રહી છે, ત્યારે સંગઠન મજબૂત અને અખંડ રહે તે વાત ઉપર ભાર મૂકયો હતો. આ બેઠકમાં ટ્રાન્સપોર્ટ અગ્રણી ત્રિકમભાઈ આહિર, પૂર્વ ટ્રાન્સ. પ્રમુખ, પૂર્વ સાંસદે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો વિકાસ કરવો હશે તો ઓવરલોડના દૂષપણને નાથવું પડશે અને ઝડપથી અગાઉ આપેલા વચન મુજબ ઉમરસર લિગ્નાઈટ ખાણ શરૃ કરવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.
ડ્રો પદ્ધતિમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા
ડ્રો પદ્ધતિનો પ્રારંભ મિરઝાપર રોડ નજીકના પીથોરાપીરના મંદિર સામે કરવામાં આવ્યો હતો. જે ડ્રો પદ્ધતિમાટે સેકડો ટ્રક ખડકી દેતાં ટ્રાફિક જામ થઈ જવાની સમસ્યા ઊભી થતાં રાત્રિના પોલીસ વડાની સૂચનાથી તાત્કાલિક અસરથી તમામ ટ્રકોને ખસેડીને પ્રથમ
ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવામાં આવી હતી અને આ હંગામી ધોરણે ઊભા કરાયેલા ડબ્બાની ડ્રો પદ્ધતિનું તમામ દફતર પણ તાલુકા પોલીસે કબજે લઈને આ કામગીરી હાથ ધરનાર અસોસિએશનના કર્મચારીઓને પણ તાલુકા પોલીસ સ્ટેશને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, આમ ડ્રો પદ્ધતિના પ્રારંભિક દિને જ પ્રથમ ગ્રાસેમક્ષિકા જેવા તાલ ઊભો થવા પામ્યો હતો. ત્યારે હવે આ ડબ્બો ક્યાં ખસેડાશે તે તરફ ટ્રક ચાલકોની મીટ મડાઈ છે.
ડ્રો બંધ કરાવનારા ૫ણ આજ લોકો હતા !
ચાર વર્ષથી ચાલી આવતી ડ્રો પદ્ધતિ જે એકાએક બંધ કરી દઈ નાના ટ્રક માલિકોને આર્થિક ગર્તામાં ધકેલી દેવામાં પણ અગ્રણી જ જવાબદાર હતા જે જવાબદારો આજે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રજાની વચ્ચે જતા પૂર્વ એકાએક લિગ્નાઈટ - સિમેન્ટ પરિવહનમાં ડ્રો પદ્ધતિ કરવાનો નિર્ણય લેતાં કેટલાક નાના ટ્રક માલિકોમાં અચરજ પેદા થઈ હતી.
બંદર - ખનિજ - નમક પરિવહનમાં ડ્રો પદ્ધતિ જરૃરી
કંડલા અને મુન્દ્રા બે બંદરો અને મીઠા - ખનિજ તેમ સ્થપાયેલા ઉદ્યોગોમાં દૈનિક ધોરણે હજારો ગાડીઓનું પરિવહન થઈ રહ્યું છે જેનો લાભ રાજ્ય બહારના ટ્રાન્સપોર્ટરોને થાય છે, ત્યારે કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશને માત્ર લિગ્નાઈટ અને સિમેન્ટમાં જ ડ્રો પદ્ધતિને સીમિત ન રાખી કંડલા - મુન્દ્રા બંદરે પરિવહન થતી ગાડી ઉપરાત મીઠા - લિગ્નાઈટમાં પણ ડ્રો પદ્ધતિ ચાલુ કરવાની માગ ઉઠવા પામી હતી.
નેતા સુધરે તો ઓવરલોડ બંધ થાય
રાજકીય નેતા અને ટ્રાન્સપોર્ટ અગ્રણીઓમાં સુધારો થાય તો જ ઓવરલોડનું દૂષણ બંધ થાય તેવું ચોંકાવનારું નિવેદન ટ્રાન્સપોર્ટ અગ્રણી જટુભા રાઠોડ દ્વારા કરાતાં બેઠકમાં ગરમી આવી જવા પામી હતી, તે સિમેન્ટ કંપની સાથે બેઠક કરતા પૂર્વ ટ્રાન્સપોર્ટ અને ઓપરેટરોને વિશ્વાસમાં લઈને કામગીરી કરવા જણાવ્યું હતું.