વડોદરા, તા.૧૭
સપ્તાહની શરૂઆતમાં મેધરાજા શહેર જિલ્લામાં મન મુકી વરસ્યા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી શહેર-જિલ્લામાં મેધરાજાએ વિરામ લીધો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જિલ્લામાં માત્ર છુટા છવાયા ઝાપટાં પડયા હતા. ગુરૂવારે મોડી રાત્રે ૨ વાગે શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. લગભગ એક કલાકમાં જ એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. જોકે મધરાત પછી વરસાદ થયો હોવાથી રોજીંદા જનજીવનને કોઇ અસર પહોંચી નહતી.
સપ્તાહ દરમિયાન મન મૂકી વરસ્યા બાદ છેલ્લા ૪૮ કલાકમાં મેધરાજા વિરામ લઇ રહયા છે. ત્યારે આજે શહેરમાં જિલ્લામાં માત્ર ચાર તાલુકામાં વરસાદ નોંધયો હતો. જેમાં ડભોઇમાં ૭ મીમી, કવાંટમાં ૫ મીમી, નસવાડીમાં ૯ મીમી અને સંખેડામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે શહેરમાં સવારે ૭થી મોડી રાત સુધી માત્ર છુટા છવાયા ઝાંપટા પડયા હતા.
ગઇકાલે સવારથી આજે સવારે ૭ કલાક દરમિયાન વડોદરા શહેરમાં ૧૫ મીમી વરસાદ નોંધાયો હતો. ગઇકાલે મોડી રાતે આવેલા વરસાદના ભારે ઝાંપટાના પગલે શહેરમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા.