ચિંતન - અનંત પટેલ
શ્રીશયદાનો આ શેર હૃદયંગમ છે. કોઈ વ્યક્તિ તેના પ્રિય વ્યક્તિ દ્વારા તરછોડાતું હોય ત્યારે જે વ્યથા અનુભવે છે તે કવિએ અહીં વ્યક્ત કરી છે.
જેમની સાથે આપણે આનંદથી જીવતા આવ્યા છીએ, જેનો સાથ પરસ્પરને ગમતો રહ્યો છે તેવી વ્યક્તિને કોઈ અપમાનિત કરીને કાઢી મૂકે છે ત્યારે જનાર વ્યક્તિ એમ કહે છે કે, આજે ભલે તમે મને તરછોડી રહ્યા છો, પણ મારા ગયા પછી તમને મારી યાદ અચૂક આવવાની જ છે અને એ યાદ એવી આવશે કે તમારી આંખોમાં આંસુ આવી જશે અને એ આંસુમાં અમે જ તમને દેખાવાના છીએ. દરેકના જીવનમાં એવી કેટલીક ક્ષણો ક્યારેક આવતી હોય છે, એવી કશીક મજબૂરી ઊભી થાય છે કે, તે સંજોગોમાં તેણે પોતાના પ્રિય કહી શકાય તેવા મિત્ર કે સ્નેહીજનને જાકારો આપવો પડે છે, પરંતુ એ જાકારો મજબૂરીને લીધે આપેલ હોવાથી એ વ્યક્તિની યાદ તેની આંખોમાં આંસુ બનીને ઊભરી આવે છે. ખરેખર તો આવી સ્થિતિ કોઈના જીવનમાં ન આવે તે જ ઇષ્ટ ગણાય. છતાં આ તો ભાઈ સંસાર છે તેમાં બધું આપણી ઇચ્છા મુજબ ચાલતું નથી.
ક્યારેક એવું પણ બને છે કે, વ્યક્તિએ કેટલાક કડવા નિર્ણયો શુભ આશયથી પણ લેવા પડે છે. બે મિત્રો કે પ્રેમીઓ વચ્ચેના લાગણીના તંતુ એવા ગૂંથાઈ ગયા હોય છે કે, તે બંનેને એકબીજા વગર ચાલતું નથી. એ ક્યારેક ઝઘડે છે, અબોલા લે છે, એકબીજાથી રીસાઈ જાય છે, પણ પછી પાછું એમને મળ્યા વિના કે બોલ્યા વિના ચાલતું જ નથી. અહીં જે વ્યક્તિ તરછોડાઈ રહી છે તેને પોતાના પ્રેમમાં એવો પાકો ભરોસો છે કે તે સામેની વ્યક્તિને ખાતરીપૂર્વક કહે છે કે, ભલે તમે અમને અપમાનિત કરીને બહાર ધકેલી રહ્યા છો, પણ અમે તમારા હૃદયને-મનને ઓળખીએ છીએ કે તમારે અમારા વગર ચાલવાનું નથી જ એટલે અમે તમારી આંખમાં આંસુ બનીને પાછા આવવાના જ છીએ. કવિએ પોતાના પ્રિયજન માટે શ્રદ્ધાનો જે રણકો શબ્દોમાં રજૂ કર્યો છે તે અદ્ભુત અને રોચક છે.
"અનુભવની મજા કોઈને કહેવામાં નથી હોતી, અસલ વસ્તુની ખૂબી એની છાયામાં નથી હોતી."
શ્રીનઝીર ભાતરીના આ શેરમાં કોઈ ઘટના, પ્રવાસ કે અનુભવોનું વર્ણન સાંભળવામાં બહુ આનંદ નથી મળતો, પણ તેની સ્વયં અનુભૂતિ કરીએ ત્યારે એમાંથી જે મજા મળે છે તે અદ્ભુત હોય છે તે બાબત સમજાવી છે. કોઈ પ્રવાસ કરીને આવ્યા પછી તેનું આપણને વર્ણન કરે તે આપણે સાંભળીને જેટલા ખુશ થઈએ છીએ તેના કરતાં આપણે જાતે જ તે પ્રવાસ કરી આવીએ તો તેનો આનંદ ઘણો વધારે હોય છે. માણસ-વૃક્ષ કે અન્ય કોઈ પણ ચીજવસ્તુમાં જે ખૂબીઓ આપણે જોઈએ કે, અનુભવીએ તે તેના પડછાયામાંથી તો ન જ મળે, કેમ કે પડછાયો એ તો એનું પ્રતિરૂપ છે તે નિર્જીવ છે તેમાંથી માત્ર તેનો આકાર દેખાય પણ તેની લાગણી, ભાવના, સહવાસ કે હૂંફ આપણે માણી શકતા નથી. કોઈ કુદરતી સૌંદર્ય, ધાર્મિક સ્થળ, ઐતિહાસિક જગા, રોમાંચક પ્રવાસ આપણે સ્વયં કરીએ કે તો તેમાંથી મળતો આનંદ અનેરો હોય છે એટલું જ નહીં, તેની યાદ આપણા જીવન માટે એક સુખદ્ સંભારણું બની જાય છે. આનો અર્થ એવો પણ નથી કરવાનો કે આપણે કોઈના અનુભવ સાંભળવા જ જોઈએ કે કોઈ સ્થળ વિશે કશું વાંચવું જ ન જોઈએ. જો તેમ કરીશું તો આપણને તેની જાણકારી જ નહીં મળે અને જો જાણકારી જ ન હોય તો પછી આપણે તેની મુલાકાત પણ નથી કરી શકતા. એટલે કોઈ સ્થળ કે વ્યક્તિ વિશે જાણકારી કે માહિતી તો મેળવવી જ પડે છે, પરંતુ તે મેળવ્યા પછી આપણે જાતે જ તે વ્યક્તિને મળીએ કે તે સ્થળની મુલાકાત લઈએ તો તેમાં ખૂબ જ આનંદ મળે છે અને તે ક્યારેક જીવન માટેનું એક મીઠું સંભારણું પણ બની જાય છે.