તંત્રી સ્થાનેથી
આપણા રાષ્ટ્રીય તહેવારો હંમેશાં આપણી સમક્ષ શૌર્ય, કુરબાની, દેશપ્રેમની ઝાંખી લઈને આવતા રહ્યા છે. જો કે આજે એની ઉજવણી રસકસ વગરની યા એક પ્રથા જેવી બની ગઈ છે. આઝાદીના સંગ્રામના પાયામાં તિલક, સુભાષચંદ્ર બોઝ અને ક્રાંતિકારી ભગતસિંહ હતા પણ એ જંગને પ્રજાકિય સ્વરૂપ આપ્યું મહાત્મા ગાંધીજીએ. આઝાદીની એક હાકલે કેટલાય નવલોહિયા જુવાનો ઊમટી પડતા. જેલો ભરાઈ જતી. એ પણ એક જુવાળ હતો ભારતમાતાને ગુલામીની જંજીરોમાંથી છોડાવવાનો. અને અંતે અહિંસક લડતનો વિજય પણ થયો. બ્રિટિશ સલ્તનતે નમતું જોખ્યું. પણ ભારતની પ્રજાને આ વિજય પચાવતા આવડયો નહીં. તોફાનો-હુલ્લડો થયા. એના પરિણામ સ્વરૂપે ભારત પાકિસ્તાન અલગ દેશ થયા.
મહાત્મા ગાંધીએ ભારતની આઝાદીમાં રામરાજ્યનું સ્વપ્ન જોયેલ. એ સ્વપ્ન એટલે રાષ્ટ્રના પ્રામાણિક અને મહેનતકશ આમ-આદમીને એની વાજબી જરૂરિયાતો સરળતાથી અને સહજ રીતે મળી રહે એવી સમાજરચના. સ્વતંત્ર ભારતના મોકળાશભર્યા માહોલમાં ભારતના એકેએક નાગરિકને પોતાનો સાચો મત પ્રગટ કરવાની પૂરેપૂરી અને પાકી સ્વતંત્રતા મળે.
શું તેમનું આ સ્વપ્ન ફળીભૂત થયું ? દેશનું સમાજજીવન એ હદે અસમતોલ બની ચુક્યું છે કે છતવાળા અને અભાવગ્રસ્તો વચ્ચેની ખાઈ વધુને વધુ પહોળી બનતી જાય છે. શ્રીમંતો વધુ ને વધુ શ્રીમંત અને ગરીબો વધુ ને વધુ ગરીબ બનતો જાય છે. આમઆદમીનું જીવન ઝેર બની જાય એટલી હદે મોંઘવારીએ માઝા મૂકી છે. ભ્રષ્ટાચારના નાગને નાથવો મુશ્કેલ બન્યો છે. આપણા આખા તંત્રને અનીતિ, શોષણ અને રાજકીય કાવાદાવાની ઉધઈનો સડો લાગ્યો છે. બેકારી અને ભૂખમરાથી ટળવળતી પ્રજા નિરાંતનો શ્વાસ ઝંખી રહી છે. ત્યારે એક નિસાસો મુકાઈ જાય છે કે જે દેશનું બાળપણ ભૂખ્યું છે તે દેશનો ઉધ્ધાર-વિકાસ કેટલો શક્ય છે ?
ખરેખર, આજે દેશને ફરી જરૂર છે આઝાદીના એ વીરોની, શહીદોની, જે દેશપ્રેમના સુકાઈ જતાં ઝરણાંને રમતું કરે. રાજકીય કાવાદાવા ખેલી, પ્રજાહિત સાથે આંખ મીંચામણા કરી, દેશને પ્રજાને ગરીબ બનાવતા નેતાઓની નાગચૂડમાંથી પ્રજાને છોડાવી, આઝાદીના સંપૂર્ણ મુક્ત શ્વાસનો અનુભવ કરાવે. આજે જરૂર છે ભારતના દરેકે દરેક બાળકમાં નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ જગવવાની.
પહેલા તો સિનેમાઘરોમાં સિનેમા પૂરું થાય એટલે રાષ્ટ્રગીત ગાવામાં આવતું. સૌ તેનું માન જાળવવા ઊભા થઈ જતા અને ઊભા રહેતા. દરેક શાળા, કોલેજ, સરકારી મકાનો, કચેરીઓમાં ધ્વજવંદન કરી, તિરંગો લહેરાવવાનો અને સલામી અપાતી પરેડ અને રાષ્ટ્રીય ભાવના વ્યક્ત કરતા કાર્યક્રમો, સમારંભો, મેળાવડા થતા. હરીફાઈઓ યોજાતી, શૂરવીરતા ચંદ્રક અપાતા અને રાત્રે અભૂતપૂર્વ રોશનીનો ઝળહળાટ જે જોવો પણ એક લહાવો બની રહેતો. રાષ્ટ્રપ્રેમના કેટલાય કાવ્યો નાનાં બાળકોને હોઠે રમતાં. આજે છે આમાંનું કંઈ પણ ? અરે, ચાર રસ્તા નાનાં. હાથે બનાવેલા ધ્વજ વેચાય છે જે બીજે દિવસે આપણા રસ્તા પર વાહનો અને રાહદારીઓના પગ નીચે કચડાતા હોય છે. પછી આવું જોનારમાં ક્યાંથી આવે આઝાદીની ભાવના અને દેશપ્રેમ! આ માટે દેશના પ્રજાજનોએ જાગૃત થવાની જરૂર છે. આપણી ભાવિ પેઢીને દેશની ગુલામી આઝાદીના જંગની, શહાદતની કથાથી વાકેફ કરવાની જરૂર છે. આટલી કુરબાનીઓ બાદ મળેલી આઝાદીને આમ ગુમાવાય નહીં. એ માટે બાળકોને સાચા લડવૈયા અને સાચા ઘડવૈયા બનાવવાની જરૂર છે.
પ્રજાએ એવા નેતાને દેશનું સુકાન સોંપવાનું છે જેના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત ઝળહળતી હોય, આમઆદમીનું સુખ હિત તેની આંખમાં રમતું હોય. જ્યારે પ્રજા જોમવંતી થાય, જાગૃત થાય ત્યારે કોઈ પણ નિર્ધારનો અમલ અશક્ય નથી. તો આજે આઝાદીના ૬૬મા જન્મદિને આપણા આઝાદીના લોકનેતાઓ, શહીદોને યાદ કરીએ, તેમના સ્વપ્નને ફળીભૂત કરવા આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ અને ભારત દેશના સાચા નાગરિક બનવાનો પ્રયત્ન કરીએ, બનીએ.