તા. ૧૮
ભારતની વાન્યા અંતિમ સાતમાં સ્થાન પામી શકી
ચીનના ઓર્ડોસના ડોંગશેંગ ફિટનેસ સેન્ટર સ્ટેડિયમમાં આયોજિત ૬૨મી મિસ વર્લ્ડ-૨૦૧૨ સૌંદર્ય સ્પર્ધામાં મિસ ચાઇના વેનેઝિયા યુ વિજેતા બની હતી, જ્યારે મિસ વેલ્સ સોફી એલિઝાબેથ મોલ્ડ્સ તથા મિસ ઓસ્ટ્રેલિયા જેસિકા કેહવેટી અનુક્રમે ફર્સ્ટ અને સેકન્ડ રનરઅપ રહી હતી. બીજી તરફ ભારતીય સુંદરી વાન્યા મિશ્રા ફાઇનલમાં સ્થાન મેળવી શકી હતી, પરંતુ પહેલા ત્રણ ક્રમમાં સમાવેશ પામી શકી નહોતી, જોકે વાન્યાને મિસ વર્લ્ડ બ્યુટી વિથ અ પર્પઝ ૨૦૧૨ અને મિસ મલ્ટિમીડિયા ૨૦૧૨નું સબટાઇટલ મળ્યું હતું.
અંતિમ ૧૫ સેમિ ફાઇનલિસ્ટમાંથી સાત ઉમેદવાર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી શક્યા હતા, જેમાં જમૈકા, દક્ષિણ સુદાન, ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ચીન રિપબ્લિક અને વેલ્સની સુંદરીઓનો સમાવેશ થાય છે. વેનઝિયાને વિજેતા જાહેર કરાયા બાદ ગયા વર્ષે મિસ વર્લ્ડ બનેલી મિસ વેનેઝુએલા ઇવિઅન સાર્કોસે તેને તાજ પહેરાવ્યો હતો. સૌંદર્ય સ્પર્ધાના નિર્ણાયક દિવસની સાંજ મોન્ગોલિયન યોદ્ધાઓના પર્ર્ફોિમગ આર્ટનાં પ્રદર્શનથી શરૃ થઈ હતી. સ્પર્ધામાં ૧૧૬ દેશની સુંદરીઓએ ભાગ લીધો હતો. આગામી મિસ વર્લ્ડ કોન્ટેસ્ટ ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર યોજાશે.
ટાઇટલથી જરાક ચૂકી વાન્યા
ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ચંડીગઢની વીસ વર્ષીય વાન્યા મિશ્રા અંતિમ સાત ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવી શકી હતી, પરંતુ તે અંતિમ ત્રણમાં સ્થાન મેળવી શકી નહોતી. ચક્ષુદાન કરવાની પ્રતિજ્ઞા લેનારી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગની વિદ્યાર્થિની વાન્યા બોલિવૂડમાં પ્રવેશવાનું પહેલેથી જ વિચારી રહી છે. સેમિફાઇનલમાં સ્પર્ધકોને તેમના દેશના સંગીત પર નૃત્ય કરવાનું કહેવાયું હતું, વાન્યાએ 'ઉમરાવ જાન'ના 'દિલ ચીજ ક્યા હૈ...' ગીત પર પર્ફોર્મન્સ આપ્યું હતું.
Miss World 2012