ભાવનગરતા.૧૭
ભાવનગર તાલુકાના કોળિયાક ખાતે આવેલા ઐતિહાસિક નિષ્કલંક મહાદેવજી મંદિરમાં પરંપરાગત રીતે આજે ભાદરવી અમાસનો ભાતીગળ લોકમેળો ભરાયો હતો.કોળીયાકમાં આજના ભાદરવી અમાસના મેળામાં સમુદ્રસ્નાન કરીને દોઢ લાખ ભાવિકો નિષ્કંલક બન્યા હતા.
- નકળંગ મેળામા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ
- મહાદેવજીને પ્રથમ રાજવી પરિવાર દ્વારા ધ્વજા આરોહણ કરવામા આવ્યું
- ભાદરવી અમાસનું સ્નાન કરી દોઢ લાખ ભાવિકો નિષ્કલંક થયા
લાખો શ્રધ્ધાળુઓની વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભાદરવી અમાસના મેળામાં આજે વહેલી સવારે કોળિયાક નિષ્કલંક મહાદેવને પ્રથમ ધજા રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવી હતી.
ભાદરવી અમાસે કોળીયાક સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે ભાવિકો ઉમટી પડયા હતા.નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં સમુદ્ર સ્નાન કરવાનું અનેરુ મહત્ત્વ છે ત્યારે આજે ભાદરવી અમાસના લોકમેળાની સાથે દોઢ લાખ ભાવિકો દરિયામાં સ્નાન કરી નિષ્કલંક મહાદેવની પૂજા અર્ચના કરી પૂણ્યનું ભાથું બાંધ્યુ હતું. કોળિયાક નિષ્કલંક મહાદેવના મેળામાં ગઈકાલે ગુરૂવારથી ઉમટી પડેલો મહેરામણ આજે ભાદરવી અમાસે બમણો થઈ ગયો હતો.
કોળીયાકમાં ભાદરવીના મેળા નિમિતે હામાદાદ પરમાર પરિવાર દ્વારા ગુંદી ખાતે પંરપરાગત રીતે હજારો યાત્રાળોઓ માટે સાર્વજનીક અન્નશ્રેત્રનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો.ભાવનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લાખો શ્રધ્ધાળુઓના આગમનને ધ્યાને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અને કોઈપણ જાતની અવ્યવસ્થા ઉભી ન થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામા આવી હતી.
કોળિયાક મેળામાં સમુદ્ર સ્નાન દરમિયાન તરવૈયાની વિશેષ ટૂકડી તૈનાત રાખવામા આવી હતી. પીપળીયા પુલથી ઘોઘા જકાતનાકા વચ્ચે ડાયવર્ઝન આપી જિલ્લા પોલીસ તંત્ર અને જાહેર બાંધકામ ખાતા સંયુક્ત પ્રયાસોથી માર્ગનુ નિર્માણ કરી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવામા આવી હતી.મતસ્યોધોગ રાજ્યમંત્રી પરશોતમભાઈ સોંલકી દ્વારા દર્શાનાર્થીઓ માટે શીરાના પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું. આ મેળામા પોલીસ કાફાલા ઉપરાંત ફાયર બિગ્રેડ અને ૧૦૮ સેવા પણ તૈનાત રાખવામા આવી હતી.
ભાદરવીના મેળામાં પોલીસનો લાઠીચાર્જ : લોકોમાં રોષ
કોળીયાક ખાતે નિષ્કલંક મહાદેવજી મંદિરમાં પરંપરાગત રીતે આજે ભાદરવી અમાસનો ભાતીગળ લોકમેળો ભરાયો હતો. ભાદરવીના મેળામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સમુદ્રસ્નાન કરવા પહોચ્યા હતા. દરમ્યાન બપોરના સુમારે એક ઘોડેસવાર પોલીસ જવાને એકાએક ભીડ પર લાઠીચાર્જ શરૂ કરી દેતા થોડીવાર તો શ્રધ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી.
સમુદ્રસ્નાન કરવા આવેલી કેટલીક મહિલાઓ પણ આ પોલીસ જવાનના રોષનો ભોગ બનતા લોકોમાં મેળામાં આવેલા શ્રધ્ધાળુઓમાં પોલીસની કાર્યવાહી સામે રોષની લાગણી ફેલાઈ હતી.