રાજકોટ તા. ૧૬
આખા શ્રાવણ માસમાં ભાવિકોએ શિવઅર્ચન કર્યા બાદ આજે અંતિમ દિવસ અમાસ આવી પહોંચતા શિવભકતોએ વહેલી સવારથી શિવાલયોમાં પહોંચી દુગ્ધાભિષેક, ગંગોદક અભિષેક, સહિતની વિધવિધની પૂજાઓ કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણના અંતિમ દિવસ નિમિતે સોમનાથ,ઘેલાસોમનાથ, જડેશ્વર, કામનાથ, ભીડભંજનમાં ભાવિકોએ ભીડ જમાવી દીધી હતી. તેમજ ભારે હૈયે આજે શ્રાવણને વિદાય આપી હતી.આવી જ રીતે આજે સર્વપિત્રી અમાસ નિમિતે પૂર્વજોએ ચિંધેલા રાહને શ્રદ્ધાથી યાદ કરવાનો અજોડ દિવસ હોવાથી પ્રભાસપાટણ, દ્વારકા,ભાલકા,ગોકરણ, પ્રાચી પીપળા,અને ધર્મ સ્થળોએ ભાવિકો પિતૃતર્પણ કરી પીપળાને પાણી રેડી ધન્યતા અનુભવી હતી.
- જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, ભાલકા, ગોકરણ, પ્રાંચી પીપળા સહિતનાં સ્થળે ભાવિકો ઉમટી પડયા
પિતૃતર્પણ માટે શ્રેષ્ઠ ગણાતા પ્રાચી પીપળા મુકામે તેમજ ભગવાન શ્રીકૃષ્ણે જે પીપળાના ઝાડ પાસે દેહોત્સર્ગ કરેલો એ ભાલકા તીર્થ અને દેહોત્સર્ગ તીર્થ ખાતે અનેક લોકો પિતૃ તર્પણ કરવા પહોંચી ગયા હતા.આ ઉપરાંત દ્વારકા ગોકરણ અને અન્ય ધાર્મિક સ્થાનોમાં લોકોએ જઈ પીપળાને પાણી રેડી દિવંગત પિતૃઓને યાદ કર્યા હતા. દાન પૂણ્ય કરી અહોભાવ વ્યકત કર્યો હતો. આવી જ રીતે ઉતર ગુજરાતમાં આવેલા સિદ્ધપુરમાં પણ અનેક ભાવિકોએ માતૃ તર્પણ કર્યુ હતુ.
સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો આજે અહી સ્નાન કરવા માટે ઉમટી પડયા હતાં. સવારે ત્રણ વાગ્યાથી જ ભાવિકોનું આગમન શરૂ થઈ ગયું હતું. હજ્જારો લોકોએ સર્વપિત્રી અમાસ નિમિત્તે દામોદરકુંડમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે ભગવાન વિષ્ણુના સ્વરૂપ એવા પિપળાના વૃક્ષમાં આજે પિતૃલોકમાંથી પિતૃઓ આવે છે. અને પોતાના સ્વજનો પાસેથી પાણીની ઝંખના રાખે છે. દામોદરકુંડ ખાતે પિપળે પાણી રેડવા લોકોની ભીડ જામી હતી. બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભાવિકોએ પિતૃઓને પાણી રેડી આશિર્વાદ મેળવ્યા હતાં. સાંજ સુધી દામોદરકુંડના કિનારે જાણે કે, કિડિયારૂ ઉભરાયું હોય તેવી હાલત જોવા મળી હતી.શ્રાવણ માસના આજે અંતિમ દિન નિમિતે સોમનાથમાં વહેલી સવારથી ભાવિકોએ ભીડ જમાવી દીધી હતી. સવારની મહાપૂજા, શૃંગાર પૂજા આરતી, મધ્યાહ્ન આરતી, સહિતની વિવિધ પૂજાઓમાં ભાવિકો સામેલ થયા હતા. આવી જ રીતે ઘેલા સોમનાથ મહાદેવ શિવાલયે, જંગલમાં મંગલ સમા વાકાનેર તાલુકામાં આવેલા જડેશ્વર મહાદેવ શિવાલય, માંગરોળ નજીક આવેલા કામનાથ મહાદેવ શિવાલય, જુનાગઢના ભવનાથ, જેતપુર નજીક ભીડભંજન મહાદેવ, ગોંડલમાં આવેલા કાશીવિશ્વનાથ મહાદેવ, ધારેશ્વર સુરેશ્વર મહાદેવ, અમરેલીમાં આવેલા નાગનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં વહેલી સવારથી ભાવિકો પહોંચી ગયા હતા. અને બિલ્વ પૂજા તેમજ દુધની ધારાનો અભિષેક સહિતની પૂજાઓ કરી હતી. કેટલાક ભાવિકો ભાવવિભોર બની સજળ નયને પૂજા કરતા હતા. આજથી શ્રાવણ માસનો અંત સાથે ભગવાન વિષ્ણુની સેવા પૂજા કરવાનો પુરૂષોતમ અધિક માસ બેસે છે. અધિક માસમાં શુભ કાર્યો ત્યાજય છે. આમ છતાં ભકિતભાવ કરવાની સુચના હોવાથી ખાસ કરીને મહિલાઓ પુરૂષોતમ માસ દરમિયાન પુજા અર્ચના કરશે. લોકો ગૌસેવા સહિતની સેવાઓ કરી ધન્યતા અનુભવશે.
જામખંભાળિયાઃ પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિન એવા શુક્રવારે શ્રાવણી અમાસ નિમિતે ખંભાળિયાના વિવિધ શિવ મંદિરોમાં શિવભકતો ઉમટી પડયા હતા.આજ સવારથી અહિંના પ્રાચીન શ્રી ખામનાથ મહાદેવ, શ્રી રામનાથ મહાદેવ, પાળેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ વિગેરે મંદિરોમાં પુજા - આરતી ઉપરાંત ઘી ની ભવ્ય મહાપુજાના દર્શન કરવા ભકતોની મોટી કતારો લાગી હતી.ખંભાળિયા નજીકનાં પ્રખ્યાત મંદિરો વડત્રા ખાતેના ધીગેશ્વર મહાદેવ, બજાણાના કાશી વિશ્વનાથ મહાદેવ, કોટા ગામના કોટેશ્વર મહાદેવ, સોડસલા નજીકનાં સિધ્ધનાથ મહાદેવ, ભરાણા ગામે આવેલ ધીગેશ્વર મહાદેવ વિગેરે મંદિરોમાં અભિષેક અને બીલીપત્રો વડે પુજન તેમજ થાળ, મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમોનો લાભ મોટી સંખ્યામાં શિવભકતોએ લીધો હતો.