સુરત, તા. ૧૭
વિતેલા સપ્તાહ દરમિયાન આસામ રાજ્યના કેટલાંક શહેરોમાં શાંતિ-વ્યવસ્થાનું વાતાવરણ ડહોળાતા તેની ઉદ્યોગ-વેપાર પર પણ વિપરીત અસર વર્તાઇ હતી. ટેક્સ્ટાઇલ સિટી સુરતમાંથી પૂર્વમાં આસામની તેમજ આસપાસની કાપડના બજારોમાં ફિનિશ્ડના પાર્સલની રવાનગી પર તેની અસર વર્તાઇ હતી. સ્થાનિક ટ્રાન્સપોર્ટ કંપનીઓમાં આસામ તરફના બુકિંગમાં પણ ઘટાડો થયો છે. હાલમાં ખાસ કરીને બજારમાં
દુર્ગાપૂજાની ખરીદીના શ્રીગણેશ થયા છે, અને તેવામાં આસામમાં તંગ વાતાવરણને કારણે ખરીદી માટે બહારગામના વેપારીઓની અવરજવર ઓછી થઇ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
આસામના સતત ત્રણ મહિના સુધીના ઠંડા કારોબાર બાદ જુલાઇના બીજા સપ્તાહ બાદ સુરતના કાપડ બજારમાં ખરીદીનો સંચાર જોવા મળ્યો હતો. રક્ષાબંધન અને પવિત્ર રમજાન માસની ખરીદી બજારમાં જોવા મળી હતી. દક્ષિણની વિવિધ મંડીઓમાંથી વેપારીઓએ ફિનિશ્ડ મટિરિયલની મોટી ખરીદી કરતા વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. રક્ષાબંધન અને રમજાન માસની ખરીદી બાદ હવે આગામી તહેવારોની ખરીદીના પણ બજારમાં શ્રીગણેશ થયા છે. વિતેલા કેટલાંક દિવસોથી ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને આસામમાંથી વેપારીઓએ દુર્ગાપૂજાની ખરીદી શરૂ થઇ છે. જો કે બજારમાં ખરીદી વેગ પકડે તે પહેલાં જ આસામ રાજ્યમાં વિવિધ જગ્યાએ હિંસાને કારણે શાંતિ-વ્યવસ્થાનું વાતાવરણ ડહોળાયું હતું. ઉદ્યોગ વેપાર પર પણ તેની અસર વર્તાઇ છે. સુરતમાં ફિનિશ્ડ ગુડ્સની ડિલિવરી અને બુકિંગ પર અસર વર્તાઇ છે. કાપડના વેપારી અરુણભાઇ પાટોદિયાએ જણાવ્યું હતું કે આસામ તરફ કાપડનો વેપાર પ્રભાવિત થયો છે. વિશેષતઃ દુર્ગાપૂજાની ખરીદી માટે આસામની મંડીઓમાંથી વેપારીઓનું આવાગમન ઓછું થયું છે. જે વેપારીઓ અહીંથી આસામ, પૂર્વ તરફ ગુડ્સ રવાના કરે છે, તેમણે પણ ડિલિવરી રોકી હતી. પૂર્વ તરફની મંડીઓમાં વેપારમાં અવરોધ આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. સુરત ટેક્સ્ટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ યુવરાજ દેસલેએ જણાવ્યું હતું આઉટર આસામમાં કેટલાંક શહેરોમાં માલની ડિલિવરીમાં સમસ્યા થઇ હતી, પરંતુ ત્યાં હવે મુખ્ય વેપારીઓએ પાર્સલની ડિલિવરી લેવાનું શરૂ કર્યું છે. જો કે હાલમાં સ્થાનિક સ્તરે વિવિધ ટ્રાન્સપોર્ટ કંપનીઓમાં આસામ તરફના પાર્સલની બુકિંગ ધીમું થયું છે. વેપારીઓ તરફથી નવા બુકિંગમાં ઘટાડો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.