હનોઈ : 18, ઓગસ્ટ
વિયેતનામની રાજધાની હનોઈ સહિત અનેક વિસ્તારોમાં આવેલાં વાવઝોડાનાં કારણે ચાર લોકોનાં મોત થયાં છે. વાવાઝોડા સાથે પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વાવાઝોડાને કારણે અમુક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની હતી.
રાજધાની હેનોઈમાં ભારે પવનને કારણે વૃક્ષ એક ટેક્સી પર પડતાં ટેક્સીડ્રાઇવરનું મોત થયું હતું. વિયેતનામના ઉત્તરમાં આવેલા સન લા સિટીમાં શોક લાગવાને કારણે બે લોકોનાં મોત થયાં હતાં. બેક જિંયાંગ પ્રાંતમાં એક ૪૬ વર્ષીય વૃદ્ધાનું મોત તેનાં ઘર પર જમીન ધસી પડવાને કારણે થયું હતું.
સત્તાવાળાઓએ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ૨૦,૦૦૦ સૈનિકોને રાહતકાર્યમાં લગાડયાં છે. રાહતકાર્યમાં હેલિકોપ્ટર અને રેસ્ક્યૂ બોટનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. વાવાઝોડાનાં કારણે વિયેતનામમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલાં લોકોને રેસ્ક્યૂ બોટ અને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યાં છે.