મુખ્ય કલાકારો : સલમાન ખાન, કેટરીના કૈફ, રોશન સેઠ, રણવીર શૌરી, ગિરીશ કર્નાડ
નિર્દેશક : કબીર ખાન
નિર્માતા : આદિત્ય ચોપરા
સંગીત : સોહેલ ખાન, સાજિદ-વાજિદ
રેટિંગ :
સ્ટોરી :
છેલ્લે 100 કરોડની કમાણીવાળી ફિલ્મ 'દબંગ' અને 'બોડીગાર્ડ' જેવી સફળ ફિલ્મો આપ્યાં બાદ સલમાન ખાનની ફિલ્મ 'એક થા ટાઈગર' રિલીઝ થઈ છે. જો કે સલમાન ખાનનાં મતે આ ફિલ્મની સ્ટોરી આ બંને ફિલ્મો કરતાં ઘણી અલગ છે. આ ફિલ્મ દ્વારા સલમાન ખાને પહેલી વાર યશરાજ બેનરની ફિલ્મ કરી છે. આ ફિલ્મની એડવાન્સ બુકિંગ લગભગ પાંચ કરોડ રૂપિયાથી થઈ હતી.
ડબલિનમાં ભારતીય ગુપ્ત એજન્સી રૉનાં જાસૂસ ટાઈગર (સલમાન ખાન) ને એક વૈજ્ઞાનિક પર નજર રાખવાનું કામ સોંપવામાં આવે છે. આ મિશનમાં ટાઈગરનો સાથ ગોપી (રણવીર શૌરી) આપે છે. રૉ એજન્સીનાં મતે આ વૈજ્ઞાનિક મિસાઈલની જાણકારી દુશ્મન દેશને આપતો હોય છે. જો કે ટાઈગરને તેનાં બોસ (ગિરીશ કર્નાડ) કોઈપણ જાતનાં ખૂનખરાબાથી બચવાની સલાહ આપે છે.
આ મિશન દરમિયાન ટાઈગરની મુલાકાત જોયા (કેટરીના કૈફ)ની સાથે થાય છે. જે વૈજ્ઞાનિકનાં ઘરની કેર ટેકર હોય છે. વૈજ્ઞાનિક સુધી પહોંચવા માટે ટાઈગર કેટરીનાની મદદ લે છે અને તેમાં તે કામયાબ પણ થાય છે. જો કે અહિંયા તેની સામે એક નવી હકીકત આવે છે જેનાથી તે સાવ અજાણ હોય છે.
રિવ્યૂ :
આ ફિલ્મનાં નિર્દેશક કબીર ખાને આ ફિલ્મમાં ભારત પાકિસ્તાનની ગુપ્ત એજન્સીઓની કાર્યશૈલીની કહાની બતાવી છે, પરંતુ આગળ જતાં ફિલ્મની કહાની લવ સ્ટોરીમાં બદલાઈ જાય છે. જાસૂસ સલમાન ખાન તેની લવ સ્ટોરી વચ્ચે પોતાનું મિશન ભૂલી જાય છે, જેથી કહાની થોડી ખોવાઈ જાય છે. આ ફિલ્મના એકશન સીન હોલિવૂડનાં એકશન ડાયરેક્ટરે કર્યાં છે.
ઈસ્તંબૂલનું લોકેશન અને મ્યૂઝિક, લંડન કૈપટાઉન અને દમદાર સ્ટંટ સીન તેમજ બોક્સ ઓફિસ પરની સફળ જોડી આ ફિલ્મને સફળતા અપાવી શકે છે. આ ફિલ્મે માત્ર પહેલાં દિવસે જ લગભગ 30 કરોડની કમાણી કરી છે. સલમાન અને કેટરીના સિવાયનાં કલાકારોને ખાસ કામ સોંપવામાં આવ્યું નથી. રોશન સેઠ જેવાં ઉમદા કલાકારને પણ નાનો રોલ સોંપવામાં આવ્યો છે.
ફિલ્મમાં 'માશા અલ્લાહ' સિવાયનાં ગીતો આકર્ષી શકે તેમ નથી. આ ગીતમાં શબ્દો, અરબ સંગીત અને કેટરીનાનો બેલી ડાન્સનાં કારણે આ ગીત ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં જ નેટ પર લોકપ્રિય થયું હતું. આ ફિલ્મનાં લોકેશન અને ફોટોગ્રાફી તમને આકર્ષી શકે છે, બાકી કહાનીનાં સંદર્ભે આ ફિલ્મમાં જાસૂસીની સાથે સલમાન ખાન કેટરીનાની પ્રેમ કહાની પણ સાવ ઠંડી સાબિત થઈ છે.