અમદાવાદ, તા.૧૮
અમદાવાદીઓ માટે હવે એમ્ફિબિયસ બસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.આ અનોખી બસની વિશિષ્ટતા એછેકે, તે આશ્રમ રોડ સહિતના માર્ગો પર દોડી શકશે સાથે સાથે સાબરમતી નદીમાં તરી પણ શકશે. ગુજરાતમાં જ નહિ પણ સમગ્ર ભારતમાં આવી અનોખી ટુરિંગ બસ સુવિધા શરુ થવા જઇ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રવાસીઓને આકર્ષવા નોખી કહી શકાય તેવી એમ્ફિબિયસ બસ લાવવા વિચારણા હાથ ધરી છે.આગામી બે ત્રણ મહિનામાં આ સુવિધા શહેરીજનો માટે ઉપલબ્ધ બનશે.શહેરજનો ઉપરાંત દેશવિદેશના પ્રવાસીઓ માટે એમ્ફિબિયસ બસ એક નવલું નજરાણું બની રહેશે.
- એમ્ફિબિયસ બસ શહેરીજનો માટે આકર્ષણરૂપ બનશે
- નદીમાં એમ્ફિબિયસ બસ કયાં કયાં ફરશે
- વાસણાના દધીચિ બ્રિજથી વાસણા આંબેડકરબ્રિજ સુધી
- ભારતમાં પ્રથમવાર અનોખી ટૂરિંગ બસ-સુવિધા શરૂ કરાશે
- યુરોપ-અમેરિકાથી વિશિષ્ટ સુવિધા ધરાવતી બસ લવાશે
- ટેન્ડરપ્રક્રિયા પૂર્ણ કરી બે-ત્રણ મહિનામાં બસ- સુવિધા શરૂ કરવા વિચારણા
સામાન્ય રીતે લશ્કરના વાહનોમાં ટેન્ક એ એવું સાધન છેકે,જે જમીન પર દોડી શકે તેમજ પાણીમાં પણ તરી શકે છે. કઇંક આ પ્રકારની એમ્ફિબિયસ બસ લાવવા કવાયત હાથ ધરાઇ છે. આધારભુત સુત્રોના મતે,અત્યારે જાપાન, સિંગાપોર, મલેશિયા,નેધરલેન્ડ અને ઇંગ્લેન્ડ સહિત યુરોપના દેશોમાં એમ્ફિબિયસ બસ પ્રચલિત બની છે. એમ્ફિબિયસ બસમાં પ્રવાસ કરવાનો રોમાંચ જ કઇંક ઔર છે જેનું કારણ એ છેકે, આખાયે અમદાવાદમાં ફરી શકશે સાથે સાબરમતીમાં નદીમાં તરીને આ છેડેથી પેલા છેડા સુધી બોટિંગનો પણ રોમાંચક અનુભવ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિવરફ્રન્ટને વિશ્વના નકશા પર મુકવા માટેના ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે જેના ભાગરુપે હવે એમ્ફિબિયસ બસનો પ્રોજેક્ટનો અમલ કરવાની દિશામાં કામગીરી પ્રારંભાઇ છે. એમ્ફિબિયસ હાલમાં અમેરિકા ઉપરાંત યુરોપમાંથી લાવવા વિચારણા હાથ ધરાઇ છે.તે માટે કોન્ટ્રાક્ટ માટે રસ ધરાવતી કંપનીઓ સાથે વાટાઘાટો ચાલી રહ્યો છે.
એમ્ફિબિયસ બસમાં વધુમાં વધુ ૩૫ પ્રવાસીઓ બેસી શકે તેવી વ્યવસ્થા હશે. આ ઉપરાંત વિકલાંગો વ્હિલચેર સાથે બસમાં બેસી શકે તે માટે અલગથી હાઇડ્રોલિક સિસ્ટમની લિફટ પણ હશે જેથી વુધ્ધોને પણ બસમાં ચડઉતર કરવામાં સરળતા રહેશે.
પ્રથમ તબક્કામાં વાસણાના આંબેડકર બ્રિજથી વાડજના દધિચિ બ્રિજ સુધી એમ્ફિબિયસ બસનો રૂટ હશે. જોકે, આ બસ માત્ર નદીમાં પણ શહેરના વિવિધ જોવાલાયક સ્થળોને આવરી લે તેવા રૂટ પરથી પસાર થશે. બોટિંગ સુવિધાને વ્યાપક પ્રતિસાદ સાંપડયાં બાદ હવે તરી શકે અને રોડ પર દોડી શકે તેવી બસ અમદાવાદીઓ માટે જ નહિ પણ દેશવિદેશના ટુરિસ્ટો માટે એક અનોખું આકર્ષણ ઉભું કરશે.
કાંકરિયા સહિતનાં સ્થળોને આવરી ડક રૂટ તૈયાર કરાશે
રિવરફ્રન્ટ ઉપરાંત શહેરના કાંકરિયા,ગાંધીઆશ્રમ સહિતના ફરવાલાયક સ્થળોને જોવાની તક મળે તેમજ નદીમાં બોટિંગ કરવાનો રોમાંચ માણવા મળે તે રીતે એમ્ફિબિયસ બસનો રૂટ કરવામાં આવશે. અન્ય રાજ્યોમાંથી આવતાં પ્રવાસીઓને આખુયે અમદાવાદ શહેર જોવાની તક મળી રહે તે હેતુથી સમગ્ર રૂટ બનાવાશે.
પ્રાઇવેટ પાર્ટનરશિપથી કોન્ટ્રાક્ટ અપાશે
પ્રવાસીઓને આકર્ષણરૂપ એવી એમ્ફિબિયસ બસ માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન સંયુક્તપણે પ્રાઇવેટ પાર્ટનરશિપથી કોન્ટ્રાક્ટ આપવા વિચારણા હાથ ધરી છે.ટુંક જ સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાનાર છે. વર્ષ કુલ આવક થાય તે પૈકીની અમુક ટકા રકમ કોન્ટ્રાકટરે મ્યુનિ. કોર્પોરેશનને ચુકવવાની રહેશે. હાલમાં બે કંપનીઓએ એમ્ફિબિયસ બસ માટે રસ દાખવ્યો હોવાનું જાણવા મળ્યું છે.