ભુજ ,તા. ૧૭
રાજ્યપાલ ડો.કમલા બેનિવાલેએ કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ઊભી થયેલી અછતની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રને સાબદા રહેવાની સાથે જિલ્લાના કોઈપણ ગામમાં ઘાસ, પાણી અને રોજગારીની જરૂરિયાત ઊભી થાય તો તે સુપેરે પૂરી પાડવા અધિકારીઓને જણાવ્યું હતું.
- અછત અંગે તંત્રએ તૈયાર કરેલા પ્રેઝન્ટેશન દ્વારા રાજ્યપાલે વિગતો મેળવી
ગવર્નર ડો.કમલા બેનિવાલેએ આજે સવારે ધ્રંગ અને ઝીંકડી ગામમાં ઘાસડેપો તથા નરેગા હેઠળ ચાલતાં કામોની મુલાકાત લઈ ભુજ ખાતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને ધારાસભ્યો સાથેની બેઠકમાં અછતની સમીક્ષા કરી હતી અને તાકીદ કરી હતી કે, કામ વગર કોઈ બેસી ન રહે તે જોવા સંબંધિત અધિકારીની ફરજ છે અને જરૂર હોય એને કામ આપો. દરેક ગામમાં સંતોષપ્રદ આયોજન થાય તે અત્યારની આવશ્યકતા છે. ઓગસ્ટ મહિના અડધો પસાર
થઈ ગયો, વરસાદ પણ ખૂબ ખેંચાઈ ગયો હોવાથી દરેક કાર્યને પૂર્ણ અંજામ આપવાની જરૂર છે. ઘાસ, પાણી અને રોજગારીનું સંપૂણ સ્વાંગમાં આયોજન કરવાનો નિર્દેશ આપી ડો.કમલા બેનિવાલેએ કહ્યું કે, વ્યવસ્થા એવી રીતે થવી જોઈએ કે ,લોકોને રાહત થાય સાથે - સાથે અસરગ્રસ્ત પશુઓ પણ મુશ્કેલીમાં ન મુકાવા જોઈએ.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ, અબડાસાના ધારાસભ્યે ચર્ચામાં ભાગ લેતાં કહ્યું કે, સામાન્યત : ડિસેમ્બર - જાન્યુઆરીમાં અછત જાહેર થાય છે.પરંતુ આ વખતે સાવચેતીના ભાગરૂપે વહેલી અછત જાહેર કરી દેવામાં આવી છે. ઘાસ અને પાણીની વ્યવસ્થાનું પણ રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે જ્યારે અંજાર વિસ્તારના ધારાસભ્ય કહ્યું કે, કચ્છમાં ઘાસકાર્ડ અપાયા છે. રોજગારીની વ્યવસ્થા છે.અંજાર વિસ્તારમાં ઉદ્યોગો હોવાથી લોકોને રોજગારી મળી રહે છે.
રાપર વિસ્તારના ધારાસભ્યે વહીવટીતંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા થઈ છે અને તંત્રનો રચનાત્મક અભિગમ રહ્યો છે તેનો ઉલ્લેખ કરી સૂચનો કરતા કહ્યું કે, કચ્છમાં ઘાસડેપો ખોલાયા છે. પરંતુ આવશ્યકતા અનુસાર ઘાસ પહોંચે તે એટલું જ જરૂરી છે. પિયતની સગવડવાળા ગામોમાં ઘાસચારો ઉગાડવા વધુ રાહત અપાય અને ઘાસ ઉગાડતા ખેડૂતપુત્રોને ૩ મહિનાના વીજબિલમાં રાહત મળે તેમ જણાવી તેમણે પીવાના પાણીની વ્યવસ્થા માટે ઉપયોગી સૂચનો કર્યા હતા અને રાપરમાં નરેગાના કામોનું સમુચિત આયોજન કરવા જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર એમ. થેન્નારસને વિગતો આપતાં કહ્યું કે, કચ્છમાં ઘાસ-પાણી અને રોજગારીની પૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.અત્યારે ર૯ સુધી ઘાસડેપો શરૂ થયા છે. ડિસેમ્બર સુધી જરૂરી ૧.૪૦ કરોડ કિ. ગ્રા. ઘાસની જરૂરિયાત મુજબનું આયોજન ગોઠવાયું છે.કચ્છના ૩૯ ગામોમાં અત્યારે ટેન્કર દ્વારા પાણી અપાય છે.
પ્રારંભમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલે કચ્છમાં અછત અંગેના માસ્ટર પ્લાનનું પ્રેઝન્ટેશન કર્યું હતું અને કહ્યું કે, રોજગારી માટે રૂ. ૪પ કરોડનું આયોજન છે. દરેક ગામમાં કામ માટે મોજણી કરી દેવામાં આવી છે. અત્યારે નરેગા હેઠળ ૯૮ર૩ શ્રમિકોને રોજગારી મળે છે.૪૯ર ગામોમાં ચાલે છે. જ્યારે અછત દરમિયાન ર૧.પર લાખ માનવ દિન રોજગારી ઉત્પન્ન કરવાનું આયોજન છે.
આ બેઠકમાં ગવર્નરના પ્રિન્સિપલ સેક્રેટરી અરવિંદ જોશી, રાહત નિયામક ગુણવંત વાઘેલા, અધિક કલેકટર સી. પી. નેમા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. જી. ભાલારા સહિત પાણી પુરવઠા, જંગલ વિભાગ અને પશુપાલન તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપનો વિરોધ
કચ્છમાં અછતના બહાના હેઠળ, રાજયપાલ દ્વારા આજે તેમની ભુજ ખાતેની મુલાકાત દરમિયાન દેશના બંધારણીય ગરિમાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાયું હોવાનો જિલ્લા ભાજપ દ્વારા આક્ષેપ કરાયો છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યપાલ દ્વારા કચ્છમાં અછતની સમીક્ષા માટેની મુલાકાતના બહાના હેઠળ બંધારણ અને રાજ્યપાલ જેવા ગૌરવશાળી પદની ગરિમાનો ભંગ કરી, કોંગ્રેસી કાર્યકરો જોડે ચૂંટણીલક્ષી ગૂફતેગુ કરી, રાજ્યપાલના પદનું પણ કોંગ્રેસીકરણ કરી નાખ્યું છે. કચ્છમાં રાજ્યપાલની મુલાકાત સંપૂર્ણ રીતે રાજકીય હેતુ હતી, તે ખુદ રાજ્યપાલની કચેરીએ આપેલા કાર્યક્રમથી ફલિત થઈ ચૂક્યું છે.
કોંગ્રેસની રજૂઆત
જિલ્લા કોંગ્રેસ દ્વારા કચ્છમાં ૧૩ લાખ પશુઓ માટે ઘાસચારો અને પાણી તેમજ રોજગારી લોકોને મળી રહે તે માટે રાજયપાલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સાથોસાથ વહીવટીતંત્ર દ્વારા ઘાસચારા વિતરણ વ્યવસ્થા અને ઘાસકાર્ડ ઈસ્યુ ન કરવા મુદે રાજયપાલનું ધ્યાન દોરવામાં આવ્યું હતુ અને ત્વરિત કેટલ કેમ્પો માટે સબસીડી જાહેર કરવામાં આવે તેમજ પાંજરાપોળ ગૌસેવા સંસ્થાઓને ઘાસચારો પુરો પાડવામાં આવે તે જાતની સુચરૂ વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા હાથ ધરવા રજૂઆત કરાઈ હતી.