વડોદરા, તા.૧૭
તાંબા પિત્તળના વાસણો ચળકાવવાના પાવડરનું માર્કેટિંગ કરવા ફરતા બે ગઠિયાઓ રાવપુરા કોઠી સ્થિત સરકારી પ્રેસ પાસેની પોળમાં એક વૃદ્ધાની નજર ચૂકવીને ૪ તોલા વજનની સોનાની રૂ. ૧ લાખની કિંમતની ૪ બંગડીઓ પડાવી લઈને નાસી છૂટયા હતા. બનાવ અંગે કારેલીબાગ પોલીસે ઠગાઈનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
યતીનભાઈ અરવિંદભાઈ શાહ શહેરની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે શુક્રવારે સવારે તેઓ નોકરી ગયા હતા. ત્યારે ૭૭ વર્ષની ઉંમરના વૃદ્ધ માતા સુમતીબેન ઘરે એકલા હતા. આ દરમિયાનમાં બપોરે ૧૨ વાગ્યાના અરસામાં ૩૦ થી ૩૨ વર્ષની ઉંમરના બે અજાણ્યા શખ્સો ઘરે આવ્યા હતા. તેમણે સોનાની બંગડીઓ ધોવા માટે લીધી હતી. વૃદ્ધાને વાતોમાં વળગાડીને ગઠિયાઓ હળદરવાળા પાણીમાંથી બંગડીઓ કાઢીને છૂમંતર થઈ ગયા હતા. આ ભેજાબાજો ઘરેથી ગયા પછી વૃદ્ધાને બંગડીઓ ગૂમ થયા અંગેની જાણ થઈ હતી. કારેલીબાગ પોલીસ બનાવની તપાસ ચલાવી રહી છે.