Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 11:16:07 AM IST
 

શ્રદ્ધા શું સામગ્રીથી જ મપાય...? (મંથન)

Aug 17, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 2371
Rate: 5.0
Rating:
Bookmark The Article

મંથન - શાંડિલ્યા

આપણે ત્યાં વળી મનગમતું કામ પાર પડાવવા પ્રભુને (શ્રદ્ધાને-આસ્થાને) બાનમાં લેવાનું, તેમને બાધા થકી બંધનમાં નાખવાનું ચલણ વધારે જોવાય છે

સોમવારનો દિવસ હતો. સમજણી થયેલી પિંકુ તેના પપ્પા સાથે મંદિર જાય છે. પપ્પાના હાથમાં દૂધની થેલી હોય છે.

હજુ સવારમાં જ પાતળી ચા બનાવવા બાબતે મમ્મી જોડે તકરાર કરતાં જોયેલાં પપ્પાને દૂધની થેલી તોડીને સીધી શિવલિંગ પર ધાર કરતાં જોઈ નાનકડી પિંકુ ડઘાઈ ગઈ.

તેણે બહાર નીકળતાં જ સવાલ કર્યો. હેં પપ્પા, તમે આટલું બધું દૂધ કેમ ઢોળી નાખ્યું ? પપ્પા એની 'નાદાની' પર હસી પડતાં કહે, "બેટા, આ તો ભગવાનને દૂધથી નવડાવ્યા કહેવાય. ભગવાન ખુશ થાય તો આપણને પણ સારું સારું આપે અને આપણે પણ ખુશ થઈએ ને!" "તો હેં પપ્પા, એ મમ્મીને કેમ ખુશ નથી કરતાં ? ચા બનાવવા વધારે દૂધ કેમ નથી આપતાં ?" ત્યારે દીકરીની 'નાસમજી' પર ગુસ્સે થતાં પપ્પા કહે, ચૂપ... ! એ તને ખબર ના પડે. માની લઈએ કે પિંકુ તો સમજણી નથી થઈ, પણ મુદ્દાનો સવાલ એ છે કે, લોકોની શ્રદ્ધા સમજણી ક્યારે થશે ?: ભગવાન પણ મૂંઝાઈ જાય તેવું ભક્તિનું આ તે કેવું રૂપ ? કદાચ આંધળું, કદાચ મનઘડંત !!

ભારત એટલે બારે માસ વાર-તહેવારોનો દેશ. તેમાંય પાછો શ્રાવણ માસ બેસે ત્યારે ઘરેઘરમાં ભક્તિનો સાગર હિલોળા લેવા લાગશે. શ્રદ્ધાની નદીઓ ગાંડીતૂર થઈ મંદિરે મંદિરે છલકાતી જોવાશે. જેને જે હાથવગું હશે તે લઈને મહાદેવની ભક્તિમાં લીન થઈ જશે. સૌની ભક્તિ-ભાવની રીત જુદી જુદી અને સાધન-સામગ્રી પણ જુદા જુદા.

કોઈ રોજ માળા કરીને મહાસુખ પામશે તો કોઈ માત્ર નામ સ્મરણ કરીને સંતોષ મેળવશે. આમાં મંદિરમાં જઈ પૂજા-પ્રાર્થના કરનારા મોટી સંખ્યામાં જોવાશે. જેઓ ભગવાનને ભોગ ધરાવશે, ભેટ ચઢાવશે તો પિંકુના પપ્પાની જેમ દૂધ-ઘી, જળ કે તેલ, પંચામૃતથી તરબતર કરી દેશે, તે પણ તેમની મરજી પૂછયા વગર જ !!

આપણે ત્યાં વળી મનગમતું કામ પાર પડાવવા પ્રભુને (શ્રદ્ધાને-આસ્થાને) બાનમાં લેવાનું, તેમને બાધા થકી બંધનમાં નાખવાનું ચલણ વધારે જોવાય છે. ભગવાન થઈને આટલું કામ નહીં કરો...!? તે પછી ધારેલું કામ થઈ જાય કે બાધા-માનતા ફળી જાય એટલે ખુશ થઈને જે-તે ભગવાનને જાતભાતની ભેટસોગાદોથી લાદી દેનારાની આપણે ત્યાં લાઈનો લાગે છે.

એક ભાઈનો બાબો સતત બીમાર રહે. કોઈએ કહ્યું ડોક્ટર બદલી જુઓ. કોઈએ સૂચવ્યું કે, હનુમાનજીને તેલ ચઢાવવાની માનતા રાખો બધું ઠીક થઈ જશે.

હવે બાબલો કોઈક પ્રકારે સાજો નરવો થઈ ગયો એટલે ભાવિક શનિવારનો સારો દિવસ જોઈને ઉપડયા અને હનુમાનજીને ડબો ભરીને તેલ ચઢાવી આવ્યા. સિંદૂરમાં ભળેલું તેલ પછી કઈ ગટર કે ખાડામાં ગયું તેની પરવા કર્યા વગર દુઃખ દૂર થયાની અને માનતા પૂરી થયાની ખુશીમાં ભાવિક તો ચાલતા થઈ ગયા. શ્રદ્ધા અને ભક્તિમાં જ્યારે અતિરેક થાય છે ત્યારે આવાં જ દૃશ્યો સર્જાય છે.

આપણાં મંદિરો અને મોટાભાગના ધર્મસ્થળોએ વર્ષ દરમિયાન હજારો લિટર દૂધ, કંઈ કેટલાંય કિલો તેલ, ઘી, અસંખ્ય અન્ય ખાદ્ય-નૈવેદ્યની સામગ્રી (નાળિયેર, સીંગ, સાકરિયા, ફળ, પંચામૃત વગેરે...) ભોગ અને અભિષેકના નામે ચઢાવાય છે. આવી ભક્તિભાવનાથી ચઢાવાતો ભોગ ભગવાનને પહોંચતો હશે કે નહીં, પ્રભુ તેનાથી રાજી થતો હશે કે નહીં, તેની ખાતરી કે ગેરંટી તો કોણ આપે છે ? પણ એ નજરે દેખાય તેવી હકીકત છે કે, ભક્તિ, શ્રદ્ધા અને ધર્મના નામે મોટી માત્રામાં ખાદ્યસામગ્રીનો વેડફાટ જરૂર થઈ રહ્યો છે.

જો કે અમુક મંદિરોમાં ભગવાનને ચઢાવેલી સામગ્રી પછી પ્રસાદ તરીકે ભક્તોમાં કે ગરીબોમાં વહેંચી અપાય છે, પણ તેવાં મંદિરો કેટલાં અને વહેંચાતી પ્રસાદીનું પ્રમાણ કેટલું તે સર્વેનો વિષય છે. હજુ આજે પણ દેશમાં ગરીબોનાં બાળકોના મોંઢે દૂધનો સ્વાદ નથી ચઢયો, લાખો બાળકો હજુ પણ ભૂખ્યાં જ સૂઈ જાય છે. આવાં જીવનજરૂરી ચીજોથી અને પોષણયુક્ત આહારથી વંચિત રહેવા પામતા લોકોને સારું ખવડાવવાથી પણ ધર્મ તો થાય જ. સવાલ છે માત્ર ધર્મના યોગ્ય અર્થઘટનનો. શાસ્ત્રોના સંદેશાને યોગ્ય કર્મ દ્વારા જીવનમાં ઉતારવાનો.

એક બાજુ લોકો ખુદ જ કહેતાં હોય છે કે, ભગવાન તો ભાવના ભૂખ્યા છે. તો પછી જ્યાં કણની જરૂર છે ત્યાં મણનું શું કામ !! ધક્કામુક્કી કરીને આડેધડ ચઢાવેલી, ઢોળેલી કે રેડેલી જથ્થાબંધ સામગ્રીથી ભગવાન રિઝે કે ખીજે તે કોને પૂછવું !

અને હકીકતે નૈવેદ્ય અર્પણ કરવું, ભગવાનને જાતભાતનું ભોજન કરાવવું, ભેટ ચઢાવવી વગેરે તો એક વિચાર પ્રમાણે સંસારીઓએ, ભક્તજનોએ બનાવેલો લૌકિક વ્યવહાર માત્ર છે. ભાવિકો દ્વારા શ્રદ્ધા વ્યક્ત કરવાની અપનાવેલી રીત છે. કહો કે, પ્રભુભક્તિનું માધ્યમ છે.

પછી તમે એક શ્રીફળ ચઢાવો કે પાંચ, પણ મનની શુદ્ધ ભાવના નહીં હોય તો તેનો કોઈ મતલબ નહીં સરે. કોઈ માણસ તેના જીવનમાં ખોટાં કામો કરે, અનીતિ, ભ્રષ્ટાચાર, દુરાચાર આદરે પછી તે જથ્થાબંધ ભેટ, ભોગ ભગવાનના ચરણે ચઢાવે તેનો શો અર્થ ? એ તો પાપથી બચવા ભગવાનને આપેલી લાંચ જ ગણાય કે ?

ભગવાનને કંઈ રિઝાવી શકાતું હોય તો તે છે સાચી ધર્મભાવના. શુદ્ધ અને પ્રામાણિક આચાર-વિચાર, ઉત્તમ જીવનમૂલ્યો અને આદર્શ વ્યવહાર. ધર્મમાં દેખાડા કે દંભને ક્યાંય સ્થાન હોવું ના જ ઘટે. જ્યારે આવા લૌકિક વ્યવહારમાં તો લોકો પ્રભુભક્તિમાં પણ દેખાદેખી અને હરીફાઈનો માહોલ રચી દેતાં હોય છે, જેને ભક્તિ નહીં પણ ભ્રમ કહેવાય. ધર્મ એ આસ્થાનો વિષય છે. ઝનૂનનો નહીં, પણ તેને અનેક વિધિ-વિધાન અને નિયમોમાં બાંધીને આળો અને અતિ સંવેદનશીલ વિષય બનાવી દેવાયો છે. લોકોની આસ્થા અને ધર્મભાવના શું એટલી જ્વલનશીલ બની ગઈ છે કે સહેજ અડકો ત્યાં ભડકો થાય?! મનની શાંતિ અને આત્માના શુદ્ધિકરણ માટે તથા જીવનમાં સુખ-સંતોષ માટે આવાં કિલો-બે કિલો માપનાં માધ્યમોની જરૂરત ખરી ? કદાચ નહીં જ. સાચી ભક્તિ કરનારાને દેખાદેખી, દંભ કે બાહ્યાડંબરની જરૂર નથી પડતી.

માત્ર પ્રતીકરૂપે ચઢાવવાની હોય તેવી સામગ્રીને તેઓ પોતાની શ્રદ્ધા સાથે તોલવાનો મોહ ક્યારેય નથી રાખતાં.

એટલે જરૂર છે તો આસ્થાને જડ બનતી અટકાવવાની. ધર્મના નામે સદીઓથી ચાલી આવતાં રિવાજો, માન્યતાઓ અને સો કોલ્ડ પરંપરાઓમાં સંયમપૂર્વકનું અને સમજપૂર્વકનું પરિવર્તન લાવવું જરૂરી ખરું.

અહીં કોઈની પણ ધર્મભાવનાનો કે તેમની શ્રદ્ધાનો, કોઈ વિધિઓ વગેરેનો વિરોધ નથી કરતો છતાં ધર્મના નામે દેશભરના પ્રજામાનસમાં પેસી ગયેલાં લોલમલોલ અને પોલમપોલને ફેરવિચારણા દ્વારા સુધારવાની જાગૃતિ આવે તેવો નમ્ર ભાવ વ્યક્ત કર્યો છે.

ભાવના તો એટલી જ કે ભગવાન તો ભોળી વ્યક્તિના ભૂખ્યાં ગણાય છે. ફૂલ નહીં ને ફૂલની પાંખડી પણ જો પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને શુદ્ધ ભાવનાથી અર્પણ કરાય તો પણ તેને ભક્તિ જ કહેવાય એવી એક કલ્પના આપણે ત્યાં પુરાણકાળથી સ્વીકારાયેલી છે જ. તો પછી આટલી દોડાદોડી, આટલો બધો વેડફાટ શા માટે ? કોઈ ભૂખ્યાને ભરપેટ ભોજન, જરૂરતમંદને રૂપિયાની મદદ, અનાથ, વૃદ્ધ, બીમાર લોકોને તથા નાનાં બાળકોને યથાશક્તિ મદદ કરવી એ પણ માનવતા અને ભક્તિ જ ગણાય.

વિચારી જોવું કે, તમે ચઢાવેલાં ભેટ, રૂપિયા, સોના-ચાંદીના દાગીના, મીઠાઈ કે દૂધ-ઘી સીધાં ભગવાનના પેટમાં તો નથી જવાના. બલકે તેની શી ગતિ થશે, તે સારા કામમાં વપરાશે, ચોરાઈ જશે કે સરકારની તિજોરીમાં અંતે જશે તેની પણ ખબર નથી હોતી, તો તમારી ભક્તિ-પૂજા કે શ્રદ્ધાનું શું વળતર મળશે તેના લેખાંજોખાં કોણ માંડશે ?

ઉપર કહ્યું તેમ દયા, સેવા અને મદદથી વધીને કોઈ ભક્તિ ફળ નહીં આપી શકે તે હકીકત સૌએ અપનાવવાની જરૂર છે.

શ્રદ્ધા શું સામગ્રીથી જ મપાય...?
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com