નવી દિલ્હી 18, ઓગસ્ટ
આધુનિક યુગમાં લેન્સથી માંડીને ડિજિટલ કેમેરા ઘરે ઘરે જોવા મળે છે તેમ છતાં સારા ફોટોગ્રાફર ગણ્યાગાંઠયા જ છે
કુદરતે સૃષ્ટિના દરેક જીવને જન્મજાત એક કેમેરો આપેલો છે, જેના વડે તે દરેક વસ્તુની છબિ તેના મસ્તિષ્કમાં અંકિત કરી શકે છે, આ કેમેરો છે આંખ. પ્રત્યેક જીવ એક ફોટોગ્રાફર છે, પરંતુ ટેક્નોલોજીની સાથે સાથે માનવીએ ઉપકરણોનો ઉપયોગ શરૂ કરી અનેક આવિષ્કારોની સાથે કૃત્રિમ લેન્સનું પણ સર્જન કર્યું, ત્યાર પછી કૃત્રિમ લેન્સથી મેળવવામાં આવેલી તસવીરને સ્થાયી સ્વરૂપ આપવાનો પ્રયાસ શરૂ થયો અને આ પ્રયાસને જે દિવસે સફળતા મળી તેને વર્લ્ડ ફોટોગ્રાફી-ડે તરીકે મનાવાય છે.
ફોટોગ્રાફી હાથવગી
વિજ્ઞાન અને ટેક્નોલોજીની સફળતાની સાથે ફોટોગ્રાફીમાં પણ પ્રગતિ થઈ છે. આજે દરેક જણ માત્ર બટન દબાવી મિનિટોમાં સારામાં સારી તસવીર લઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ આંખોથી દેખાતાં દૃશ્યને કેમેરાની મદદથી એક ફ્રેમમાં બાંધે છે, પ્રકાશ-પડછાયો, કેમેરાની પોઝિશન, એક્સપોઝર તથા યોગ્ય વિષયની પસંદગી એક સારો ફોટો લેવા માટેની શરતો છે એટલે જ આજે ઘરે ઘરે કેમેરો હોવા છતાં સારા ફોટોગ્રાફર બહુ ઓછા જોવા મળે છે.
૧૮૩૯ : ફોટોગ્રાફીનો ઉદ્ભવ
૧૮૩૯માં ફ્રેન્ચ વિજ્ઞાની લુઇસ ડાગ્યુરેએ ફોટોગ્રાફી પ્રોસેસ (ડાગ્યુરેટાઇપ)નું સર્જન કર્યું હતું. તેઓ ફોટોગ્રાફીના પિતા ગણાય છે, જોકે ફોટોગ્રાફીમાં તેમનાં પ્રદાનને લીધે તેઓ વધુ પ્રસિદ્ધ બન્યા હતા, ત્યાર પછી બ્રિટિશ વિજ્ઞાની વિલિયમ હેનરી ફોક્સટેલબોટે નેગેટિવ-પોઝિટિવ જેવી વધુ એક ફોટો ડેવલપ પ્રોસેસ (કેલોટાઇપ)ની શોધ કરી, જેનાથી ચિત્ર કે ફોટોને સ્થાયી સ્વરૂપમાં રાખવાની સુવિધા પ્રાપ્ત થઈ શકે. તેમણે ૧૮૩૯માં પહેલી ગ્લાસ નેગેટિવ બનાવી હતી, તેની પર ફ્રેન્ચ વિજ્ઞાની આર્ગોએ ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સ માટે એક અહેવાલ તૈયાર કર્યો હતો, ત્યાર પછી ૧૯મી ઓગસ્ટે લુઇસ ડાગ્યુરેની ફોટોગ્રાફી પ્રોસેસને ફ્રેન્ચ સરકારે 'વિશ્વ માટે મુક્ત' જાહેર કરી હતી તેથી ૧૯મી ઓગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી-ડે તરીકે મનાવવામાં આવે છે. ડાગ્યુરેટાઇપ અને કેલોટાઇપ બંને ફોટોગ્રાફી પ્રોસેસનું સર્જન ૧૮૩૯માં થયું હતું.
વર્લ્ડ ફોટોગ્રાફી-ડે પ્રોજેક્ટ
૨૦૦૯માં વર્લ્ડ ફોટોગ્રાફી-ડે પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી પણ વિશ્વભરમાં તેની શરૂઆત ૨૦૧૦માં થઈ હતી, આ દિવસે વિશ્વભરમાં ફોટોગ્રાફીના કાર્યક્રમ તથા ઉત્તમ ફોટોગ્રાફીનું પ્રદર્શન તથા સ્પર્ધા આયોજિત કરવામાં આવે છે.
વિશ્વનો સૌપ્રથમ ફોટોગ્રાફ
કોઈ કિલ્લાની દીવાલ જેવી લાગતી આ તસવીર ૧૮૨૬માં ફ્રાન્સમાં લેવાઈ હતી. તે નિફો નિસે નામના ફોટોગ્રાફરે ખેંચી હતી.
સૌથી મોટા પિનહોલ કેમેરા
સૌથી મોટો પિનહોલ કેમેરા ૪૫ બાય ૧૬૦ બાય ૮૦ ફૂટનો છે. તેની 'ફિલ્મ' માટે ૩૧ ફૂટ ૭ ઇંટ બાય ૧૧૧ ફૂટ લાંબી કેનવાસનો ઉપયોગ થાય છે, જેનું વજન ૧,૨૦૦ પાઉન્ડ છે, જોકે ૧૯૦૦ની સાલમાં જ્યોર્જ આર. લોરેન્સ નામના ફોટોગ્રાફરે એક વિશાળ કદનો કેમેરા (૮ બાય ૪.૫ ફૂટ) બનાવ્યો હતો. તેનું વજન ૯૦૦ પાઉન્ડ હતું. તેને ઓપરેટ કરવા ૧૫ જણની જરૂર પડી હતી.
સૌથી મોટો ડિજિટલ કેમેરા
કદમાં અને ગિગા-કેપેસિટી ધરાવતો વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા લાર્જ સિનોપેટિક સર્વે ટેલિસ્કોપમાં છે. તેમાં ૮,૦૦,૦૦૦ ૮-મેગાપિક્સલ છે.
હાઈસ્પીડ કેમેરા
યુનિર્વિસટી ઓફ રોહ્ડેમાં મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર અરુણ શુક્લાએ તૈયાર કરેલો એક કેમેરા પ્રતિ સેકન્ડમાં ૨૦ કરોડ ફ્રેમ્સની ઝડપથી પિક્સર્ચ લઈ શકે છે, તેનો ઉપયોગ રિસર્ચ સ્ટડીમાં થાય છે.
મોંઘો ફોટોગ્રાફ
વાદળની છાયામાં દેખાતી રિહાન નદીનો આ ફોટોગ્રાફ વિશ્વમાં સૌથી મોંઘો ફોટોગ્રાફ છે. ક્રિસ્ટી ઓક્શન હાઉસમાં તેની ૪૩,૩૮,૫૦૦ ડોલરમાં હરાજી થઈ હતી.