ટ્રેન્ડ - માનુષી ચોક્સી
ફેશનપરસ્ત માનુની ટ્રેન્ડ પ્રમાણે જ તેનો વોર્ડરોબ મેઇન્ટેઇન કરે છે ત્યારે સમય સાથે બદલાતા ફેશન ટ્રેન્ડની જાણકારી હોવી જરૂરી છે. સલવારના કુરતાઓમાં આજકાલ ઘણા બધા એક્સપરિમેન્ટ કરવામાં આવે છે. સલવાર પર સ્ટાઇલિસ્ટ અને ટ્રેડિશનલ લુક આપતી એપલ કટ અને ફિશ કટ કુરતો ઇન ટ્રેન્ડ છે.
* એપલ કટ કુરતા સિમ્પલથી માંડીને પાર્ટીવેરમાં પણ મળે છે. કુરતીની નીચેની કિનારીને એપલ કટમાં ડિઝાઇન કરવામાં આવે છે અને તેમાં કુરતીના રંગથી કોન્ટ્રાસ્ટ કલરની બોર્ડર બનાવવામાં આવે છે. શોર્ટ લેન્થની સ્લિવ લેસ એપલ કટ કુરતી ટ્રેન્ડી લુક આપે છે.
* આજકાલ એવી કુરતી ડિઝાઇન કરવામાં આવી રહી છે, જેમાં ફ્રન્ટ લેન્થ ઓછી હોય છે તેમજ બેક લેન્થ લોન્ગ હોય છે. ટુ લેયર્સમાં પણ કુરતી તૈયાર થઈ રહી છે. જેમાં બંને લેયર અલગ અલગ ફેબ્રિકનાં તૈયાર કરવામાં આવે છે. અંદરના લેયરનું ફેબ્રિક જાડું અને બહારનું લેયર નેટ કે શિફોનનું પસંદ કરવામાં આવે છે. આમાં બહારની લેન્થ થોડી મોટી રાખવામાં આવે છે તેમજ અંદરના લેયરમાં એપલ કટ લગાવવામાં આવે છે.
એંકલ લેન્થ કુરતી પણ આજકાલ ટ્રેન્ડમાં છે. આ સ્ટાઇલમાં કુરતી રાઉન્ડ શેપમાં હોય છે અને તેમાં ઘેર સાથે કલિયા પણ હોય છે. તદુપરાંત કુરતીમાં ફિશ કટ પણ જોવા મળે છે. જેમાં કુરતીની નીચેની સાઇડમાં ફિશ આકારનો કટ કરેલો હોય છે. જેમાં ડાર્ક કલર સાથે વ્હાઇટ નેટનું કોમ્બિનેશન સુંદર લુક આપે છે.
* સલવાર શૂટ પર નેકલાઇન પર પણ ખાસ કરીને એક્સપરિમેન્ટ કરવામાં આવી રહ્યા છે. તેમાં ઓક્ટોપસ નેકલાઇન ડિઝાઇન પણ જોવા મળે છે. આ ડિઝાઇનમાં નેકલાઇનમાં સ્ટોન વર્ક કરવામાં આવે છે. ઉપરાંત સ્લિવલેસ સાથે નેકમાં ઝૂલતી ઝાલર રહે તેવું પણ વર્ક જોવા મળે છે, જે પ્લેન ફેબ્રિકમાં અને હોઝિયરીના મટિરિયલ્સમાં વધુ સારો લુક આપે છે.
* આ ઉપરાંત ચૂડીદાર પર નેટનું સ્કર્ટ પહેરવાની પણ એકદમ નવી અને ડિફરન્ટ સ્ટાઇલ પણ આવી રહી છે. તેના પર આવતી કુરતી શોર્ટ હોય છે. તેમાં ડાર્ક કલર વધુ પસંદ કરવામાં આવે છે. ફ્લાવર પ્રિન્ટના પટિયાલા સલવાર પર શોર્ટ લેન્થમાં આવતી પ્લેન વેસ્ટર્ન સ્ટાઇલની કુરતી વિથ એપલ કટ ર્ગોજિયસ લુક આપે છે.