હૈદરાબાદ, તા. 18
ન્યૂઝીલેન્ડ સામે ૨૩ ઓગસ્ટથી હૈદરાબાદ ખાતે શરૃ થતી ટેસ્ટ વીવીએસ લક્ષ્મણની કારકિર્દીની અંતિમ બની શકે છે. લક્ષ્મણે પ્રથમ ટેસ્ટ બાદ હોમગ્રાઉન્ડના પ્રેક્ષકો સામે નિવૃત્તિ લેવાના સંકેત આપેલા છે. લક્ષ્મણ ન્યૂઝીલેન્ડ સામેની પૂરી ટેસ્ટશ્રેણીમાં રમશે કે પ્રથમ ટેસ્ટ બાદ જ અલવિદા કરશે એ અંગે શનિવારે તે જાહેરાત કરશે. ગયા વર્ષે ઇંગ્લેન્ડપ્રવાસ સાથે જ લક્ષ્મણની પડતીની શરૃઆત થઇ હતી. ઇંગ્લેન્ડપ્રવાસમાં લક્ષ્મણે ચાર ટેસ્ટમાં ૧૮૨ અને આ પછી ગયા વર્ષના ઓસ્ટ્રેલિયાપ્રવાસમાં ચાર ટેસ્ટમાં ૧૫૫ રન કર્યા હતા.
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ બાદ ક્રિકેટને અલવિદા કરવા આયોજન
આ બંને વિદેશપ્રવાસમાં સાધારણ દેખાવ સાથે જ લક્ષ્મણની નિવૃત્તિની માગ પ્રબળ બની હતી. કેટલાક નિષ્ણાતોને મતે તો ઓસ્ટ્રેલિયાપ્રવાસ બાદ રાહુલ દ્રવિડને સ્થાને લક્ષ્મણે નિવૃત્તિ લઇ લેવાની જરૃર હતી. લક્ષ્મણને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટશ્રેણીમાં સામેલ કરવાના નિર્ણયની નિષ્ણાતો દ્વારા ટીકા કરાઇ હતી. આ ટીકાથી વ્યથિત થઇ લક્ષ્મણે ક્રિકેટને અલવિદા કરવા નિર્ણય લીધો છે. ૩૭ વર્ષીય લક્ષ્મણે ૧૩૪ ટેસ્ટમાં ૮૭૮૧ રન કર્યા છે, જેમાં ૧૭ સદી-૫૬ અડધી સદીનો સમાવેશ થાય છે.