રાજકોટ તા. ૧૬
આગામી તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં રાજકોટ જીલ્લાના બીપીએલ અને અંત્યોદય પરિવારના સભ્યોને નવા બારકોડેડ કાર્ડ મેળવી લેવા માટેની જરૂરી પ્રોસીજર પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. પુરવઠા તંત્રમાંથી મળેલી માહિતી અનુસાર રાજકોટ જીલ્લાના ૧.૭૫ લાખથી વધારે અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને ૧ ઓકટોબરથી બારકોડેડ કાર્ડ વગર અનાજ, કેરોસીન વિતરણ કરવામાં આવશે નહી. જિલ્લાની ૮૬ જેટલી સસ્તા અનાજની દુકાનો દ્વારા નવા બારકોડે કાર્ડ વિતરણ કરવામાં આવી રહ્યા છે. રાજય સરકાર તરફથી ઉપરોકત પરિવારોને મળવા પાત્ર અનાજનો જથ્થો ઓનલાઇન કરી દીધો છે ત્યારે બારકોડેડ કાર્ડ જરૂરી બન્યુ છે.
- સપ્ટેમ્બરના અંત સુધીમાં અંત્યોદય અને બીપીએલ પરિવારોને બારકોડેડ મેળવી લેવા તાકીદ
જિલ્લાના દરેક તાલુકાઓમાં એજન્સીને અપાયેલા કોન્ટ્રાકટ દ્વારા ૨૬ જેટલાં મશીનો ઉપર કાર્ડધારકોની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં આવી ફિંગરપ્રિન્ટ માટે બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકો દુકાને આવતાં ન હોવાની ફરિયાદ ઉઠી છે. પોતાનો ફોટો અને ફિંગરપ્રિન્ટ આપ્યા બાદ જ આવા કાર્ડધારકોને નવા બારકોડેડ કાર્ડ આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં ૨૮૯૯૨ અંત્યોદય અને ૧,૧૫,૯૨૪ બીપીએલ કાર્ડધારકો છે. રાજકોટ તાલુકા મામલતદાર મેહુલ જોશીની સુચનાથી નાયબ મામલતદાર નયના બહેન રાવલે મોટા ભાગના પરવાનેદારો દ્વારા ફિંગર પ્રિન્ટ લેવડાવી બારકોડેડ કાર્ડની કામગીરી પુર્ણતા સુધી લઇ ગયા છે. પુરવઠા અધિકારી અને તાલુકાના મામલતદારો તરફથી અવારનવાર આવા કાર્ડધારકોને ફોટો તેમજ ફિંગરપ્રિન્ટ આપવા દુકને જવા સુચના આપી હોવા છતાં તેઓ ન જતા બારકોડેડ કાર્ડ તૈયાર થઇ શકતાં નથી. ઓકટોબર માસમાં બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકોની પાસે નવા બારકોડેડ કાર્ડ નહીં હોય તો અનાજ, ખાંડ, ચોખા, કેરોસીન વિતરણ વામાં આવશે નહી. ઉપરોકત બાબતે અત્યારથી જ વેપારીઓ અને કાર્ડધારકોમાં ઉહાપોહ મચી ગયો છે.