Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 07:43:22 AM IST
 

પ્રભાવશાળી વ્યક્તિત્વ

Aug 12, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 3758
Rate: 4.1
Rating:
Bookmark The Article

Cover Story - Divyesh Vekaria

જીવનની સૌથી મોટી સફળતા પોતાના પર પ્રાપ્ત કરેલ મનોબળ છે. મનોબળ પર વિજય તમને તમારા સિવાય કોઇ નહી આપી શકે અને તેની શરૂઆત તમારે જાતે જ કરવી પડશે. પોતાના પર અંકુશનો મતલબ એવો નથી કે પોતાની જાતને અસહ્ય વેદના આપવી પણ તેનો અર્થ એ છે કે મન પર નિયંત્રણ રાખીને પોતાનો સર્વાંગી વિકાસ સાધવો.

'આપણે સ્વતંત્ર છીએ છતાં પણ આપણે એક ક્ષણ માટે પણ આપણા પોતાના પર સત્તા ચલાવી શકતા નથી, એક વિષય ઉપર મનને કેન્દ્રિત કરી શકતા નથી, બીજી બાબતોને છોડી દઈને મનને એક જ મુદ્દા પર એકાગ્ર કરી શકતા નથી! છતાં આપણે પોતાને સ્વતંત્ર માનીએ છીએ! જરા વિચાર તો કરો!' આ શબ્દો કોઈ સામાન્ય માનવીના નથી, પણ જેણે સ્વયં પર વિજય પ્રાપ્ત કર્યો છે તે વિશ્વપુરુષ સ્વામી વિવેકાનંદે કહ્યા છે. સ્વામીજીના જીવનમાંથી જો કોઈ સૌથી મોટી વાત શીખવા જેવી હોય તો તે છે વ્યક્તિત્વ વિકાસ. તેમણે અનેક ગ્રંથમાળા, પત્રો અને કાવ્યો લખ્યાં છે, પણ તે દરેકમાં તેમણે વ્યક્તિત્વ વિકાસને ખૂબ મહત્ત્વ આપ્યું છે. શું ખરેખર સફળતાને સિદ્ધ કરવા વ્યક્તિત્વ વિકાસ જરૂરી છે? વિવેકાનંદે જ નહીં, વિશ્વના દરેક મહાપુરુષોનાં જીવન દર્શન કરજો, તેમાં તમને વ્યક્તિવિકાસની વાત અવશ્ય જોવા મળશે. કેમ? સફળતાનો માર્ગ જો પ્રાપ્ત કરવો હોય તો તેના સિદ્ધાંતોને અનુસરવું પડે છે અને તે એ જ સિદ્ધ કરી શકે જેમણે પોતાના પર અંકુશ પ્રાપ્ત કર્યો હોય. પોતાના પર અંકુશ પ્રાપ્ત કરવો આસાન નથી અને આપણે બધાં તેના સાક્ષી છીએ. જ્યારે આપણે પુસ્તક ખોલીને વાંચવા બેસીએ છીએ ત્યારે જ આપણું મન આપણને અલગ ખ્યાલોમાં લઈ જાય છે અને આપણે તેના ગુલામ બનીને તેમાં ખોવાઈ જઈએ છીએ. મહાન આસ્થા અને સંઘર્ષ મન સાથે જોડાયેલાં છે અને આપણે મનને અનુસરીએ છીએ, માટે મનને જીતો. દર વખતે એ તમને ટૂંકો રસ્તો બતાવશે, પણ તમારે સાચો રસ્તો પસંદ કરવાનો છે જે તમને તમારી મંઝિલ તરફ લઈ જતો હોય. તમે કાર્ય કરવા પૂરી શ્રદ્ધાથી જોડાયા હશો, પણ થોડા સમયમાં તમે તેને પડતું મૂકી દો છો એમ કેમ? 'રંગ દે બસંતી' ફિલ્મ આવી ત્યારે ફિલ્મ જોઈને બહાર નીકળતા ઘણા યુવાનો એમ કહેતા હતા કે હવે તો દેશ માટે કંઈક કરવું જ પડશે! પણ એ કેટલો સમય રહ્યું જ્યાં સુધી સિનેમાનાં પગથિયાં ઊતર્યાં ત્યાં સુધી. એવું નથી કે તમારી શ્રદ્ધામાં ખોટ છે, પણ જ્યારે તમે ફિલ્મ જોતા હતા ત્યારે તમે મનને મક્કમ બનાવ્યું હતું, જેવા તમે બહાર નીકળ્યા કે તમે રંગબેરંગી દુનિયાના ગુલામ થઈ ગયા. દરરોજની જેમ જિંદગી જીવવા લાગીએ છીએ. સારા ટકા સાથે પાસ થવું એ સારી વાત છે, પણ મેળવેલ વિદ્યાનું શ્રેષ્ઠ પ્રદાન કરવું એ ઉત્તમ છે અને તે જ તમારું વ્યક્તિત્વ છે.

વ્યક્તિત્વ નિર્માણ

આપણે કેમ આપણા આઇડલ તરીકે ક્યારેય દાઉદની પસંદગી નથી કરતા? શા માટે મહાત્મા ગાંધી અને આઇન્સ્ટાઇન જેવા મહાન લોકોને આદર્શ માનીએ છીએ. તેમનાં કર્મો દુનિયા માટે અજોડ હતાં, પણ તે એ ત્યારે કરી શક્યા જ્યારે તેમને સ્વયંને અલગ બનાવ્યા. જેને વિશ્વ લોખંડી પુરુષ કહે છે અને મહાત્મા ગાંધી જેને દેશના સરદાર કહેતા તે વલ્લભભાઈ યુવાનીમાં શું હતા એનો ખ્યાલ છે? મોજશોખ અને પત્તે રમવાના શોખીન હતા. તેમને દેશ પ્રત્યે ભાવના ચોક્કસ હતી, પણ ક્યારેય આઝાદીની લડતમાં લડતા નહીં. તો સરદાર પટેલ દેશને આટલા સર્મિપત કેમ બની શક્યા? સરદાર પટેલના જીવનને અચૂક વાંચજો, તમને અંદાજ આવશે કે તેમણે પોતાના જીવનનું નિર્માણ કઈ રીતે કર્યું અને પોતાને સરદાર બનાવ્યા. ગાંધીજીને તો લાખો યુવાનો સંભાળતા, પણ સરદારે તેમના મન પર વિજય મેળવીને દેશ માટેનું વ્યક્તિત્વ નિર્માણ કર્યું. વ્યક્તિત્વ મોટી મોટી ગાડીમાં ફરવાથી નથી બનતું. હા, તેનાથી વટ જરૂર પાડી શકાય, પણ લોકોના પ્રેરિત ના બની શકાય. જીવનમાં પ્રગતિ કરવી ખૂબ જરૂરી અને આવશ્યક છે, પણ સાથે જો તમે તમારા સ્વયંનું નિર્માણ કર્યું હશે તો તેની ચેતના અલગ જ હશે! મનુષ્યની ભીતર કેટલી અદ્ભુત દિવ્ય ચેતનાનો ભંડાર છે, શાશ્વત જ્ઞાન અને પોતાના અસ્તિત્વની અનુભૂતિ છે. તો કેમ તે નિઃસહાય બની જાય છે, તે નિઃસહાય નથી બનતો, પણ મનનો ગુલામ બની જાય છે. જરૂર છે તેને જગાડવાની.

પરિવર્તન કરો!

આજની વાસ્તવિક અને હકીકત છે માણસ જેમ જેમ સફળતાનાં શિખરો ચડતો જાય છે તેમ તેમ તે વ્યસનોનો ગુલામ બની જાય છે. સાચી સફળતા તેને કહેવાય જે તમને આદર અને સન્માન અપાવી શકે! તમારી પાસે પુષ્કળ સંપત્તિ હોય, પણ દારૂ જેવું વ્યસન હોય તો તમારાથી તમારાં સંતાનો પણ દૂર રહે છે. શું કરવાનું આવું જીવન જ્યાં નિરર્થકતા છે? સમય, સંજોગો ઘણી વખત તમને ગેરમાર્ગે દોરી જાય, પણ પરિવર્તનનો અવકાશ તો અમર છે! એક નિર્ધાર કરવો પડે પોતાના પરિવર્તનનો. તાજેતરમાં જ એક ટીવી શોમાં જાવેદ અખ્તરે કબૂલ્યું હતું કે હું ૧૯ વર્ષની ઉંમરથી દારૂ પીતો હતો અને ૨૭ વર્ષ સુધી તેનું સેવન કર્યું, પણ આજે ૨૧ વર્ષથી મેં તેની સામે નથી જોયું, આ પરિવર્તન છે. જાવેદ અખ્તર ત્યારે પણ સફળ હતા અને આજે પણ સફળ જ છે. ફર્ક માત્ર એટલો છે ત્યારે જાવેદજીને જે સન્માન મળતું ત્યારે તે લેતા ખચકાતા અને આજે તેઓ ગૌરવભેર જાહેરમાં ઊભા રહી શકે છે. વ્યસની અને વ્યભિચારી લોકોના જીવનનો કોઈ માર્ગ નથી હોતો. અંતે તો તે એક વિનાશ તરફ જ જાય છે. દરેક પાસે પોતાનો સમય હોય છે પરિવર્તનના અવસરનો.

પરિપક્વ બનો

એટલા પરિપક્વ બનો કે તમારા વિરુદ્ધ જાહેરમાં બોલતા પહેલાં કોઈ બે વખત વિચાર કરે! તમારું વ્યક્તિત્વ તમારા વિચારો, સંસ્કારો, આદતો અને તમારી બુદ્ધિને રજૂ કરે છે. જ્યારે વ્યક્તિત્વ જ નહીં હોય તો આ બધું ક્યાં હશે? દરેક ક્ષણને જીવનની કીમતી પળ માનીને જેમ જીવીએ છીએ તેમ વ્યક્તિત્વનો પણ નિખાર હોવો જોઈએ. ફરીથી યાદ કરાવી દઉં કે સરદાર પટેલ એવું કહેતાં કે શરીરે ભલે તમે દૂબળા-પતલા હો, પણ કાળજું સિંહ-વાઘનું રાખજો. તમારું ચારિત્ર્ય ક્યારેય હલકું ના હોવું જોઈએ. અમિતાભ બચ્ચન જ્યારે નાણાકીય સંકડામણમાં હતા ત્યારે તેમને ઘણા લોકોએ એવું કહ્યું હતું કે જરૂર હોય તો અમને કહેજો અમે તમારી મદદ કરીશું. સંકટ સ્થિતિમાં મદદ લેવી નબળાઈ નથી, પણ પડી ભાંગવું તે શોભનીય નથી. તે દિવસથી આજની તારીખ સુધી બચ્ચને કોઈ પાસે હાથ નથી લંબાવ્યો અને ફરીથી પોતાને સાબિત કરી બતાવ્યા. જે ચાહના ત્યારે હતી તેનાથી બમણી મળી. કારણ માત્ર તેમણે તેમના સંસ્કાર અને વિચારોને પડવા ન દીધા. પોતાનું વ્યક્તિત્વ ધરખમ અને વધુ મજબૂત બનાવ્યું. તમારા વ્યક્તિત્વના નિર્માતા તમે જ છો!

ટકોર

શાંતિ માત્ર યુધ્ધ કરતા સારી નથી, પણ તેનાથી અધિક કઠિન છે.

- જ્યોર્જ બર્નાર્ડ શો
(સાહિત્ય નોબલ વિજેતા)
vekariadivyesh@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com