બ્રેકિંગ વ્યૂઝ - રાજ ગોસ્વામી
પશ્ચિમી સંસ્કૃતિ વહશી છે એવી આપણી માન્યતા હકીકતમાં આપણી મૂડીવાદ વિરોધી રાજકીય-સામાજિક માન્યતા અને પશ્ચિમની પ્રગતિમાંથી આવી છે. પશ્ચિમની પ્રગતિ અથવા ઔદ્યોગિકીકરણ ભારતીય સમાજ પર ગોરાઓની પક્કડ મજબૂત બનાવશે એવી ગાંધીવાદી માન્યતા સમાજવાદ-સામ્યવાદ તરફી નીતિ-રીતિ અને કથિત પવિત્ર હિન્દુ પરંપરા જ મહાન છે એવી આપણી જીદનું પરિણામ એક સ્પષ્ટ પશ્ચિમ વિરોધી અભિગમમાં આવ્યું છે
નેશનલ વિમેન કમિશનનાં ચેરપર્સને સ્ત્રીઓની થતી છેડખાનીના સંદર્ભમાં 'નસીહત' આપી છે કે છોકરીઓએ 'ઠીકઠાક' કપડાં પહેરવાં જોઈએ. પશ્ચિમી સંસ્કૃતિની આંધળી નકલથી ભારતીય સંસ્કૃતિ વિકૃત થઈ રહી છે અને એટલે જ ગૌહાતી જેવા ક્રાઇમ થતા રહે છે! ઉત્તર પ્રદેશની એક ગ્રામ પંચાયતે યુવતીઓની રહનસહન અને મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂક્યો છે.
આપણા દેશમાં જ્યારે પણ કોઈ સ્ત્રી સાથે બદસલૂકીની ઘટના બને છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિના નામે છાતી કૂટવાનું શરૂ થઈ જાય છે. દિલ્હીમાં રાત્રે બે વાગ્યે એક બ્રાઝિલિયન મહિલાની બેઈજ્જતી એટલા માટે નહોતી થઈ કે એણે આપણે જેને પશ્ચિમી કહીએ છીએ એવાં ઓછી સાઇઝનાં વસ્ત્ર પહેર્યાં હતાં, પણ એટલા માટે કે એ એકલી ચાલી રહી હતી.
આ એ દેશ છે જ્યાં એકલી સ્ત્રીને જોઈને કોઈ પણ પુરુષ વહશી થઈ જાય છે. આ એ દેશ છે જ્યાં કમઉમ્ર ગરીબ કન્યાને કોઈ પણ બુઢ્ઢા ખુસટ સાથે જબરન પરણાવી દેવાય છે. આ એ જ દેશ છે જ્યાં છોકરી છે એવી ખબર પડતાવેંત એને ગર્ભમાં જ મારી નંખાય છે. આ એ દેશ છે જ્યાં અંધવિશ્વાસની પરવાનગી લઈને નાની છોકરીઓને દેડકા અથવા કુત્તા સાથે પરણાવી દેવાય છે.
સતીપ્રથા પશ્ચિમમાંથી આવી હતી? બાળવિવાહ અમેરિકાની આયાત છે? વિધવાઓના વાળ મુંડાવીને ભીખ માગતી કરી દેવાનું આપણે લંડનની કઈ ગલીમાંથી શીખ્યા? આજે દેશના અડધા ભાગમાં મર્દ ખુલ્લા મોંએ ફરે છે (અને મોં પણ મારે છે!) ત્યારે ઔરતોને ઘૂંઘટમાં છુપાઈ રહેવાનો કાનૂન પશ્ચિમમાં કેમ જોવા મળતો નથી? આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે દરેક સમસ્યાને સભ્યતા અને સંસ્કૃતિના પૂર્વગ્રહમાં બાંધીને જવાબદારીમાંથી છટકી જાઈએ છીએ. હકીકત એ છે કે ભારતીય સંસ્કૃતિ પણ કંઈ દૂધે ધોયેલી નથી.
'આપણી સંસ્કૃતિ અને એમની સંસ્કૃતિ' એવા સરળ અને સહેલા ગણિતમાં ક્યારેક પ્રશ્ન થાય છે કે પશ્ચિમી સંસ્કૃતિ એટલે શું? લોકોને ખરેખર પશ્ચિમી સંસ્કૃતિની યોગ્ય કહી શકાય એવી સમજ છે ખરી? આપણે જ્યારે પણ પશ્ચિમી સંસ્કૃતિના નામનો સિક્કો ઉછાળીએ છીએ ત્યારે આપણામાં એક એવી ઇમેજ પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરીએ, જેમાં લોકો વાત વાતમાં એકબીજાને ગનથી શૂટ કરી દે છે, જ્યાં છોકરીઓ બિકિની પહેરીને ટયૂબ ટ્રેનમાં ફરે છે અને ખુલ્લી સડક પર સેક્સસંબંધો બાંધે છે, જ્યાં આપણી ડોશીઓની જેમ લોકો સડકના કોર્નરે ભેગા થઈ ડ્રગ્સ સૂંઘે છે અને જ્યાં પૈસાથી ઘરમાં પિતા કે માતા 'ખરીદી' લવાય છે.
પશ્ચિમી સંસ્કૃતિ એટલે સેક્સ, ક્રાઇમ, એશ અને ભોગની બેશરમ દુનિયા, એવું આપણું સાદું ગણિત છે. આ જ્ઞાન આપણને ક્યાંથી મળે છે? આપણે જેને સંસ્કૃતિની સમજ કહીએ છીએ એ આપણને મીડિયા અને હોલિવૂડ તરફથી મળે છે. આ બંને માધ્યમો કન્ઝુમરિઝમ અથવા ઉપભોક્તાવાદની એક તગડી ઇન્ડસ્ટ્રી છે. બંનેમાં સેક્સ અને હિંસા ભરપૂર છે. અમેરિકાએ દુનિયાની સૌથી સેક્સી અને હિંસક ઇન્ડસ્ટ્રીને મજબૂત કરી છે- પછી એ 'પ્લેબોય' મેગેઝિન હોય, ઇન્ટરનેટ પોર્ન હોય કે પછી હોલિવૂડની સુપર ટેક્નોલોજિકલ હિંસા હોય.
આનું કારણ એ છે કે અમેરિકામાં બોલવાની અને બતાવવાની જબરદસ્ત આઝાદી છે. બીજું એ કે સેક્સ પ્રત્યે અમેરિકામાં જબ્બર ખુલ્લાપણું છે અને એટલે જ એનું બાજારીકરણ પણ છે. પશ્ચિમની બીજી ઇમેજ ભોગવાદી અને માફિયાવાદી છે. આપણી આ માન્યતા મૂળભૂત રીતે આપણી મૂડીવાદ-વિરોધી અને સામ્યવાદ-તરફી નહેરુવાદી વિચારસરણીનું પરિણામ છે. શીત યુદ્ધ વખતે આપણે રશિયનોનો પાલવ પકડયો હતો ત્યારે મૂડીવાદમાં કેટલી બુરાઈઓ છે એના પાઠ આપણને ભણાવવામાં આવ્યા હતા. આપણે એ પાઠ આસાનીથી ગળે ઉતારી દીધા, કારણ કે ગોરા લોકોના દુઃશાસનમાંથી આપણે તાજા જ બહાર આવ્યા હતા.
ઇનફેક્ટ, પશ્ચિમી સંસ્કૃતિ વહશી છે એવી આપણી માન્યતા હકીકતમાં આપણી મૂડીવાદ વિરોધી રાજકીય-સામાજિક માન્યતા અને પશ્ચિમની પ્રગતિમાંથી આવી છે. પશ્ચિમની પ્રગતિ અથવા ઔદ્યોગિકીકરણ ભારતીય સમાજ પર ગોરાઓની પક્કડ મજબૂત બનાવશે એવી ગાંધીવાદી માન્યતા સમાજવાદ-સામ્યવાદ તરફી નીતિ-રીતિ અને કથિત પવિત્ર હિન્દુ પરંપરા જ મહાન છે એવી આપણી જીદનું પરિણામ એક સ્પષ્ટ પશ્ચિમ વિરોધી અભિગમમાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ ખતરામાં છે એવો આ અભિગમ પેલા 'ઇસ્લામ ખતરે મેં હૈ'થી જુદો ન હતો.
યુદ્ધનો નિયમ છે કે દુશ્મનને હંમેશાં કાળા રંગથી જ ચીતરવો અને પોતાને સફેદ રંગથી. 'આપણે અને એ'ના આ જંગમાં આપણે ભારતીય કલ્ચરની એક સાફ, સફેદ ઇમેજ ઊભી કરી હતી, જેમાં પારિવારિક મૂલ્યો, સત્યનિષ્ઠા, ધર્મપરાયણતા, મહિલાઓની ઈજ્જત, ત્યાગ અને દાનનો મહિમા, સાદગી અને ન્યાય એ બધું જ હતું. હિંસા, અન્યાય અને પાપ (જેમ કે ધર્મકથાઓના રાક્ષસો) પણ સમાજમાં હતા, પરંતુ સત્યની મહાનતા સાબિત થાય એટલા માટે.
ભારતીય સંસ્કૃતિની આ મહાન તસવીરથી આપણને એટલો પ્રેમ હતો કે સમકાલીન ઇતિહાસની સચ્ચાઈ જ્યારે સામે આવતી હતી ત્યારે આપણે દિગ્મૂઢ થઈ જતા હતા. ઇતિહાસ આપણોય હતો જેમાં દેવી-દેવતાઓ સેક્સની ચર્ચા કરતાં હતાં અને વ્યભિચાર પણ કરતાં હતાં. એવા સાધુ હતા જે સેક્સનાં આસન ભણાવતા હતા અને એવા પૂજારીઓ હતા, જે મંદિરોમાં કામક્રીડાની મૂર્તિઓની ઈજ્જત કરતા હતા.
આ એ સમય હતો જ્યારે સમાજમાં જબ્બર સેક્સુઅલ ફ્રીડમ હતી અને સ્ત્રીઓ સમકક્ષ નહીં, પુરુષ પર પ્રભુત્વવાળી હતી અને પોતાનો સેક્સ વ્યવહાર પોતે નક્કી કરતી હતી. સેક્સ પ્રત્યે શર્મ અને અપરાધનો યુગ તો બહુ તાજો છે. આ બધું પશ્ચિમમાંથી આવ્યું ન હતું. આનો ઇતિહાસ ઇંગ્લેન્ડ, અમેરિકાના ઉદ્ભવથીય આગળ જાય છે. આમાંનું ઘણું બધું તો પશ્ચિમમાં ય ન હતું.
ટૂંકમાં, બોલિવૂડમાં જેવું છે એવું ભારત અસલમાં નથી એવી જ રીતે હોલિવૂડમાં છે તેવું અમેરિકા પણ અસલમાં નથી. પશ્ચિમી સંસ્કૃતિની આપણી ધારણા એટલી જ અધૂરી અને ગલત છે જેટલી પાકિસ્તાનીઓની ભારતીય ધારણા અધૂરી અને ગલત છે. પાકિસ્તાનમાં ભારતીય કલા અને સિનેમા પર પાબંધી એટલા માટે છે કે એ એક ભ્રષ્ટ સંસ્કૃતિ છે. આપણા તર્ક પ્રમાણે તો પાકિસ્તાનીઓ સહી ન કહેવાય?
goswami_raj@yahoo.co.in