નવી દિલ્હી, 18 ઓગસ્ટ
પૂર્વ એરહોસ્ટેસ ગીતિકા શર્મા આત્મહત્યાનાં કેસનાં મુખ્ય આરોપી હરિયાણાનાં પૂર્વ મંત્રી ગોપાલ કાંડાની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. કાંડાએ શનિવારે 4વાગે નાટકીય રીતે આવીને દિલ્હીનાં વિહાર પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. કાંડા છેલ્લાં 11 દિવસથી ફરાર હતાં. કાંડાની મેડીકલ રિપોર્ટ બાદ આજે તેને રોહિણી કોર્ટમાં હાજર કરવામાં આવશે.
- કાંડાની મેડીકલ તપાસ બાદ આજે રોહિણી કોર્ટમાં હાજરી
- કાંડા છેલ્લાં 11 દિવસથી હેલિકોપ્ટરમાં બેસીને પોતાના લોકેશન બદલતો રહેતો હતો
તેની પહેલાં દિલ્હી પોલીસે સમર્થકો સાથે આવેલાં ગોપાલ કાંડાનાં ભાઈ ગોવિંદ કાંડાની ધરપકડ કરી હતી. ગોવિંદે ધરપકડ પહેલાં રાત્રે 11 વાગે પોલીસને જણાવ્યું હતું કે, ગોપાલ કાંડા 10 મિનિટમાં સરેન્ડર કરી દેશે, પરંતુ તેવું થયું નહીં. ઘણાં કલાકો સુધી કાંડાના સરેન્ડરની ચર્ચા જોરશોરથી ચાલતી રહી અને આખરે સવારનાં 4 વાગે કાંડાએ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું.
ગોવિંદ કાંડાએ પોલીસને જણાવ્યું હતું કે, તેનો ભાઈ દેશની બહાર ગયો નથી અને દિલ્હીની આસપાસ છે. તેઓ કોર્ટ તરફથી આગોતરા જામીન મંજૂર કરવાની રાહ જોઈ રહ્યાં હતાં. કોર્ટે તેમની જામીનની મંજૂરી ફગાવી દીધી એટલે તેણે સરેન્ડર કરવાનો વિચાર કર્યો હતો. જો કે નિવેદન પહેલાં ગોવિંગ કાંડાએ પોતાના 60 જેટલાં સમર્થકો સાથે દિલ્હી પોલીસનાં વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યાં હતાં. પોલીસે ગોવિંદ કાંડાની ધરપકડ કાંડાની માહિતી છૂપાવી રાખવાના આરોપસર ધરપકડ કરી છે.
ગોપાલ કાંડાની ધરપકડ પહેલાં દિલ્હી પોલીસ કમિશ્નર નીરજ કુમારે શુક્રવારે રાત્રે 10.40 વાગે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, 'અમારા બહાદુર પોલીસકર્મીઓની મદદથી અમે કાંડાને સોધી કાઢ્યો છે.' આ ટ્વીટ પરથી સાબિત થાય છે કે કાંડાના સરેન્ડર પહેલાં દિલ્હી પોલીસને સૂત્રો દ્વારા કાંડાની માહિતી પ્રાપ્ત થઈ ગઈ હતી.