વૉશિંગ્ટન, તા. ૧૬
અમેરિકામાં હકાલપટ્ટીના ભય વિના વધુ બે વર્ષ માટે વર્કપરમિટ મેળવવા અને હકાલપટ્ટી નિવારવા માટે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના નવા કાયદા હેઠળ રક્ષણ મેળવવા હજારો યુવકોએ અરજી કરી છે. અમેરિકામાં સગીર વયે ગેરકાયદેસર પ્રવેશેલાં ૩૦,૦૦૦ ભારતીયો સહિત ૧૭ લાખ લોકો ઓબામાના નવા કાયદા હેઠળ રાહત મેળવવા અરજી કરી શકે છે.
જૂનમાં આપેલા આદેશ મુજબ ઓબામાના કાયદા હેઠળ ૧૭ લાખ લોકો તેમજ ૩૦,૦૦૦ ભારતીયો નવી જોગવાઈનો લાભ લેવાને પાત્ર ઠરે છે.
ઓબામાના નવા કાયદા હેઠળ વધુ બે વર્ષ વર્કપરમિટ મેળવવા અરજી
ઓબામાએ તેમની ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કરીને ૧૭ લાખ યુવકોને હકાલપટ્ટીના ડર વિના વર્કપરમિટ આપતી જોગવાઈ કરી છે જેનો ૩૦,૦૦૦ ભારતીયો પણ લાભ લઈ શકશે. આમ વધુ બે વર્ષ અમેરિકામાં રહેવા હજારો લોકોએ લાઈનો લગાડી છે, જો કે ઓબામાના ટીકાકારો આને નવેમ્બરની ચૂંટણી પહેલાં મતદારોને આકર્ષવાની ચાલ ગણે છે.
આ કાયદા પર સહી કર્યા પછી ઓબામાએ સ્પષ્ટતા કરી હતી કે આ અમેરિકામાં કાયમી વસવાટ મેળવવા માટેનો ઈજારો નથી. આ કોઈ જાતની માફી નથી. આ એમેરિકાનું નાગરિકત્વ મેળવવાનો શોર્ટકટ નથી. આ માત્ર ને માત્ર હંગામી પગલું છે.
નવી ઈમિગ્રેશન નીતિ મુજબ જેઓ ૩૦ વર્ષથી વધુ વયના છે પણ ૧૬ વર્ષની ઉંમર પહેલાં બાલ્યાવસ્થામાં અમેરિકામાં આવ્યાં છે અને જેમણે સુરક્ષા સામે કે કાયદા સામે કોઈ ખતરો સર્જ્યો નથી કે ગુનો કર્યો નથી અને જેમણે સફળતાપૂર્વક અભ્યાસ કર્યો છે કે લશ્કરમાં નોકરી કરી છે તેઓ કોઈ જાતની હકાલપટ્ટી વિના વધુ બે વર્ષ અમેરિકામાં રહી શકશે અને વર્કપરમિટ માટે અરજી કરી શકશે, જો કે અરજદારોએ એવું પુરવાર કરવું પડશે કે તેઓ સતત પાંચ વર્ષથી અમેરિકામાં જ રહે છે.