અમદાવાદ :
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતની ૧૪ શાળાઓમાં વ્યાપકગેરરીતીઓ થતી હોવાની એક આરટીઆઇ એક્ટીવીસ્ટે શિક્ષણ વિભાગ સુધી ફરિયાદ કરી હતી. જેને પગલે શિક્ષણ બોર્ડે અમદાવાદ ગ્રામ્ય અને શહેર ડીઇઓને તપાસ કરવાનો આદેશ કર્યો છે. ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તમામ શાળાઓમાં જૂનમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય છે તેમ છતાં નવે.-ડિસેમ્બરમાં પ્રવેશ આપી દીધો છે. પ્રવેશપ્રક્રિયામાં કોઇ ધારાધોરણ જણાતાં નથી અને ઉંચુ ડોનેશન લેવાય છે. લોટરી કે ડ્રે પદ્ધતિથી કરવાનો પરિપત્ર હોવા છતાં શાળાઓએ તેમની મરજી મુજબ પ્રવેશ આપેલા છે. સુપ્રીમ અને કેન્દ્ર સરકારનો પ્રતિબંધ હોવા છતાં આ વખતે વાલીઓ અને વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે. કેટલીક શાળાઓ એડવાન્સ ફી લે છે અને મોડી ફી ભરનાર વાલીઓ પાસેથી લેઇટ ફી પેટે દંડ વસૂલે છે. ઘણાબધા શિક્ષકો ખાનગી ટયૂશન કરાવે છે તેમાં ખુદ શાળાના આચાર્યો પ્રોત્સાહન આપે છે. ફરિયાદીએ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીને તમામ શાળાઓ વિરૂદ્ધ તપાસ કરવા માટે રજુઆત કરી હતી. આખરે એક મહિના બાદ બોર્ડે તમામ શાળા સામે તપાસનો આદેશ આપ્યો છે.